જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ”ની કામગીરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર

0
112

નલ સે જલ અભિયાન અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ જોડાણ સંપન્ન

રાજ્યના દૂર-સૂદૂર, દુર્ગમ વિસ્તાર , ડુંગરાળ પ્રદેશ, છૂટા છવાયા ઘરોમાં પણ નળ જોડાણની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે –પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

રાજ્યના 16 જિલ્લાઓ અને 152 તાલુકાઓના 88.56 લાખ ઘરોમાં નળ થી જળ પહોંચાડવા જોડાણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી

જલ જીવન મિશનના પ્રારંભે ગુજરાતના 71 ટકા ઘરોમાં નળ જોડાણ હતુ : કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે માત્ર 34 મહિનામાં 96.50 ટકાએ પહોંચ્યું

આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરામાં 100 ટકા નળ જોડાણ સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ “નલ સે જલ યોજના” અંતર્ગત રાજ્યના 96.50 ટકા ઘરોને નળ થી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યના કુલ ૯૧,૭૭,૪૫૯ ઘરો પૈકી ૮૮,૫૬,૪૩૮ ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.

પાણીપુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા દૂર – સૂદૂર અને દૂર્ગમ વિસ્તારો સહિતના સ્થળોએ ડુંગરાળ પ્રદેશો તેમજ છૂટા છવાયા ધરોમાં પણ નળ નું જોડાણ આપીને નળ થી જળ પહોંચાડવાની કામગીરી સુપેરે પૂર્ણ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ 15 મી ઓગસ્ટ 2019 ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો.

જેના અંતર્ગત વર્ષ 2024 સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળ થી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.

ગુજરાત સરકારના આયોજનબધ્ધ માળખાના પરિણામે આ લક્ષ્યાંકને વર્ષ 2022 સુધીમાં જ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ છે. જે હવે પૂર્ણતાના આરે છે.

વર્ષ 2019 માં જ્યારે નલ સે જલ અભિયાનની શરૂઆત થઇ ત્યારે 71 ટકા ગ્રામીણ વિસ્તારોમાં જ નળ થી જળ પહોંચતું હતું. વળી રાજ્યના એક પણ જિલ્લા સંપૂર્ણપણે 100 ટકા નળ થી જળ મેળવતા હતા નહીં. પરતું જલ જીવન મિશન અંતર્ગતના નલ થી જલ અભિયાનના પરિણામે આજે રાજ્યના 16 જિલ્લાઓ સંપૂર્ણપણે 100 ટકા નલ થી જલ અંતર્ગત શુધ્ધ પીવાનું પાણી મેળવતા થયા છે.

આ 16 જિલ્લાઓમાં આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે.

નલ સે જલ યોજના અંતર્ગત થયેલ તબક્કાવાર કામગીરી પર નજર કરીએ તો , વર્ષ ૨૦૧૯-૨૦ રાજ્યના ૯૧,૭૭,૪૫૯ કુલ ઘર પૈકી ૭૫,૯૪,૩૪૭ ઘરોમાં નલ થી જળ પહોંચતું હતુ. વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૬,૨૦,૯૬૨ એટલે કે 83.04 ટકા ઘરોમાં, વર્ષ ૨૦૨૧-૨૨ માં 86,73,575 ટકા એટલે કે 94.51 ટકા ઘરોમાં  અને જુન – 2022 સુધીમાં 88,56,438 ઘરોમાં જોડાણ આપીને 96.50 ટકા ઘરોમાં નલ સે જલ અતંર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.

અત્રે નોંધનીય છે કે, જલ જીવન મીશનનો ઉદ્દેશય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે.

જલ જીવન મિશન અંતર્ગત લાંબાગાળાના પીવાના પાણીના સ્રોતો માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા રિચાર્જ અને પાણીના પુન: ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ટકાઉ સ્રોતોનું આયોજન કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન હેઠળ પીવાના પાણી માટેના લોકભાગીદારીના અભિગમ પર આધારિત છે અને લોકોને મિશન અંતર્ગત સહભાગીઓને યોજના વિશે વિસ્તૃત માહિતી, શિક્ષણ અને પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.