જિલ્લાની સરકારી કચેરીઓમાં અરજદારોના પ્રશ્નોના લાગ્યા થપ્પા

નિયંત્રણોના કારણે દોઢ મહિના સુધી કામગીરીને કોરોનાનું ગ્રહણ લાગતા વહીવટી કાર્યો રહ્યા પેન્ડીંગઃ પ૦ ટકા સ્ટાફથી કાયરત સરકારી કચેરીઓ હવે ૧૦૦ ટકા સ્ટાફથી ધીરે – ધીરે ધમધમાટ થશે

ભુજ : કોરોના વાયરસના કારણે મોટા ભાગના સરકારી કચેરીઓના સ્ટાફને કોવિડની ડયુટી આપી દેવાઈ છે. ઉપરાંત બીજી લહેરની ભયાવકતાના કારણે પ૦ ટકા સ્ટાફ સાથે કચેરીઓ કાર્યરત રહી હતી, જેના કારણે જિલ્લાની સરકારી કચેરીઓમાં અરજદારોના પ્રશ્નોના થપ્પા લાગી ગયા છે.

આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં દરેક તાલુકામાં જનસેવા કેન્દ્ર, મામલતદાર, તાલુકા પંચાયત, સબ રજીસ્ટ્રાર કચેરી, પ્રાંત કચેરી, ઈ-ધરા કેન્દ્ર સહિતની મહત્વની સરકારી કચેરીઓ કોરોનાને કારણે દોઢ મહિના સુધી આંશીક લોકડાઉનમાં રહી હતી. કેટલાક સ્થળોએ કર્મચારીઓને કોરોના થયો તો કેટલાક સ્થળોએ કોરોનાના નિયંત્રણોને કારણે સ્ટાફને રજા મળી પરિણામે સરકારી કચેરીઓમાં રોજીંદો કામ તો ટલ્લે ચડયું પણ અરજદારોના પ્રશ્નોના ઠેર ઠેર થપ્પા લાગી ગયા છે. અરજદારો પણ પોતે આપેલી અરજીનો હાલમાં કયાં પહોંચી અને નિકાલ થયો કે કેમ તેની પુછા કરવા રૂબરૂ આવવામાં પણ હિચકિચાટ અનુભવે છે. સામાન્ય લોક ઉપયોગી કાર્યોની જ વાત કરીએ તો રાશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ૭-૧રના ઉતારા, દસ્તાવેજાે, જમીન એનએની મંજૂરીઓ, બાંધકામ પરમીશન સહિતના કામોની પ્રગતિમાં વિલંબ આવતો હોવાનું જણાઈ રહ્યું છે. અમુક સ્થળોએ અરજદારોના પ્રશ્નોનો નિવેડો તો આવી ગયો પરંતુ સાહેબને અન્ય સ્થળે કોવિડની ડયુટી મળી અથવા કોરોનામાં રજામાં ઉતરી જતા સહીના અભાવે પણ ફાઈલો પેન્ડીંગ પડી રહી છે.

જાે કે, હવે કોરોનાની બીજી લહેરનું જાેર ધીરે ધીરે ઘટવા લાગતા સરકારે નિયંત્રણો હળવા કરી સરકારી કચેરીઓમાં ૧૦૦ ટકા હાજરી ફરજીયાત બનાવી છે ત્યારે થોડા દિવસો બાદ પરિસ્થિતિ પૂર્વવત થાય તેવો આશાવાદ લોકો સેવી રહ્યા છે.