જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયાના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની સંકલન બેઠક યોજાઈ

0
18

નોડેલ અધિકારીશ્રીઓને માઈક્રોપ્લાનિંગ બનાવી ચૂંટણી સંબંધિત પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના

પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરતા જરૂરી માર્ગદર્શન-સૂચનો આપવામાં આવ્યા

કચ્છ જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયાના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી, ભુજ ખાતે ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની  સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા અધિક નિવાસી કલેક્ટરશ્રીએ આગામી વિધાનસભાની સામાન્ય  ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીલક્ષી વિવિધ બાબતોનાં નિમાયેલા નોડલ અધિકારીશ્રીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા.               

ચૂંટણીમાં ભાગ લેનારા સ્ટાફ માટે તાલીમ, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, સંગ્રહ અને પરિવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઈઝેશન, વોટર હેલ્પલાઈન, મતદાર અને મતદાન જાગૃતિ સંબંધી પ્રવૃતિઓ સહિતની બાબતોનાં નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા ચૂંટણીની સંભવિત તારીખ પહેલા તમામ પૂર્વ તૈયારીઓ સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અને તે રીતે આયોજન કરવા અંગે માર્ગદર્શન-નિર્દેશ આપ્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સમગ્ર જિલ્લામાં મતદાર યાદી સંબંધિત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સંવેદનશીલ મતદાન મથકોની સમીક્ષા કરી યોગ્ય પોલીસ બંદોબસ્ત અંગે આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. મતદારો લોકશાહીના પર્વ ચૂંટણીનો લાભ લઈને,પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યકમો યોજવા તેમણે સૂચના આપી હતી.

આ બેઠકમાં  નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી બી.કે.પટેલે સમગ્ર બેઠકનું સંચાલન કરી તમામને ચુંટણીલક્ષી જરૂરી બાબતોથી માહિતગાર કર્યા હતા. ચૂંટણી પંચનાં નિર્દેશ અને સૂચના અનુસાર ઈવીએમ મથકો, મતદાન મથકો પર દિવ્યાંગો મતદારો માટેની વ્યવસ્થા, સ્થળાંતરિત મતદારો,ચૂંટણી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓ માટે કરવાની થતી વ્યવસ્થાઓ, ચૂંટણી નિરીક્ષકો માટે કરવાની વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે તેમણે ચર્ચા હાથ ધરી હતી. 

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.કે.રાઠોડ તેમજ તમામ નોડલ અધિકારીશ્રીઓ તેમજ ચૂંટણી શાખાના નાયબ મામલદારશ્રીઓ તેમજ  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. .