જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે રાજયમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ચોથા ઓકિસજન પ્લાન્ટનો કરાયો શુભારંભ

લીકવીડ ઓકિસજન પ્લાન્ટ અને ઈમરજન્સી વોર્ડ કાર્યાન્વિત કરાયા

ચોથા ઓકિસજન પ્લાન્ટના શુભારંભ થકી જી.કે.જનરલ  હોસ્પિટલ ઓકિસજન બાબતે બની આત્મનિર્ભર

આજરોજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીરની ઉપસ્થિતિમાં જી.કે.જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે ચોથા ઓકિસજન પ્લાન્ટ, ૧ લીકવીડ ઓકિસજન પ્લાન્ટ તેમજ નવા ઈમરજન્સી વોર્ડનો શુભારંભ કરવામાં આવ્યો હતો.કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલ ઓકિસજનની માંગને પહોંચી વળવા તેમજ તે અંગે આત્મનિર્ભર બનવા કચ્છ વહીવટી તંત્ર સતત પ્રયાસ કરી રહયું છે. જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે પણ આ અન્વયે અગાઉ ત્રણ ઓકિસજન પ્લાન્ટ કાર્યરત છે તથા હાલ આ ઓકિસજન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરતા ચોથા ઓકિસજન પ્લાન્ટનું રાજયમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લીકવીડ ઓકિસજનનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં અવિરત મળતો રહે તેવા આશય સાથે ૨૦ કિલો લિટરની લીકવીડ ઓકિસજન સ્ટોરેજ ટેન્કને પણ શરૂ કરવામાં આવી હતી. જેમાં લીકવીડ ઓકિસજનનો સંગ્રહ કરી શકાય.

આ ઉપરાંત રાજયમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે નવો અલાયદો ઈમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જે ૮ આઈ.સી.યુ. બેડ સહિત કુલ ૩૫ બેડની ક્ષમતા ધરાવે છે અને આ ચોથા ઓકિસજન પ્લાન્ટનો શુભારંભ થતા હવે જી.કે.જનરલ હોસ્પિટલ કુલ ૫૦૦ સીલીન્ડર ક્ષમતા ધરાવે છે. જેથી ઓકિસજન બાબતે જી.કે.જનરલ હોસ્પિટલ આત્મનિર્ભર બન્યું છે અને દર્દીઓને કોઇ હાલાકી ભોગવી નહીં પડે. આ તકે રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અદાણી સંચાલિત હોસ્પિટલ દ્વારા ખુબજ સારી કામગીરી થઇ રહી છે. લોકોને તકલીફ ન પડે તેની તંત્રની સાથે અદાણી જેવી અનેક મોટી કંપનીઓ મહેનત કરી રહી છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલા આ ચોથા પ્લાન્ટ થકી કચ્છ ઓકિસજન બાબતે આત્મનિર્ભર બની રહયું છે તે આનંદની વાત છે. આ પ્રસંગે ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ નગરપ્રમુખશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાની, ભુજ મામલતદારશ્રી વિવેક બારહટ, સિવિલ સર્જન ડો.એસ.કે.દામાણી, એડિ.મેડિકલ સુપ્રિ. મહેશ ટીલવાણી, તથા અન્ય જી.કે.જનરલ હોસ્પિટલનો સ્ટાફ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.