જી.કે.માંથી ગુજસીટોકના ફરાર આરોપીને મદદગારી કરનાર વધુ 3 આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર

ભુજ : શહેરની જી.કે. નજરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકના ગુનાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા પોલીસ જાપ્તામાંથી નાસી ગયો હતો. જે બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યારે નિખિલ દોંગાને ભગાડવાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર અન્ય ત્રણ આરોપીઓની સંડોવણી તપાસમાં સામે આવી હતી. આ આરોપીઓને ઝડપી પાડીને પોલીસે પુછપરછ કરતા તેઓએ ગુનાનો એકરાર કર્યો હતો. પોલીસે ઝડપેલા ત્રણ આરોપીઓ રાજકોટના 28 વર્ષિય નિકુંજ તુલશીભાઇ દોંગા, ગોંડલના 29 વર્ષિય મોહિત ઉર્ફે મુંડો રમેશભાઈ સખીયા અને રાજકોટના 30 વર્ષિય પાર્થ ઉર્ફે લાલો બિપીનભાઈ ધાનાણીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે આજે 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર  ભુજ કોર્ટમાં રજૂ કર્યા હતા. નામદાર કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના આગામી તારીખ 9મી એપ્રીલ સુધીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.