જિલ્લામાં ૧૯૦૦ જેટલી આંગણવાડી બહેનો ફરજ ઉપરાંત કોરોનાને હરાવવા મેદાને પડી

ઘરે ઘરે ફરી કોરોના રસી લેવા ભાઇ-બહેનોને પ્રોત્સાહિત કરતી કોરોના વોરિયર્સ

“ દેવશી બાપા તમે રસી લેવા ગયા તા તે લઇ આવ્યા ? !

“હા અમે લઇ આવ્યા રસી. તમે વોટસએપ નંબર, લેવડાવ્યો હતો જેથી અમારો પેલો નંબર આવી ગયો”

“કોઇ તકલીફ તો નથી થઇ તમને ? !”

“ના અત્યાર સુધી તો કંઇ નથી. અમે બીજાને સલાહ આપીએ છીએ. રસી લેવાની ખાસ જરૂર છે ગર્વમેનટ હોસ્પિટલમાં ફ્રીમાં રસી અપાતી હોય તો એનો સૌએ લાભ લેવો જોઇએ.”

“હા લ્યો ભલે ભલે….. આભાર”

કલ્યાણપર આંગણવાડીના વર્કર ગોરાણી અર્ચનાબેન અને ગામના ૭૨ વર્ષના દેવશી બાપાનો આ સંવાદ કોરોના રસી મુકાવ્યા બાદ લાભાર્થીની પૃચ્છા કરતો છે.

કોવીડ રસીની કોઇ આડઅસર નથી ને એ પૃચ્છા બાદ અર્ચનાબેન ફરી એક કોલ કરે છે.

“બાપા તમે રસી લેવડાઇ આવ્યા કેવું લાગ્યું તમને ? ! ”

“મજા આવી. વિથોણમાં પણ અમે સૌને કહયું કે, રસી લેવડાવો. અમે ગામ સાથે તમારા સૌનો આભાર માનીએ છીએ”.

“તમને કોઇ તકલીફ નથી ને ?? ”

“ ના હવે અમને કોઇ તકલીફ નથી અમે બીજાને પણ કહીએ છીએ કે તમારો વારો આવ્યે રસી લેવડાવજો….”

આંગણવાડીના વર્કર ગોરાણી અર્ચનાબેન જેવાં ૧૯૦૦ જેટલાં કાર્યકરો, વર્કરો, સુપરવાઈઝર અને યશોદા માતાઓ હાલે કચ્છ જિલ્લામાં પોતાની કામગીરી ઉપરાંત કોરોનાને હરાવવાના યજ્ઞમાં લાગેલી છે.

કચ્છ જિલ્લામાં કલ્યાણપર-૨ ના અર્ચનાબેન જેવી અનેકો માતા બહેનો, વર્કરો સરકાર અને જિલ્લા કલેકટરની સૂચનાથી કોરોનાનો સર્વે કરે છે. હાલે કોરોના રસી માટે ઘેર ઘેર પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સમજાવીને રસી લેવા પ્રેરણા આપી મનોબળ પુરું પાડે છે અને રસી લીધા બાદ તેમની પૃચ્છા પણ કરે છે.

આ માતા યશોદાઓ સરકારી પારદર્શક વહીવટમાં કુશળ મંત્રીની જેમ આંગણવાડીના પોર્ટલ પર દૈનિક કામગીરીનો હિસાબ રજુ કરે છે તો બાળકો માટે પૂરકપોષણરૂપે સુખડી વિતરણ પણ કરે છે.

કોમન એપ્લીકેશન સીસ્ટમ (સીએએસ) પર તમામ વિગતો જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણને પહોંચાડે તેમજ પોષણટ્રેક દ્વારા કામગીરીની તમામ વિગતો દ્વારા બાળકોની જાણકારી પણ આપે છે.

ઘેર ઘેર અને શેરી ફળિયે ફરીને કોરોના સર્વે તેમજ કોરોના વેકસીનેશનની કામગીરી સુપેરે નિભાવતી બહેનોમાંથી ૧૮૦૦ કોરોના વોરિયર્સ બહેનોએ પોતે પણ કોરોના વેકિસન લીધી છે અને મહામારીના લડવૈયા પેઠે કોરોનાને ઉભી પુંછડીએ ભગાડવા ૪૫ વરસથી લઇ મોટી વયના તમામ વડીલોને પણ વેકસીનેશન કરાવવા મહત્વનો ભાગ ભજવી રહી છે એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન જણાવે છે જયારે નખત્રાણાના કલ્યાણ પર સેજાના સુપરવાઈઝર રેખાબેન ગઢવી જણાવે છે કે વિથોણ સેજામાં ૬૦થી વધુ વયના ૩૭૯ લોકોએ કોવીડ રસી લીધી છે જેમાં આ કામગીરી સાથે સંકળાયેલી તમામ બહેનોનો અથાગ પોઇન્ટ છે.

 પોષણ પખવાડિયું હોય કે સ્તનપાન સપ્તાહ આંગણવાડીના આ ૧૯૦૦ જેટલા કોરોના વોરિયર્સ ઘર આંગણે સૌને કોરોના કોવીડ-૧૯ સામે બાથ ભીડવાની હામ આપી રહી છે. નારી તું નારાયણી અને હજારો હાથે કામ કરનારી……… આ ઉકિતઓ આ કોરોના વોરિયર્સ માટે જાણે પ્રત્યક્ષ જોવા મળે છે.