જિલ્લા ભાજપના ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ આજે કચ્છમાં

બપોર બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક જન પ્રતિનિધિ અને મોવડીઓ સાથે યોજાશે બેઠક : ઓક્સિજન, વેકસીનેશન, કોવિડની કામગીરી સંદ્રભે કરાશે પરામર્શ

ભુજ : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે તો કોરોનાની બીજી લહેરમાં માનવીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. આવા સમયે ભાજપ સંગઠન દ્વારા લોકોની મદદ કરવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ ભાજપ મહામંતરીને જિલ્લાઓની ફાળવણી કરી દેવાઈ હતી. જેમાં કચ્છ ઝોનના પ્રભારી તરીકે મહામંત્રી રજની પટેલને જવાબદારી સોંપાઈ છે ત્યારે આજે તેઓ પ્રદેશ મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. કોવિડની કામગીરી અંગે તેઓ ભાજપના મોવડીઓ અને જન પ્રતિનિધિઓ સાથે બેઠક કરવાના છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે કહ્યું કે, તેઓ ઓક્સિજન સહિતની બાબતો અન્વયે મીટિંગ કરવાના છે. મહામારીના સમયમાં કચ્છીઓને કેવી રીતે મહત્તમ મદદ કરી શકાય અને તમામ પ્રયાસો થકી લોકોને સારી સેવાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં ચર્ચા થશે. જિલ્લા ભાજપ મહામંત્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે, પ્રદેશ ભાજપના મહામંત્રી અને જિલ્લા ભાજપના પ્રભારી રજનીભાઈ પટેલે આજે બપોરે બે વાગ્યાના અરસામાં કચ્છ આવી રહ્યા છે.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેમની ઉપસ્થિતિમાં મીટિંગ યોજવામાં આવનાર છે. જેમાં કચ્છમાં ૧૮ પ્લસ વેક્સીનેશન ઝડપથી થાય, અન્ય લાભાર્થીઓ રસી મુકાવે, કોવિડની સ્થિતિમાં ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિ જનતાની પડખે ઊભા રહે, લોકોને સારી આરોગ્ય સેવા મળે એ માટે તેઓ જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવાના છે.
નોંધનીય છે કે, ભાજપ દ્વારા કચ્છમાં કોવિડ હેલ્પ માટે તાલુકા દીઠ હેલ્પ સમિતિ બનાવાઈ છે. તાજેતરમાં રાજ્યમંત્રીની હાજરીમાં ધારાસભ્ય અને સાંસદની મળેલી બેઠકમાં પણ આજ દિશામાં ચર્ચા થઈ હતી. ઓક્સિજન, ઈન્જેકશન, બેડ સહિતની સેવામાં ક્યાંય ઉણપ ન રહે એ માટે ચર્ચા કરવામાં આવશે.