જામનગરથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ૧૭ ટન ઓક્સિજન જથ્થો આવ્યો : કચ્છમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે તંત્ર હંમેશા કાર્યશીલ

કોરોનાને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોવીડ-૧૯ મહામારી અંતર્ગત સારવાર લઈ રહેલ દર્દીઓ માટે ઓક્સિજન સીલીન્ડર અત્યારે જાણે અમૃત સમાન બન્યું છે. જેથી ભુજ મધ્યે આવેલ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન સપ્લાય માટે હોસ્પિટલના પરિસરમાં જ  અત્યાર સુધીમાં કુલ ૩(ત્રણ) લીકવીડ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. જેની અંદાજીત દૈનિક ક્ષમતા કુલ– ૩૦૦ થી ૩૨૦ ઓક્સિજન સીલીન્ડરો બરાબરની છે. હાલમાં જી.કે.જનરલ હોસ્પિટલના પરિસર ખાતે ચોથો લીકવીડ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી ચાલુમાં છે. જેના થકી દૈનિક- ૨૦૦ ઓક્સિજન સીલીન્ડર બરાબરની ઓક્સિજન સપ્લાયની ક્ષમતા વધવા પામશે. વધુમાં જિલ્લા વહીવટી તંત્રની રજૂઆત ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા આજરોજ જામનગર મધ્યેથી ૧૫-૧૭ ટન લીક્વીડ ઓક્સિજનના જથ્થા સાથેનું ટેન્કર જી.કે.જનરલ હોસ્પિટલ-ભુજ ખાતે મૂકવામાં આવ્યું છે. જે થકી જી.કે.જનરલ હોસ્પિટલ, ભુજ મધ્યે ઓક્સિજન સપ્લાયની કુલ ક્ષમતા આશરે ૧૫૦૦ થી ૧૭૦૦ ઓક્સિજન સીલીન્ડર બરાબર થવા પામી છે, જેથી આવનારા દિવસોમાં કોવીડ-૧૯ ના દર્દીઓ માટે છુટક ઓક્સિજન સીલીન્ડર પરની નિર્ભરતા ઓછી કરી શકાશે અને ઉપર્યુક્ત ઓક્સિજન સપ્લાય ઉપલબ્ધ કરાવવા મદદ મળી શકશે તેવું ભુજ પ્રાંત અઘિકારીશ્રી મનીષ ગુરવારની દ્વારા જણાવાયું છે.