દિકરા કે દિકરી પણ ન કરે તેવી સેવા અહીંની નર્સ અને વોર્ડબોય દ્વારા કરાઈ : 68 વર્ષિય વૃદ્ધા સારવાર ઉપરાંત હુંફ અને લાગણીથી કોરોનાને આપી રહ્યા છે મ્હાત

ભુજ : અહીંની જી.કે જનરલ હોસ્પિટલની સેવામાં થોડુ કંઈક ઉચું નીચું કે ઓગણીસ વીસ થાય તો પ્રચાર માધ્યમો જી.કે ઉપર વરસવામાં કાંઈ જ કસર બાકી રાખતા નથી. સ્વભાવિક છે કે, દર્દીઓને પડતી હાલાકીને કારણે ચોથી જાગીરની ફરજ બની જાય છે કે, તેમની વેદનાને વાચા આપવી… પરંતુ જી.કેની એક એવી પોઝિટિવ વાત આ રિપોર્ટમાં કરવી છે. જેમાં અહીંની હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવતા 68 વર્ષિય વૃદ્ધાએ અહીંના સ્ટાફની સેવા ભાવનાને બિરદાવી હતી. આવા લાગણી સભર અંતરના આશિર્વાદ જી.કેમાં સારવાર મેળવનાર એક વૃદ્ધા આપતી હોય, ત્યારે વિરોધના વંટોળ વચ્ચે જી.કે હોસ્પિટલની સેવાનો વિશ્વાસ રણમાં મીઠી વિરડી સમાન બની રહે છે.

આ વૃદ્ધા છે ભગવતી બેન સેંઘાણી (પટેલ).. 68 વર્ષિય ભગવતીબેનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓ ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. કોરોનાને મોટાભાગે હંફાવનાર અને હરાવનાર ભગવતીબેન કહે છે કે, જી.કે હોસ્પિટલની આ દિકરી અને દિકરાઓએ મારી એવી સેવા કરી છે કે, સગા દિકરા કે દિકરી પણ ન કરી શકે… આ સેવા ભાવિ દિકરીઓએ તેમની માતાના કુખને ઉજાળી છે. દિવસ-રાત જોયા વગર તેઓ મારા જેવા તમામ દર્દીઓની નિઃશ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. સાથે જ આ વૃદ્ધાએ તેઓને અંતરના આશિર્વાદ પાઠવતા ભગવાન તેઓને વધુને વધુ શક્તિ આપે અને આ રીતે જ આ દિકરીઓ અને દિકરા દર્દીઓની સેવા કરી તેઓને નવજીવન આપે… હોસ્પિટલના નર્સિંગ તેમજ વોર્ડબોય સ્ટાફની સેવાભાવનાથી ગળગળા થયેલા ભગવતીબેને પોતે જો કોરોનામાંથી ઉભા થયા હોય તો હોસ્પિટલના સ્ટાફ અને તબીબોની મહેનત અને સેવાને કારણે તેઓ સ્વસ્થ બન્યા છે. તેમનો વાયરલ થયેલો આ પોઝિટિવ વીડિયો જી.કે જનરલ હોસ્પિટલની સેવાઓ પર ઉછળતા આક્ષેપોનો જવાબ છે.

નોંધનીય છે કે, હોસ્પિટલની સેવાઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકોને જ્યારે સારવાર માટે રજડપાટ કરવી પડે તો ક્યારેક લોકો પોતાના સ્વજનો ગુમાવે છે ત્યારે જી.કે હોસ્પિટલ પર આક્ષેપોના એવા તીર છોડાય છે કે, આ હોસ્પિટલ પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગમગી જાય… પરંતુ આવા કિસ્સાઓ જ્યારે સામે આવે ત્યારે હોસ્પિટલ પર ઉઠતા આક્ષેપો સામે પણ સહેજે સવાલ થાય કે, જે આરોપ હોસ્પિટલ પર થાય છે તેને સાચા માનવા કે ભગવતીબેન જેવા આવા દર્દીઓની વાતમાં દમ છે.