જી.કે.માં કોરોનાની સારવાર લેતા દર્દીની પરિસ્થિતિ અંગે રોજેરોજ જારી કરાતા બુલેટીન

કંટ્રોલરૂમના નંબર ઉપર પણ વિગતો મેળવી શકાશે : બહારથી આવતા કોરોનાના ગંભીર દર્દીઓને કંટ્રોલરૂમની જાણ હેઠળ મોકલવા વિનંતી

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીના નિકટના પરિજનોને રોજેરોજની માહિતી ઉપલબ્ધ થઈ શકે એ હેતુસર કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓની વર્તમાન પરિસ્થિતિ અને તેમની સારવાર અંગે વિગતવાર માહિતી રોજેરોજ કોરોના હેલ્થ બુલેટિન સ્વરૂપે નિયમિત બહાર પાડવામાં આવે છે. અને તેમજ સ્થળ ઉપર જાહેર કરવામાં આવે છે.
જી.કે. જનરલ હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે વાજપેયી ગેટ પાસે આ બુલેટિન જારી કરવા કંટ્રોલરમ શરૂ કરવામાં આવ્યો છે. જે ૨૪ કલાક ધમધમે છે. કંટ્રોલરૂમમાથી બુલેટિન બહારપાડવા ઉપરાંત ફોન ન. ઉપરાંત મો.ન.૮૯૮૦૮ ૦૨૯૧૦, ૬૩૫૯૦ ૬૦૯૬૪ તેમજ ૦૨૮૩૨ ૨૪૬૫૩૫ નંબર ઉપર પણ દર્દીની માહિતી આપવામાં આવે છે. આ કંટ્રોલરૂમમાં ઈંટર્ન્સ તબીબો,સ્થાનિક વહીવટી ટિમ તેમજ જિલ્લા પંચાયતનો સ્ટાફ અને કાઉન્સીલર્સ વિગેરે જુદી ત્રણ પાળીમાં ફરજ બજાવે છે. એવું જી.કે. જનરલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બુલેટિનમાં રોજેરોજ સવારે તબીબોના રાઉન્ડ દરમિયાનની વિગતો હોય છે. આ ઉપરાંત દર્દીની વર્તમાન મેડિકલ પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. દરમિયાન જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેંદ્ર હિરાણીએ જણાવ્યુ હતું કે, જી.કે. કોરોના વોર્ડમાં ક્રિટીક્લ કેસોની સંખ્યા વધુ છે. તેઓને સઘન સારવાર આપવામાં આવે છે. પરંતુ, ઘણીવાર તાલુકા અને ગામોમાથી પણ ક્રિટીકલ કેસો રિફર કરવામાં આવે છે. આવા દર્દીઓને જ્યાં સારવાર લેતા હોય તે સ્થળે દર્દીઓને જરૂરી ઓક્સિજન પૂરું પાડી તેની પરિસ્થિતી સ્થિર કરી અને કોવિડ કંટ્રોલ રૂમમાથી કોવિડ વોર્ડની પરિસ્થિતી જાણી ઓક્સિજન ધારક એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવે તો દર્દીની સારવાર વ્યવસ્થિત થઈ શકે. આ હકીકતને ધ્યાનમાં લઇ જિલ્લામાં સારવાર આપતા તબીબોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.