જી.કે. જનરલના વેન્ટિલેટર વોર્ડમાં ૧ર-૧ર કલાકની ડ્યુટી બજાવતા બે ફરજ નિષ્ઠ તબીબોને સલામ

જીવના જોખમે તબીબો અને મેડિકલ સ્ટાફ ગંભીર દર્દીઓની કરે છે સેવા ચાકરી : તબીબોનો જુસ્સો અને આત્મવિશ્વાસમાં વધારો કરવો જરૂરી : ખરેખર આ ડોકટરો ર૧મી સદીમાં પૃથ્વી પર અવતરી આવેલા ભગવાન સમાન છે !

મેડિકલ વિભાગે લુંટ કરવાની માજા મુકી છે તે છતાં ડોકટરને ભગવાનની વ્યાખ્યામાં ગણાય છે તેવા બે ડોકટરની સેવા બીરદાવવા જેવી છે

ભુજ : જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલ જી.કે. જનરલમાં દર્દીઓનો ધસારો સતત ચાલુ રહે છે. દર્દીઓના ધસારા વચ્ચે મેડિકલ સ્ટાફ જીવના જોખમે પોતાની જવાબદારી સુપેરે નિભાવે છે. કામના ભારણ વચ્ચે પોતાની ચિંતા છોડી અન્યના સ્વજનોને પ્રાણ આપવા માટે આ તબીબો ૧ર -૧ર કલાકની સતત ડ્યુટી રજા રાખ્યા વગર કરી રહ્યા છે, જેઓની સેવા ભાવના કોઈ મુલવી શકે તેમ નથી. હાલ જોવા જઈએ તો લોકો જી.કે. જનરલના વહિવટ સામે માછલા ધોવે છે, પરંતુ તબીબો કઈ પરિસ્થિતિમાં કામ કરે છે. તેની તેઓને જાણ હોતી નથી. તબીબો પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર પરિવારની પણ ચિંતા છોડી લોકોના સ્વજનને બચાવવા પ્રયાસો કરી રહ્યા છે. જી.કે. જનરલમાં મુખ્યત્વે ગંભીર પ્રકારના દર્દીઓ દાખલ થતા હોય છે તે પૈકી મોટાભાગના દર્દી ઓક્સિજન પર દાખલ હોય છે. જયારે હોસ્પિટલમાં બાય પેપ, વેન્ટિલેટર અને એચએફએનસીની કુલ પ૩ પથારી ઉપલબ્ધ છે, જે તમામ ફુલ રહેતી હોય છે. આ વોર્ડમાં કુલ ૪ તબીબોને દર્દીની ચકાસણી માટે જવાબદારી સોંપાઈ છે, જો કે બે મહિલા તબીબો ગર્ભવતી હોવાથી કોવિડ વોર્ડની ડ્યુટીમાંથી મુક્ત કરાયા છે, જેથી હાલમાં બે તબીબો રાઉન્ડ વાઈઝ ૧ર – ૧ર કલાકની ડ્યુટી બજાવી દર્દીઓની સેવા ચાકરી કરી રહ્યા છે.હોસ્પિટલના મેડિકલ વડા ડો. નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું કે, હાલમાં પરિસ્થિતિ વિકટ છે. હોસ્પિટલમાં દર્દીઓનો સતત ધસારો રહેતો હોય છે. વેન્ટિલેટરના બેડ પણ ફુલ હોય છે. આ વોર્ડમાં ૪ તબીબો પૈકી બે મહિલા તબીબો પ્રેગ્નેન્ટ હોવાથી કોવિડ વોર્ડની ડ્યુટીમાં મુક્ત કરાયા છે. હાલમાં ડો. નિરાલી ત્રિવેદી અને ડો. જયદીપ ૧ર-૧ર કલાકની શિફટમાં દર્દીઓની રાઉન્ડ ધ ક્લોક ચકાસણી કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં ચોથો ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની કામગીરી પ્રગત્તિમાં છે, જે થઈ જવાથી વેન્ટિલેટરના વધુ ર૦થી રપ બેડ વધારવાનું આયોજન છે.
અત્રે નોંધનીય છે કે ભુજની જી.કે.માં વેન્ટિલેટરની જરૂરિયાત વાળા દર્દીઓનો ભારે ધસારો રહેતો હોય છે. આવા સમય ગાંધીધામમાં વેન્ટિબેડની સુવિધા ઉભી થાય તો ભુજમાં ભારણ ઘટે તેમ છે. એકતરફ જિલ્લામાંથી જી.કે.માં વેન્ટિલેટરમાં દર્દીને દાખલ કરવા માટે ભલામણોનો દોર ચાલતો હોય બીજીતરફ હોસ્પિટલમાં જગ્યા ન હોય, એક સ્વજન પોતાના દર્દીને વેન્ટિલેટર પર દાખલ કરાવવા માટે બીજાના સ્વજન કયારે મૃત્યુ પામશે અથવા તો ડિસ્ચાર્જ થશે તેની રાહ જોઈને બેઠા હોય છે. તબીબો પર એટલું પ્રેસર કરવામાં આવે છે ગમે તે કરો પણ અમારા સગાને વેન્ટિલેટર પર દાખલ કરો. જી.કેેે.માં એક ડોકટર વેન્ટિવોર્ડમાં સતત ૧ર કલાક ફરજ બજાવે છે આવા સમયે આક્ષેપ બાજીના બદલે તબીબોને સહકાર આપી તેમનો જુસ્સો અને આત્મવિશ્વાસ વધે એ દિશામાં પ્રયાસો કરવા જરૂરી છે. હાલનો સમયે મહામારીનો છે જે એક બીજાના ટેકાથી આ પસાર થશે. ખરેખર આ તબીબો માત્ર તબીબ નથી પરંતુ ર૧મી સદીમાં પૃથ્વી પર અવતરી આવેલા ભગવાન સમાન છે.