જખૌ ડ્રગ્સકાંડ : સૂત્રધારી શાહીદના કચ્છના સાગરીતો કોણ ?

૩૦ કિલા હેરોઇનકાંડમાં એટીએસ દ્વારા કરાયા નવા કડાકા ભડાકા

૧૫૦ કરોડના ડ્રગ્સનો જથ્થો કરાચીથી આરિફ કચ્છીએ મોકલેલો

માંડવીના ડ્રગ્સ માફિયા શાહીદ કાસમને જખૌના દરિયામાંથી ઝડપાયેલા પાકિસ્તાનીઓ પાસેથી મેળવવાની હતી ડિલિવરી : ૩૦ કિલા હેરોઈનનો જથ્થો દરિયામાંથી મેળવી ગમે તે રીતે પહોંચાડવાનો હતો પંજાબ : મધદરીયે જ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ ડ્રગ્સ માફિયાઓના મનસુબાઓ પર ફેરવ્યું પાણી

ભુજ : જખૌના દરિયામાંથી ઝડપાયેલા ૧૫૦ કરોડના હેરોઈનના જથ્થામાં રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ દ્વારા
પત્રકાર પરિષદ યોજીને ઝડપાયેલા ૮ પાકિસ્તાનીઓ તેમજ ૩૦ કિલા હેરોઈનના જથ્થાને પેશ કરાયો હતો. ગુજરાત એટીએસ દ્વારા આ સમગ્ર મામલે વિધિવત વિગતો જારી કરાઈ હતી. ગુજરાત એટીએસ દ્વારા અપાયલી વિગતો મુજબ એટીએસના નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ભારતમાં ઘુસાડવામાં આવનાર છે. જખૌથી આશરે ૩૫ નોટીકલ માઇલના અંતરે પાકિસ્તાનની બોટ નુહમાં આવવાનો છે, અને આ જથ્થો પંજાબ મોકલવામાં આવનાર છે. જે બાતમીને આધારે એ.ટી.એસ.ના અધિકારીઓ, ભુજ એસ.ઓ.જી., દ્વારકા એસ.ઓ.જી.ના અધિકારી અને સ્ટાફે જખૌ ધસી જઈ કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીને મળી સંયુકત ટીમ બનાવીને કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં રવાના થઇ બાતમી મુજબની જગ્યાએ
પેટ્રોલીંગ હાથ ધરાઈ હતી. જેમાં જખૌથી ૩૫ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં શંકાસ્પદ બોટ નુહ જોવા મળી હતી. એજન્સીઓએ આ બોટને આંતરી તેમાં સવાર ૮ પકિસ્તાની ઇસમો અને તેમના કબ્જામાં રહેલ ૩૦ કિલો જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિમત આશરે ૧૫૦ કરોડ જપ્ત કરાયો હતો. આ ગુનામાં પાકિસ્તાનના મુર્તઝા યામીન સિંધી (ઉ.વ. ૩૫), યામીન ઉમર સિંધી (ઉ.વ. ૬૫), મુસ્તફા યામીન સિંધી (ઉ.વ. ૩૩), નસરૂલ્લા યામીન સિંધી (ઉ.વ. ૨૮), હુસૈન ઇબ્રાહીમ સિધી (ઉ.વ. ૬૨), સાલેમામદ અબ્દુલ્લા સિંધી (ઉ.વ. ૭૦), મહમંદ યાસીન મહમંદ ઉર્સ મલ્લા (ઉ.વ. ૩૯) તેમજ રફીકઆમદ ઉસ્માનઅલી મુલ્લા (ઉ.વ. ૬૨)ની ધરપકડ કરાઈ હતી. પ્રાથમિક પુછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ હેરોઇનનો જથ્થો પાકિસ્તાનના કરાંચી, બાબા બીટમા રહેતા આરીફ કચ્છીએ હેરોઇનનો જથ્થો ભરેલા બે થેલાઓ ઇબ્રાહિમ હૈદરી ખાતે આવેલ ઉમર કોલોનીમા રહેતા અને આ ગુનામા પકડાયેલા આરોપી હુસેન ઇબ્રાહિમ સિંધીના ઘરે મુક્યા હતા. જે બંને થેલાઓ આ ગુનામા પકડાયેલ આરોપીઓ મુસ્તુફા અને નસરૂલ્લા મોટર સાયકલ ઉપર મુકી ઇબ્રાહિમ હૈદરી બંદરના દરીયા કિનારે આવેલ જેટી ઉપર લાવ્યા હતા. તે બન્ને થેલાઓ ત્યાંથી આરીફ કચ્છીના કબ્જા ભોગવટાની નૂહ શફીના નામની બોટના ખાનામા મુકીને આ હેરોઇનના બન્ને થેલાઓ આરીફ કચ્છીએ આપેલા લોકેશન ઉપર જખૌના દરીયામા જઇ આઈએમબીએલ ઉપર આશરે જખૌથી ૩૫થી ૪૦ નોટીકલ માઇલ દુર દરીયામાં હાજી નામના માણસનો સંપર્ક કરી સામેથી કાસમ તરીકે જવાબ આપે તો તે બોટવાળા હાજીને ડિલિવરી કરવાનું આરીફ કચ્છીએ જણાવ્યુંલ હતુ. આ કામ માટે આરીફ કચ્છીએ આરોપીઓને રૂપિયા ૨ લાખ એડવાન્સ આપ્યા હતા, અને કામ પુરૂ થયા બાદ બાકીના ૭ લાખ રૂપિયા આપવાનો હતો. અને તે આરીફ કચ્છીએ આપેલા લોકેશન ઉપર જખૌના દરીયામાં હાજીને સોપે તે પહેલા ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે નુહ નામની બોટને આંતરી લઈને ૩૦ કિલા હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.૧૫૦ કરોડના ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનના પંજાબ લાહોરના સિકંદર ડેર નામના ઈસમે પાકિસ્તાનના કરાચીમાં રહેતા આરિફ કચ્છી મારફતે પાકિસ્તાનના ઈબ્રાહિમ હૈદરી પોર્ટ પરથી નૂહ શફીના નામની ફિશીંગ બોટમાં ઝડપાયેલા ૮ આરોપીઓ મારફતે મોકલ્યો હતો. અને હાજી નામના માણસને તેણે બતાવેલ લોકેશન પર આઈએમબીએલ ઉપર જખૌથી આશરે ૩૫થી ૪૦ નોટીકલ માઈલ દૂર ડિલિવરી કરવાનો હતો. આ જથ્થો માંડવીમાં રહેતા શાહીદ કાસમ સુમરા દ્વારા ગુજરાત અને ભારતમાં સપ્લાય કરવામાં આવતો હતો. શાહિદ સુમરા અગાઉ પણ એટીએસ ગુજરાતના એનડી પીએસના ગુનામાં તેમજ પંજાબના એનડીપીએસના ગુનામાં પણ સંડોવાયેલો છે. અને હાલ દુબઈમાં રહીને પોતાનું નેટવર્ક ચલાવે છે. આ શાહિદ કાસમ સુમરાએ પોતાના માણસો પંજાબના મનજીતસિંઘ બુટાસિંઘ, રેશમસિંઘ કરસનસિંઘ અને પુનિત ભીમસેન કજાલાને ડિલિવરી આપવાના હતા. પરંતુ ડ્‌ર્ગ્સ માફિયાઓના મનસુબા પાર પડે તે પૂર્વે જ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ તેને નાકામ બનાવી દીધા હતા.

શાહિદ કાસમ છેલ્લા ૩ વર્ષથી કરતો હતો ડ્રગ્સનો કારોબાર

ભુજ : માંડવીના ડ્રગ્સ પેડલર શાહિદ કાસમ સુમરા દ્વારા દુબઈથી બેઠા બેઠા પાકિસ્તાનથી આવતા ડ્રગ્સને જખૌ તેમજ દ્વારકાના દરિયામાંથી ગુજરાત અને પંજાબમાં સપ્લાય કરવામાં આવતો હતો. શાહિદ કાસમ અગાઉ પાકિસ્તાનથી આવતા ડ્રગ્સની ડિલિવરી લઈ અને ગુજરાતમાં તેનો સપ્લાય કરતો હતો. બાદમાં પંજાબમાં ડ્રગ્સથી સારી એવી કમાણી થતી હોવાનું જણાતા અગાઉ તેણે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી મંગાવીને કચ્છ-દ્વારકાના દરિયામાંથી રિસિવ કરી પંજાબ પહોંચતો કરેલો છે. ઉંજાથી જીરૂ અને વરીયાળી ભરીને જતી ટ્રકોમાં તે ડ્રગ્સનો સપ્લાય કરતો હતો. અગાઉ પણ ગુજરાત એટીએસ અને પંજાબ એટીએસે ડ્રગ્સ કાંડનો પર્દાફાશ કરેલો, તેમાં પણ એનડીપીએસના ગુનામાં માંડવીના ડ્રગ્સ માફિયા શાહિદ કાસમની સંડોવણી ખુલેલી હતી.