જિલ્લાનાં ૬૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૪ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૭૪ ધનવંતરી રથ સક્રિય કરાયા

સગર્ભા અને ૪૫ વર્ષથી ઉપરના તમામને સ્થળ પર જ સારવાર

વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ની ગંભીરતાને ધ્યાને લઇ કચ્છ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા આગામી ૧૫ દિવસ માટે સગર્ભાઓને RTPCR ટેસ્ટ અને ૪૫ વર્ષથી ઉપરના કે જેમણે રસીનો પ્રથમ ડોઝ નથી લીધો તેમને જે તે સ્થળે સ્થાનિક કક્ષાએથી જ રસીકરણ તેમજ કોરોના લક્ષણોવાળા દર્દીનો એન્ટીજન ટેસ્ટ ઓન ધી સ્પોટ કરવા જણાવ્યું છે. આ તપાસ હેઠળ જો કોઇ કોરોના પોઝીટીવ આવે તો તેમને ઓફ આઇસોલેશન કે કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવશે. જે પૈકી ભુજ તાલુકાના નાગોર ગામે માધાપર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા સગર્ભા બહેનોનું જે તે સ્થળે RTPCR ટેસ્ટ સેમ્પલ લીધા હતા. તેમજ ૪૫ વર્ષથી ઉપરના ગ્રામજનોના સ્થળ પર જ સ્પોક વેકિસનેશન કરવામાં આવ્યું હતું. જેમાં નાગોર ગામના આશાવર્કર બહેનો, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો.ખુશ્બુ ભાનુશાળી, ડો.અલ્પેશ મકવાણા, નર્સ શાંતિબેન ડાંગર, દિનેશભાઇ ગાગલ તેમજ નાગોર સરપંચશ્રી અરવિંદભાઇ કાતરીયા જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રામ્યસ્તરે વધી રહેલા કોવીડ-૧૯ના સંક્રમણના પગલે ગ્રામ્યકક્ષાએ સઘન સર્વેલન્સની કામગીરી કરવા માટે ધનવંતરી રથ દ્વારા સ્થળ પર જ ફલુ ઓપીડી અને રેપીડ ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોવીડ-૧૯ના સંક્રમણને નાથવા જિલ્લાની તમામ, ૬૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ભુજ અર્બન ખાતે ૨, ગાંધીધામ અર્બન ખાતે ૩ અને અંજાર તેમજ માંડવી અર્બન ખાતે ૧-૧ ધનવંતરી રથની ટીમ જિલ્લામાં સક્રિય રીતે આરોગ્ય સેવા કરી રહી છે. તાલુકાવાર જોઇએ તો પંદર દિવસ સુધી સ્થળ પર જ ભુજમાં ૧૫, ગાંધીધામમાં ૧૦, અંજારમાં ૯, ભચાઉમાં ૮, અબડાસામાં ૯ અને લખપતમાં ૧ તેમજ માંડવી ખાતે ૯, મુન્દ્રામાં ૬, નખત્રાણામાં ૪ અને રાપરમાં ૬ થઇ કુલ ૭૪ ધનવંતરી રથ આરોગ્યની ટીમ સાથે ફરજ બજાવશે.