જિલ્લામાં મેઘરાજાની પધરામણી : ૧થી ૩ ઈંચ વરસાદ

  • મી આયો માધો આયો, ધરતી તોજો લાડો આયો…

અબડાસાને બાદ કરતાં તમામ તાલુકાઓમાં ઝરમરથી લઈ મુશળધાર વરસાદથી ઠંડક પ્રસરી : કેરા-કુંદનપર વચ્ચેની નાગમતી નદી બે કાંઠે વહી : પ્રિમોન્સુન કામગીરી પોકળ નિવડતાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા : ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થતા ધરતીપુત્રો વાવણીની તૈયારીમાં જોતરાયા : ગાજવીજ અને તોફાની પવન સાથે અડધાથી લઈ ૩ ઈંચ સુધીનો વરસાદ ખાબકયો

ભુજ : કચ્છમાં ભારે ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે ચોમાસાએ દસ્તક દેતા આજે ત્રીજા દિવસે જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં વાદળ છાયા માહોલ વચ્ચે આજે સવારે રાપર અને ગાંધીધામ વિસ્તારમાં વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ આવવાના અણસાર જોવા મળ્યા હતા.
ભુજ શહેરમાં અસહય ગરમી વચ્ચે ગઈકાલે સીઝનનો પ્રથમ વરસાદ આવ્યો હતો. ગોરંભાયેલા માહોલ વચ્ચે ચાર કલાકના ગાળામાં ભુજમાં ર ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. મોસમના પ્રથમ વરસાદને માણવા શહેરીજનો હમીરસર, ખેંગારબાગ, મોટાબંધ સહિતના સ્થળે દોડી ગયા હતા. મોટા બંધમાં પણ પાણીની આવ શરૂ થઈ હતી. આ તરફ ભુજ તાલુકાના દેશલપર વાંઢાયા ગામે ૩ ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા હતા. તો કોટડા-ચકાર, કુકમા, માધાપર, નાગોર પંથકનાં ગામોમાં ઝાપટાં વરસ્યા હતા. પટેલ ચોવીસીના ગામોમાં મીરજાપર, સુખપર, માનકુવા, નારાણપર, કેરા, બળદિયા, ગોડપર, ચાડવા રખાલ, સરલી, રામપર વેકરા, મેઘપર, સુરજપર સહિતના પંથકમાં બપોરે એકધારો વરસાદ વરસસ્યો હતો. પેટલ ચોવાસીના ગામોમાં અનરાધાર વરસાદના ભાગરૂપે અડધાથી ૩ ઈંચ સુધીની મહેર થતાં ડેમો અને તળાવો નવા નીર આવ્યા હતા. કેરામાં વરસેલા વરસાદને કારણે નદી-નાલા છલકાયા હતા. કેરા-કુંદનપર વચ્ચેની નાગમતિ નદી બે કાંઠે વહેતા લોકો નદીનો પ્રવાહ જોવા ઉમટી પડ્યા હતા. મૌસમના પ્રથમ વરસાદમાં જ નદી આવતા લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ભુજથી ખાવડા જતા માર્ગે રૂદ્રમાતા, નોખાણીયા, લોરિયા, ઝુરા, પાલનપુર, નિરોણા, કુનરિયા, બિબ્બર, હરિપર, અમરગઢ, ઓરિરા, મેડીસર, વંગ, જવાહરનગર, ખેંગારપર, લોડાઈ, ધ્રંગ, કોટાય, ઢોરી, સુમરાસર શેખ સહિતના પાવર પટ્ટી વિસ્તારોમાં પણ મેઘો મહેરબાન થયો હતો. તો ખાવડા પચ્છમ વિસ્તારમાં પણ મેઘરાજાએ ધોધમાર પ્રથમ વરસાદ વરસાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ખાવડા વિસ્તારના કાળા ડુંગરમાં અડધાથી પોણો ઈંચ જયારે પચ્છમના કુરન, ધ્રોબાણા, સુમરાપોર સહિતના વિસ્તારોમાં અંદાજે ર ઈંચ જેટલું પાણી પડ્યું હતું. અમુક મકાનોના નળિયા પણ ઉડી ગયા હતા. બન્નીમાં મેઘ સવારી આવી પહોંચતા પશુપાલકો મલકાયા હતા.પણોઠ (પહેલા ખોળાનો પુત્ર) જો પુંતર અને જેઠ જો મીં. (જેઠ માસમાં વરસાદ) ઈં જે ભાગ્યશાળી હોય તેના ઘરે હોય આ કહેવતને સાર્થક કરતા કચ્છના ભાગ્ય વિધાતા મેઘ મહારાજે અજવાળી આઠમના પવિત્ર પીરાંઈ ભૂમી હરિયાળા તાલુકામાં દોઢથી બે ઈંચ વરસાદ વરસાવતા ધરતીનો તાત ખુશ છે અને ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે. સાંજે પધરામણી કરતા મેઘરાજાએ બાવનપટ્ટીમાં ધમાકેદાર પાવર ટલે જેવી ઈનિગ્સ કરી હતી અને દોઢથી બે ઈંચ પાલર પાણી ઝીંકી દેતા લોકોએ કોરાનાની નિરાશાને ધોઈ નાખી હતી અને અસલ કચ્છી મિજાજમાં આવી ગયા હતા. નખત્રાણાની મુખ્ય બજારોમાં અડધો કલાકમાં જ શેરીઓમાંથી પાણીના ધોધ વહી નિકળ્યા હતા. વથાણ ચોક, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી મંદગતિએ ચાલતા નખત્રાણા રોડનું કામ ફરી બંધ થયું હતું. નગર અને તાલુકામાં વરસેલા વરસાદને લોકોએ શુકનવંતો ગણાવ્યો હતો. નખત્રાણા તાલુકાના ધીણોધર, નાગલપર, દેવસર, વંગ, વિરાણી અને પાવરપટ્ટીના મંગવાણા, અરલ, મંજલ, વિથોણ, યક્ષ, તરા, દેવપર, લાખાડી, મંગવાણા, જીયાપર, વડવા ભોપા, મોરજર, ભડલી, અંગીયા, બેરૂ, પીયોણી સહિતમાં સારા વરસાદ પડ્યો હતો. જ્યારે કોટડા(જ)થી રવાપર ઉપલીપટ્ટીમાં માર્ગ પલળ્યા હતા ત્યાં મેઘરાજાએ ટેસ્ટ ઈનીંગ કરી હોય તેવું ચિત્ર હતું. આ વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર – ઠેર ચેકડેમો, તળાવોમાં નવા નવીર આવ્યા હતા. ભુખી સહિતના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ હતી. ધીણોધર ડુંગર પર પાણીના બે ટાંકા પાલર પાનીથી ભરાયા હતા. તો ભોવડનદી અને પાલર ધુનામાં નવા નીરના ઓગન શરૂ થતા કુદરતી નજારો જીવંત બન્યો હતો. રાબેતા મુજબ વીજ પુરવઠો ખોરવાયો હતો. ગામડામાં વીજ પુરવઠો ખોરવાતા લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. દેવપર(યક્ષ), વિથોણ, મંજલમાં કયાંક જુના વૃક્ષો ધરાશાયી થયા હતા અને રસ્તાને અવરોધ ઉભા કર્યા હતા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા છે અને બેઠા પાક કરનારા ખેડૂતો માટે આ વરસાદ શુકનવંતો સાબિત થયો છે. જયારે બાગાયતી પાક ધરાવતા ધરતીપુત્રો માટે મુશ્કેલી સર્જી છે. ખેડૂતોની વાડીમાં કેસર કેરીનો પાક હજી પૂર્ણ થયો નથી. કચ્છી મેવો ખારેકનો પાક હજી આવવાની શરૂઆત છે ત્યારે આ વરસાદ પડતા કહી ખુશી કહી ગમ જેવો તાલ સર્જાયો છે. નખત્રાણા શહેરમાં વરસાદ પડતા વીજ ગુલ થઈ હતી. તો બજારો પણ ગ્રાહકો વિના સુની ભાસતી હતી. શહેરમાં ઠેર – ઠેર ખાડા પડતા ગંદકીવાળા પાણીનું સામ્રાજ્ય છવાઈ રહ્યું હતું. કાદવ – કીચડ એકત્ર થતા ચાલવામાં રાહદારીને મુશ્કેલી પડી હતી. પાપડી – છેલ્લામાં પાણી વહી નીકળ્યા હતા. વરસાદ પડતા આ તાલુકાના બહાર વસ્તા પાટીદારો સહિત પ્રજામાં વરસાદના વાવડ અને વીડિયો કોલીંગથી દૃશ્ય જોવાતા ત્યાં બેઠેલા કચ્છીજનએ સાંજે લાપસીના આંધણ મુકયા હતા અને પ્રથમ જેઠના વરસાદની ખુશી વ્યકત કરી હતી. મામલતદાર કચેરીના આંકડા મુજબ ર૬ મી.મી. એકાદ ઈંચ વરસાદ નોંધાયો હતો. મંજલથી નરેન્દ્રસિંહ જાડેજાએ ગામમાં સવા દોઢ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું કહ્યું હતું.
આ તરફ ગાંધીધામમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદના આગમનથી ભૂલકાઓએ ન્હાવાની મજા માણી હતી. ગાંધીધામ શહેરમાં આજે બપોર સુધીમાં એક ઈંચ જેટલો વરસાદ વરસી ચુકયો હતો. વરસાદના કારણે ભારતનગર, જનતાકોલોની સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તો સેકટર પાંચમાં વૃક્ષો પણ ધરાશાઈ થયા હતા. પચરંગી શહેરમાં વરસાદથી જળાભરાવની સ્થિતિ સર્જાઈ હતી. તો આદિપુર, અંજાર સહિતના પટ્ટામાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. ગઈકાલે અંજાર શહેરમાં ઝાપટા પડ્યા બાદ આજે મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. અંજાર તાલુકાના રતનાલ, સાપેડા, દુધઈ, ધમડકા સહિતના પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર વરસાદ સાથે એન્ટ્રી કરી હતી. વરસાદના આગમનથી લોકોમાં હરખની હેલી વ્યાપી ગઈ હતી.વાગડની વાત કરીએ આજે સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. આજે સવારે રાપરના ગેડી, બેલા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબકયો હતો. સતત ત્રીજા દિવસે વરસાદના આગમનથી લોકોમાં હરખની હેલી છે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી આજે સવારે ૮ વાગ્યા સુધી ઝરમર સ્વરૂપે રાપરમાં ૧૮ એમએમ જેટલો વરસાદ પડ્યો હતો. રાપર ઉપરાંત હાઈવે પટ્ટાના ચિત્રોડ, માણાબા, ફુલપરા, મેવાસા, નિલપર, ભીમાસર, ભુટકીયા, આડેસર, પલાંસવા, ગાગોદર, ખીરઈ, ગોવિંદપર, બાદરગઢ, નંદાસર, ત્રંબૌ સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. ફુલપર, ભીમદેવકા વિસ્તારમાં વરસાદના કારણે પાણી વહી નિકળ્યા હોવાનું સરપંચ અરવિંદભાઈ સુરાણીએ જણાવ્યું હતું. તો અમુક ગામોમાં મેધરાજાએ અમી છાંટણાં કર્યા હતા. આમ સતત બીજા દિવસે વાગડમાં મેઘરાજાએ હાજરી આપી હતી. વરસાદના આગમનથી જગતનો તાત ચોમાસુ પાકના વાવેતરની તૈયારીમા લાગી ગયો છે. ખેડૂતો વાવેતર માટે બિયારણ ખરીદી કરવા લાગ્યા હતા. ચોમાસાના પ્રારંભે વરસાદના ઝાપટા વરસ્યા બાદ ધરતીપુત્રોએ ખેતરમાં વાવણી કરવા માટે તૈયાર થઈ ગયા છે. ભચાઉ તાલુકામાં પણ વાદળછાયો માહોલ જોવા મળ્યો હતો.આ તરફ સરહદી લખપત તાલુકામાં વાદળછાયા માહોલ વચ્ચે રાત્રીના સમયે દયાપર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં પાણી વહી નિકળ્યા હતા. રાબેતા મુજબ વીજ પુરવઠો પણ ઠપ્પ થઈ ગયો હતો. તો અબડાસામાં કયાંક કયાંક હળવા છાંટા પડ્યા હતા.મુંદરા તાલુકામાં ચોમાસાના આગામન સાથે એકથી બે ઈંચ પાણી વરસી ગયું હતું. મુંદરા શહેરમાં સામાન્ય વરસાદથી માર્ગો ભીના થયા હતા. જયારે તાલુકાના વવાર, ગુંદાલા, મંગરા, સાડાઉ, ભદ્રેશ્વર, વડાલા, મોખા, ધ્રબ, ઝરપરા, નવીનાળ, ભુજપુર, દેશલપર, બાબિયા, બોચા, બેરાજા, વાંકી, સમાઘોઘા સહિતના ગામોમાં સરેરાશ અડધોથી એક ઈંચ વરસાદ પડ્યો હતો.માંડવી શહેરમાં પણ હળવા છાંટા સાથે તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી, જેમાં ગઢશીશા પંંથકમાં તોફાની પવન સાથે વરસાદ આવ્યો હતો. મઉં, રતનાપર, દેવપર ગઢ, રામપર, દુજાપર, વિરાણી, રાજપર, ભેરૈયા, વરઝડી, ફિલોણ, આસરાણી, લુડવા, જામથડા, વડાસર, વિગડીંયા સહિતના વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા હતા. એકાદ ઈંચ પાણી વરસી જતાં ગામમાં પાણી ભરાઈ ગયા હતા. ૪ વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે છડી પોકારી હતી. ભારે પવનના કારણે ચાર સબ સ્ટેશન હેઠળ આવતા રર ગામોમાં વીજ વિક્ષેપ સર્જાયો હતો.

પ્રથમ વરસાદે જ ખોલી તંત્રની પોલ : માર્ગો બેસી જતા વાહનો ફસાયા

ભુજ : જિલ્લામાં મૌસમના પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. ગટર, ગેસ લાઈન, કેબલ સહિતના ખોદાતા ખાડા બાદ યોગ્ય ઓવર ટેપીંગ કરવામાં ન અવાતા માર્ગો બેસી જતા વાહનો અટવાયા હતા, તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથેના વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. ભુજની ભાગોળે હોટલ પ્રિન્સ રેસિડેન્સીની સામેથી હિલગાર્ડન તરફ જતા માર્ગ પર ગટરલાઈનના કામ માટે ખોદાયલા ખાડાને કારણે પ્રથમ વરસાદમાં જ રોડ બેસી ગયો હતો. આ સ્થળેથી પસાર થતી એક ટ્રક રોડ બેસી જતા ઘરકાવ કરી ગઈ હતી. પરિણામે ખાનગી ક્રેનને બોલાવીને ટ્રક બહાર કાઢવામાં આવી હતી. તો ભુજના એરપોર્ટ રોડે પર આવેલી શિવ આરાધના સોસાયટીમાં ગેસની લાઈન નાખ્યા બાદ યોગ્ય રીતે પૂર ભરવામાં ન આવતા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. દરમિયાન સોસાયટીના મુખ્ય માર્ગ પરથી પસાર થતી એક બોલેરો જીપ રોડ અચાનક બેસી જતા ગાડી ફસાઈ હતી. બાદમાં જેસીબી મારફતે મહામહેનતે જીપ કાઢવામાં આવી હતી. તો નખત્રાણાના દેવપર-ધાવડા હાઈવે પર ભારે પવનને કારણે એક ઝાડ ધરાશયી થયું હતું, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર અટવાયો હતો. પ્રથમ વરસાદને કારણે આ પ્રકારની સમસ્યાઓ પણ શરૂ થઈ ગઈ હતી. ભુજના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો કેટલાક ખાડા વાળા માર્ગોનું વધુ ધોવાણ થયું હતું. ભુજમાં વરસાદના પગલે અને અનેક રોડો ખરાબ અને ખાડા ટેકરાવાળા હોતા ગઈકાલે અને વાહન ચાલકો ખાડામાં પડી જવાના અને વાહન સ્લીપ થવાના બનાવો બન્યા હતા અને અનેક નાના-મોટા વાહનો ભુવા પડવાના પગલે વાહનો ફસાઈ ગયા હતા. રસ્તાઓ ખરાબ હોવાના પગલે અને વાહન ચાલકો પડી ગયા અને પડી જવાના પગલે નાની-મોટી ઈજાઓ થઈ હતી. શહેરના નવી રાવલવાડી, જયનગર, રઘુવંશીનગર તેમજ હોસ્પિટલ રોડ, ખેંગાર પાર્ક રોડ, નવા બસ સ્ટેન્ડ તેમજ જુની રાવલવાડી જેવા વિસ્તારો અને જ્યુબિલી ગ્રાઉન્ડ જેવા વિસ્તારોમાં ખાડાઓ અને અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી ઈજા થઈ હતી. કેટલાક વાહનો પણ ખાડામાં પડી જતા વાહનો ફસાઈ ગયા હતા અને પ્રથમ વરસાદ અનેક પરેશાની લઈને આવ્યો હતો. એકજ દિવસમાં અનેક મહિલાઓ અને પુરૂષો વાહનો સ્લીપ થવાના પગલે પડી ગયાના બનાવો બન્યા હતા.

મિરજાપરમાં વીજશોકથી ગાય અને માંડવીના ભોજાયમાં ઊંટનું મોત

ભુજ : જિલ્લામાં વરસાદ વચ્ચે વીજશોકના બનાવમાં બે મૂંગા જીવોના પ્રાણ ગયા હતા. જેમાં મીરજાપરમાં ગાય અને માંડવીના ભોજાયમાં ઊંટનું મોત થયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ વરસાદને કારણે ભુજના મીરજાપરમાં વીજ ડીપીમાંથી વિદ્યુત આંચકો લાગતા ગાયનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ માંડવીના ભોજાયમાં વીજ તંત્ર દ્વારા ઝાડી કટીંગ ન થવાને કારણે ઊંટને વીજ શોધ લાગતા મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે, પી.જી.વી.સી.એલ.ના પશ્ચિમ વિભાગના ચીફ ઈજનેરે જણાવ્યું હતું કે, વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે જિલ્લામાં પ્રિમોન્સુનની કામગીરી થઈ શકી ન હતી. માટે તેમણે વરસાદ દરમિયાન તંત્રની ટીમોને સ્ટેન્ડ બાય રાખવાની વાત કરી હતી. જે અહેવાલ પણ કચ્છ ઉદયમાં પ્રસારિત કરાયો હતો. ત્યારે જિલ્લામાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે અને વીજ ડીપીઓ કે વીજ તારને કારણે મૂંગા જીવો મોતને ભેટી રહ્યા છે. તેવામાં તંત્ર જોખમી વીજ ડીપીઓ તેમજ સ્થળોએ તકેદારીના પગલા લે તેવી માંગ ઉઠી છે.

વરસાદના પગલે છત્રીઓ-રેઈનકોટ દુકાનોની બહાર ટીંગાળાયા

ભુજ : કચ્છમાં વરસેલા વરસાદથી સવારે દુકાનોની બહાર છત્રીઓ અને રેઈટકોટ દુકાને દુકાને ટીંગાળ્યા નજરે ચડ્યા હતા. કચ્છમાં ગયા વરસે વરસાદ બહુ વરસ્યો નથી અને કોરોનાના પગલે દુકાનો પણ બંધ રહેતી હતી. આ વખતે થોડી થોડી દુકાનો ખોલતા અને ખુલતાના બીજા વીકમાં વરસાદ પડતા બીજા દિવસે શનિવારે દુકાનદારોને ગોડાઉનમાંથી છત્રીઓ અને રેઈનકોટ નીકળ્યા લાગ્યા હતા અને વહેલી સવારે પ્રથમ રેઈનકોટ અને છત્રીઓ ટીંગાળાઈ હતી. આવા વરસાદના પગલે હવે છત્રીઓ અને રેઈનકોટની ખરીદી વધી જશે.

વરસાદમાં ભજીયા ખાવાના શોખીનો ઉમટ્યા

ભુજ : શહેરમાં એકાએક ૧ર વાગ્યા બાદ વરસાદ ત્રાકતા ઠંડક પસરી ગઈ હતી અને વરસાદના પગલે નાગરિકોને ઠંડક પસરી જતા નાગરિકોને ભૂખ પણ વધી અને ૭ વાગ્યે હોટલો, ચણાની અન્ય ખાણી-પીણી બંધ થવાના પગલે વરસાદ રહી જતા બપોરથી નાગરિકો ચણાનો લોડ અને તેલના કેન લેવા નીકળ્યા હતા. દરમ્યાન ૭ વાગ્યે હોટલો બંધ થઈ જતા ચોમાસામાં ચણાના શોખીનો દૂધની પણ અગાઉથી વ્યવસ્થા કરી રાખી હતી. વરસાદના પગલે ઠંડકના પગલે વરસાદી સીઝનમાં ખાવાના શોખીનો ભજીયા ઘેર ઘેર બનાવ્યા હતા જેને પગલે વરસાદ રહી જતા ઘેર ઘેર સાંજે ભજીયા બન્યા હતા. જેને પગલે નાગરિકો ચણાનો લોટ અને દૂધ વિગેરે અગાઉથી લઈ રાખ્યા હતા અને બજારો બંધ હોતા નાગરિકો ભજીયાની મોજ ઘરે જ માણી હતી.