જિલ્લાટમાં ત્રાસવાદી અને અસામાજીક પ્રવૃતિ રોકવા હોટેલ માલિકોએ તકદારીનાં પગલાંનો અમલ કરવા કલેકટરનું જાહેરનામું

0
21

ગુપ્‍તચર સંસ્‍થાના અહેવાલો અને અમુક બનાવોના પગલે જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજીક તત્‍વો આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે કે માનવ જીંદગીની ખુવારી થાય અને લોકોની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિશ કરે તેમ છે. આવા તત્‍વો મહત્‍વના શહેરોમાં ગેસ્‍ટહાઉસ, હોટલ, લોજમાં રોકાણ કરતા હોય છે અને શહેરનો સર્વે કરી સ્‍થાનિક પરિસ્‍થિતિથી વાકેફ થઇ ત્રાસવાદી કે અસામાજીક પ્રવૃતિને અંજામ આપતા હોય છે.

          આવી પરિસ્‍થિતિના નિવારણ અને અંકુશ માટે રાષ્‍ટ્રીય સુરક્ષા અને જાહેર વ્‍યવસ્‍થા અને સલામતી માટે ભયજનક તત્‍વોને પકડવા કે તેમને લગતી માહિતી મેળવવા માટે તેમની હેરફેર અંગે સચોટ માહિતી પ્રાપ્‍ત થઇ શકે તે માટે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી પ્રવીણા ડી.કે. દ્વારા જિલ્‍લાની મહેસુલી હદમાં આવેલ તમામ હોટલ,ગેસ્‍ટહાઉસ અને લોજ માલિકો માટે એક જાહેરનામું બહાર પાડી તકેદારીનાં પગલાંઓનો ચૂસ્‍તપણે અમલ કરવા જણાવ્‍યું છે.

          હોટલ,ગેસ્‍ટહાઉસ કે લોજમાં રહેવા આવનાર તમામ મુસાફરના સ્‍વહસ્‍તાક્ષરમાં નામ,સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબરની વિગતો રજીસ્‍ટરમાં નોંધાવી જવાબદારોએ તેની ખાતરી કરવાની રહેશે. સાથો સાથ પુરૂષ મુસાફરના ડાબા તથા સ્‍ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવાનું રહેશે.

          આ ઉપરાંત મુસાફરને ફોટો ઓળખપત્ર રજૂ કરવા પડશે તથા હોટેલમાં તેની જાણકારી માટે હોટેલોએ મોટા અક્ષરનું બોર્ડ મૂકવાનું રહેશે. કાઉન્‍ટર ઉપર સી.સી.કેમેરા રાખી પ્રવાસી અને સામાન વગેરેનું વિડીયો રેકોર્ડીંગ એક માસ સુધી સાચવવાનું રહેશે. પ્રવાસી-ગેસ્‍ટના વાહનોની સંપૂર્ણ વિગતનું રજીસ્‍ટર તેમજ પાર્કિંગમાં સી.સી.કેમેરા રાખી સામાન-વાહન વિગેરેનું વિડીયો રેકોર્ડીંગ એક માસ સુધી સાચવી રાખવું પડશે.

          રાષ્‍ટ્રીય હિતમાં મુસાફરના મુસાફરના ફોટો ઓળખકાર્ડ, ચૂંટણી ઓળખકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્‍સ, કચેરીનું ઓળખકાર્ડ, પાસપોર્ટ વિગેરેની સેલ્‍ફ એટેસ્‍ટેડ નકલ હોટેલના દફતરમાં અથવા કોમ્‍પ્‍યુટરમાં સાચવી રાખવી. હોટલ, લોજ કે ગેસ્‍ટહાઉસના લાયસન્‍સ ધારક માલિક સિવાય કોઇએ હોટેલનું સંચાલન કરવું નહીં કે આવી હોટલ કોઇપણ પ્રકારના દીવાની હકક જેવા કે ભાડે ચલાવવા આપવી, ગીરોખતથી ચલાવવા આપવી નહીં.

          કચ્‍છના હોટેલ, લોજ, ગેસ્‍ટહાઉસ, ધાબાના માલિક, મેનેજર અને તમામ કર્મચારીઓના નામ, સરનામાં ટેલિફોન,મોબાઈલ નંબર તથા ફોટા સહિતની વિગત દર્શાવતી લેખિત માહિતી સંબંધિત પોલીસ મથક, સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ કે એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટને ફરજીયાત આપવાની રહેશે. વિદેશી નાગરિકો, મુલાકાતી, ગેસ્‍ટ હોય તો તેમના પાસપોર્ટની સંપૂર્ણ વિગત રજીસ્‍ટરમાં નોંધવી તેમજ ‘સી’ ફોર્મ ભરાવી એલ.આઇ.બી., એસ.પી.કચેરીને જાણ કરવી તેમજ હોટલ/ગેસ્‍ટહાઉસમાં ઇન્‍ટરનેટ-વાઇફાઇ સિસ્‍ટમ કાર્યરત હોય તો તેની વિગતો રજીસ્‍ટર બનાવી સાચવી રાખવા જણાવાયું છે. આ જાહેરનામું તા.૧૯/૧૦/૨૦૨૧ સુધી અમલમાં રહેશે તથા હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.