જામજોધપુરના મોટી ગોપ ગામે ૩૧ માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું

(જી.એન.એસ.)મોટી ગોપ,રાજકોટ શહેરની સાથોસાથ નજીકમાં આવેલા જામનગર શહેરમાં પણ કોરોના વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. મહામારીના આ સંજોગોમાં જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે તા.૩૧ માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે અત્યારે ૧૧ જેટલા વ્યક્તિઓ કોરોના પોઝિટિવ થતા ગામમાં દોડધામ મચી ગઈ છે.ગ્રામ પંચાયત તરફથી આગામી તા.૩૧ માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવા નિર્ણય લેવાયો છે. આ નિર્ણયમાં ગ્રામજનોએ પણ પૂરતો સાથ-સહકાર આપ્યો છે. મોટી ગોપ ગ્રામ પંચાયતના સરપંચે કરેલા નિર્ણય બાદ સવારથી ગોપની બજાર સુમસાન જોવા મળી રહી છે. કોરોના કોઈ રીતે ફેલાઈ નહીં એ માટે લોકોની અવરજવર ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ગામમાં કોરોના વાયરસના કેસ વધે નહીં એ માટે લોકડાઉન જરૂરી હતું એવું ગામના મહિલા સરપંચ જણાવી રહ્યા છે. આ માટે અગાઉ પણ તા.૨૪ માર્ચે સ્વૈચ્છિક લોકડાઉન માટેની જાહેરાત કરવામાં આવી હતી.ગ્રામજનોએ પણ લોકડાઉનના નિર્ણયને સ્વીકારીને અમલ કરી બતાવ્યો છે. સવારથી જ કોઈ ઘરની બહાર નીકળ્યું નથી. બીજી તરફ વ્યાપારીઓએ પણ પોતાના ધંધા-દુકાન બંધ રાખ્યા છે. સવારથી જ ગામમાં જાણે કોઈ છે જ નહીં એવો સુમસાન માહોલ જોવા મળી રહ્યો છે.