જીવનદાયિત્રી નર્સ-નર્સીંગ સ્ટાફનું સરકારે વિચારવું જ ઘટે જીવના જોખમે દોડતાં એમ્બ્યુલન્સ ડ્રાયવરનું કરો જતન…!

  • નર્સીંગ-મેડીકલ સ્ટાફની પડતર માંગણીઓ સંતોષવી જ ઘટે

કોરોનાના કપરાકાળમાં જયો ખુદના સગા-સબંધીઓ પણ દર્દી પાસે જતા ૧૦૦ વાર વિચાર કરે છે, ત્યાં નર્સ-સિસ્ટર્સ દર્દીની સાથે ર૪ કલાક સતત સંપર્કમાં રહી અને તબીબના માર્ગદર્શન હેઠળ આપે છે ખડેપગે સેવાઓ : ડોકટર્સ તો માત્ર આવીને રીપોર્ટ ચકાસીને જતા રહે, કોરોનાના દર્દીની સાથે તો નર્સ-સિસ્ટર્સને જ હોય છે પનારો..!

એમ્યુલન્સ ડ્રાયવર તથા સાથી સ્ટાફ પણ કોરોનાકાળમાં બની રહ્યા છે સાચા દેવદુત : દર્દીઓને સમયસર જીવના જોખમે આ ડ્રાયવર્સ પહોચાડતા હોવાથી કઈક દર્દીઓને મળી રહ્યા છે નવજીવન : રાત-દિવસની દોડધામભરી નિષ્ઠાપૂર્વકની ફરજમાં અકસ્માતોમાં મૃત્યુને પણ ભેટી રહ્યા છે આવા વીર ડ્રાયવર્સ : ભુજના બે અમ્યુલન્સ ડ્રાયવર-સ્ટાફને વિરમગામ પાસે આ જ રીતે એકાદ માસ પહેલા જ નડી ગયો અકસ્માત : દર્દીઓના જીવ બચાવતા બચાવતા બે આશાસ્પદ યુવાનોએ જીવ કરી દીધો ફના : હકીકતમાં આવા ડ્રાયવર્સની મદદે સરકાર-સેવાભાવી સંસ્થાઓ-દાતાઓ-અગ્રણીઓએ આવવુ જોઈએ આગળ : સરકાર એમ્યુલન્સના હંગામી ડ્રાયવર્સને પણ કાયમી કરવાની કરી દેખાડે પહેલ

ખુદના પરીવાર-બાળબચ્ચાઓને છોડીને અજાણતા સબંધીઓ માટે બંધાયેલા પગારમાં જીવના જોખમે સેવા બજાવી રહેલ નર્સ-પરીચારીકા-નર્સીંગ સ્ટાફ-સિસ્ટર્સને ખુદના હક્કો માંગવા હડતાળ પર ઉતરવું પડે છે..ઃ સરકારની બલિહારી કે પછી આપણા સૌની કમનશીબી..? : જાણકારોની ટકોર

ગાંધીધામ : ગુજરાત રાજયમાં તબીબી પ્રાધ્યપિકા, નર્સ અને નર્સીંગ સ્ટાફ સહિતનાઓ દ્વારા હાલમાં પાછલા અમુક સમયથી સરકારની સામે ખુદની પડતર માંગણીઓ સંતોષાતી ન હોવાથી હડતાળની ચીમકીઓ ઉચ્ચારી દીધી છે અને આજ રોજ નોન કોવિદ તબીબો સહિતાનાઓ મોટા શહેરોમાં હડતાળ શરૂ પણ કરી ચુકયા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.મિત્રો, જરા વિચાર તો કરો, કોરોનાના કપરાકાળમાં જે નર્સ, પરીચારીકા, નર્સીંગ સ્ટાફ-સિસ્ટર્સ, ખુદનુ સર્વસ્વ, પરીવાર, બાળબચ્ચા, જાનને જોખમે મુકી અને અજાણતા સગા એટલે કે માનવતાના ધોરણે કોરોનાના સંક્રમિત દદીઓની સાથે દિવસ-રાત જોયા વિના તેઓની સારવાર કરી રહ્યા છે તેઓને ખુદના હક્કો મેળવવા માટે આજે હડતાળ તરફનુ કદમ ઉઠાવવુ પડી રહ્યુ છે.? સરકાર કેટલી હદે અસંવેદનશીલ બની રહી છે કે, જેઓ દર્દીને નવું જીવન બક્ષવામાં પરિશ્રમની પરાકાષ્ટાઓ કરી રહ્યા છે, તેઓ જે કામ કરી રહ્યા છે તે કોરોનામાં સર્વવિદિત છે, એટલે કે સૌ જેાઈ શકે છે, છતા પણ સરકાર તેમની માંગો પેન્સન સહિતની સંતોષવાની વાત તો દુરની રહી પણ માત્ર ઠાલા ઠાલા આશ્વાસનો આપી અને છળકપટ્ટ જ કરી રહી હોય તેવુ દેખાઈ રહ્યુ છે..? આ કેટલી હદે વ્યાજબી કહી શકાય..!કોરોનાના કપરાકાળમાં સહેજ ડોકીયુ કરીએ તો ખ્યાલ આવશે કે, આરોગ્યકર્મીઓ જે રીતે કોરોના યોદ્વા બનીને લોકોને બચાવવા મદદે આવ્યા છે તે સરકારને માટે પણ આર્શીવાદરૂપ કદમ બની રહ્યુ છે. જો આ તમામ તેઓની કામગીરીથી અળગા થશે તો કોરોનાના મૃતકાંક તથા સંક્રમિતનો આંક કયા હશે તેનો તો વિચાર કરો..! આરોગ્યકર્મીઓમાં પણ ખાસ કરીને તબીબો-ડોકટર્સ, અધિકારીઓ સહિતનાઓ તો એસીમાં જ બેસે છે, અને રાઉન્ડ મારીને જતા રહે છે, છતા તેઓની આવક અ..ધ..ધ.રહેતી હોય છે પરંતુ આ નર્સીંગ સ્ટાફ, અથવા તો નર્સને શુ મળે છે? ર૪ કલાક દર્દીઓની પડખે રહ્યા છતા આ નર્સીંગ સ્ટાફને તો બાંધેલા પગાર જ મળે છે? બીજુ તો શુ વિશેષ મળે છે? ઉપરાંત અહી અજાણતા સગાઓની સેવા કર્યા બાદ પણ આ નર્સને ઘરે પહોંચીને ખુદના પરીવારની સાર-સંભાળ તથા રસોઈ-પાણી સહિતની ગૃહિણી તરીકે સેવાઓ તો બજાવી જ રહી. વિચાર તો કરો કે, આ નિર્સીગ સ્ટાફના પરીવારમાં બધા જ કોરોનાની ઝપટમા આવી જાય અને તેમને તંત્ર રજા પણ ન આપે તો તેઓના પરીવારની સેવા-સારવાર કરે કોણ? ઘરના બે છેડા ભેગા કરવા હોય માટે તો નર્સીગ સ્ટાફ તરીકે સેવા કરતા હોય છે, મોટાભાગના મધ્યમવર્ગમાથી જ આવતા હોય છે, તેઓ કોઈ સદ્વર પરીવારમાથી નથી હોતા..? એટલે ઘર સેવા તો કરવી જ રહી.
કોરોનાની કપરી સેવાઓ દરમ્યાન જો કોઈને વિશેષ ભોગવવાનો વારો આવતો હોય તો તે નર્સીંગ સ્ટાફ, નર્સ, પેરામેડીકલ સ્ટાફ અને નાનો પોલીસકર્મી બની રહ્યો છે. આ ક્ષેત્રોના ઉચ્ચ અધિકારીઓ તો પ્રજાનો કે ઝભ્ભાલેગાધારીઓ કે અન્ય કોઈના રોષનો ભોગ કદાપિ બન્યા હોય તેવુ જોવાતુ નથી. ગ્રાઉન્ડ સ્તરે, પ્રજાની સામે, સાથે અને વચ્ચે રહીને તો નાનો પોલીસકર્મી, નર્સીગ સ્ટાફ જ કામગીરી કરતો હોય છે. આવામાં દર્દીઓના સગાઓ સ્થિતી-સંજોગ સમજયા વિના ઘણી વખણ નર્સો પર રોષ ઠાલવી હોબાળો કરી દેતા હોય છે તો ઘણી વખત સેવાઓ કરવાના નામે મીંડુ રહેલા ઝભ્ભાલેંગાધારીઓ પણ આ જ સ્ટાફ પર રૌફ જમાવતો હોવાની સ્થિતી પેદા થાય છે. હકીકતમાં હાલમાં આરાગ્ય ક્ષેત્રમાં ઈન્જેકશનો હોય, રસી હોય, ઓકિસજન હોય કે પથારીઓ હોય તેની વ્યવસ્થાઓ ઝભ્ભા લેગાધારીએ કરાવવી જોઈએ, એકાદ-બે કાઉન્સીલરોને બાદ કરતા કોઈ જ આવા કામો કરતા કયાંય ડોકાયા નથી અને રૌફ જમાવવાનો વારો આવે એટલે ખુદ જાણે ઝભ્ભોને લેગો પહેરી લીધો એટલે શુએ મોટા નેતા બની ગયા હોય તે આરોગ્યકર્મી, નર્સોની સામે રૌફ જમાવતા હોય છે. મજાની વાત એ છે કે, આવા સમયે પણ નર્સીંગ સ્ટાફ દર્દીની મદદે માનવતાના ધોરણે રહી અને આવા બધા જ રૌફ પણ સહન કરી જતો હોય છે. આટઆટલી વ્યવસ્થાઓ અને પીડા બાદ પણ નર્સીગ સ્ટાફને સમાન વેતન, પેન્સન, સહિતની માંગણીઓ સરકાર પાસે કરવી પડે તે કેટલા અંશે યોગ્ય કહેવાય..! હકીકતમાં સરકારે આ બાબતે વેળાસર જ વિચાર કરવો જોઈએ. નર્સ-નર્સીગ સ્ટાફની વહારે આવવુ જ જોઈએ. એક કમિટીનું ગઠન સરકારે કરવુ જોઈએ, સૌ પ્રથમ ઝડપથી વાર્તાલાપ કરી, નર્સ-પરિચારીકા, સિસ્ટર્સને જરૂરી તમામ માંગણીઓ સંતોષાય તે માટે સત્વરે કદમો ઉઠાવવા જ ઘટે તે જ સમયની માંગ બની રહી છે. આવી જ રીતે હકીકતમાં એમ્બ્યુલન્સ ડ્રાયવર્સની પણ જીવનના જોખમે કરવામા આવતી દેવદુત સમાન સેવાની પણ સરકારે નોધ લેવી જોઈએ. હાલમાં આરોગ્ય ક્ષેત્રમાં જે કોઈ સેવા બજાવી રહ્યા છે તેઓના નૈતિક બળ જળવાઈ રહે, તેઓ દર્દીઓની સેવામાં સ્વયં ભુ સમર્પિત ભાવે સેવા બજાવતા રહે, પરીવારની ચિંતા પણ ન કરે તે સમાન નિર્ણયો સરકારે ધડાધડ લઈ લેવા જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે.