જાન હૈ તો જહાન હૈ : ભુજમાં સ્વૈચ્છિક લોકડાઉનનો ચૂસ્ત અમલ કરવા કરાઈ અપીલ

પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરની અધ્યક્ષતામાં તમામ નગરસેવકોની મળી બેઠક : ત્રણ દિવસ શહેરના બાગ બગીચા તેમજ વોકવે રહેશે બંધઃ બજારોને કરાશે સેનેટાઈઝ : શાકભાજીના ફેરિયાઓનો ફરી શરૂ કરાશે રેપીડ ટેસ્ટ

(બ્યુરો દ્વારા)ભુજ : જિલ્લા મથક ભુજ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા હોઈ સંક્રમણની ચેઈન તોડવા માટે ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ હોઈ આવતીકાલથી મેડિકલ સિવાયની તમામ પ્રવૃતિઓ બંધ રહેશે. લોકોને પણ જરૂરી કામ વીના ઘરોની બહાર ન નિકળવા જણાવાયું છે ત્યારે ભુજમાં સ્વૈચ્છિક લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા નગરપતિ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.આ અંગેની વિગતો મુજબ પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના અધ્યક્ષ સ્થાને ભુજ ટાઉનહોલ ખાતે તમામ નગરસેવકોની બેઠક મળી હતી. નગરપતિ શ્રી ઠક્કરે જણાવેલ કે, ચારેક દિવસ અગાઉ વેપારી એસોસીએશનમાંથી સ્વૈચ્છિક લોકડાઉન અંગે વાત આવી હતી. જે બાદ રાજયમંત્રી, સાંસદ, ધારાસભ્ય, તેમજ વહીવટી તંત્રનો સંપર્ક સાધતા તેમના દ્વારા પણ આ વાતને આવકારાઈ હતી. તમામ સમાજો, સંસ્થા તેમજ વેપારી એસોસીએશનના સહકારથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આજે સત્તાપક્ષ તેમજ વિપક્ષના નગરસેવકોની બેઠક મળી હતી. જેમાં તમામે સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને આવકાર્યો હતો. સ્વૈચ્છિક લોકડાઉન દરમ્યાન શહેરના તમામ બાગ બગીચા તેમજ વોક વે પણ બંધ રાખવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભુજ ખારી નદી સ્મશાન ગૃહને પણ દિવસમાં ત્રણ વખત સેનેટાઈઝ કરવામાં આવે છે. સ્વૈચ્છિક લોકડાઉન દરમ્યાન શહેરની બજારોમાં પણ સેનેટાઈઝેશન કરવામાં આવશે. શહેરના શાકભાજીના ફેરીયાઓની રેપીડ ટેસ્ટની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. ત્રણ દિવસના લોકડાઉન અંગે નગરપતિએે વિશ્વાસપૂર્વક ધરપત આપી કે, આ મહામારીથી બચવા અને બચાવવા ત્રણ દિવસનો સ્વૈચ્છિક લોકડાઉન ખુબ જ જરૂરી છે. જાન હૈ તો જહાન હૈ ઉક્તિને અનુસરી તમામ લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરે તેવી અપીલ કરી હતી.