જિલ્લામાં એસટીના લોકલ રૂટની ગાડી પાટે ચડી : એક્સપ્રેસમાં કર્ફયુનું પંચર

નિયંત્રણો હળવા થતા જિલ્લામાં હવે ૧૦૬ રૂટો પર દોડી રહી છે એસટી : હજુ પણ અડધાથી વધુ રૂટો કોવિડના કારણે સ્થગિત : ડિઝલમાં સતત ભાવ વધારો અને ટ્રાફિકનો અભાવ એસટી વિભાગને ધકેલી રહ્યું છે ખોટમાં

ભુજ : રાજયમાં પરિવહન માટે સૌથી મોટી કોઈ સુવિધા હોય તો તે એસટી છે. શહેરો તો ઠીક આંતરીયાળ ગામડાઓ અને દુર્ગમ વિસ્તારો સુધી એસટી બસ દોડે છે, જયાં માનવીની સંખ્યા પણ નિયંત્રીત હોય તેવા વિસ્તારો સુધી એસટી બસ દોડી પરિવહનની સવલત લોકોને આપે છે, પરંતુ કોરોનાના કારણે એસટી વિભાગની માઠી બેઠી હોય તેમ કોરોનાની પહેલી લહેરથી બહાર આવી તમામ રૂટો પહેલાની જેમ થયા ત્યારે બીજી લહેર આવતા સમગ્ર પરિવહન વ્યવસ્થા ભાંગી પડી છે. હાલમાં પણ કેસો ઘટતા એસટીના લોકલ રૂટની ગાડી પાટા પડ ચડી રહી છે. પણ એકસપ્રેસ બસોના સંચાલનમાં હજુ પણ કર્ફયુનું ગ્રહણ પંચર પાડી રહ્યું છે.

આ અંગેની વિગતો મુજબ એસટીમાં મોટે ભાગે રાત્રીના સમયે સૌથી વધુ ટ્રાફિક હોય છે. કચ્છના દયાપર, નલિયા, નખત્રાણા, માંડવી, મુંદરા, ભુજ, આદિપુર, ગાંધીધામ, અંજાર, ભચાઉ, સામખિયાળી સહિતના સ્થળોએથી સમગ્ર રાજયમાં એસટીની બસો દોડે છે. દિવસ હોય કે રાત માર્ગો પર ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર પરિવહન નિગમ લિમિટેડની બસો દોડતી દેખાઈ આવે છે. જાે કે બીજી લહેરમાં કચ્છના ગામડાઓમાં લોકડાઉન, ભુજ – ગાંધીધામમાં કર્ફયુના કારણે મોટા ભાગના રૂટો નિયંત્રીત કરવાની ફરજ પડી હતી. કચ્છમાં અંદાજે રપ૦ જેટલા રૂટોનું સંચાલન ડિવિઝન દ્વારા કરવામાં આવે છે. નિયંત્રણોના કારણે ૭૦ થી ૮૦ રૂટોનું સંચાલન માંડ થતું હતું. જાે કે, ભુજ, ગાંધીધામમાં દિવસે નિયંત્રણોમાં છૂટછાટ તેમજ રાત્રી કર્ફયુમાં આંશીક રાહત મળતા એસટીમાં પ્રવાહ વધ્યો છે, જેથી વધુ રૂટો ઓપરેટ કરવાનું શરૂ કરાયું છે.

મળતી માહિતી પ્રમાણે હાલમાં ભુજ ડિવિઝનથી ૧૦૬ રૂટનું સંચાલન કરાઈ રહ્યું છે. છેલ્લા અઠવાડિયાથી બસોમાં પ્રવાસીઓ પણ દેખાઈ રહ્યા છે. વોલ્વોની બસો એક સમયે ઠપ્પ થઈ ગઈ હતી. જેમાં પણ મુસાફરો આવી રહ્યા છે. જાે કે, હજુ પણ અડધાથી વધુ રૂટો કોવિડના કારણે સ્થગિત છે. અધુરામાં પુરૂં હોય તેમ ડિઝલમાં સતત ભાવ વધારો અને પહેલાની જેમ ટ્રાફિકનો અભાવ એસટી વિભાગને ખોટમાં ધકેલી રહ્યું છે. નિયંત્રણો દિવસે દિવસે હળવા બને અને કોરોના નાબુદ થાય તો પહેલાની જેમ માર્ગો પર સળસળાટ અને પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી એસટી જાેવા મળશે.