જખૌના હેડકોન્સ્ટેબ વિરુદ્ધ લાંચ માગ્યા અંગેની નોંધાઈ ફરિયાદ

જાહેરનામા ભંગના ગુનામાં આવેલા આરોપી પાસેથી નાણાં પડાવતા એસપીને કરાયેલી રજૂઆતને પગલે નોંધાયો ગુનો

નલિયા : અબડાસા તાલુકાના વિંગાબેરમાં રહેતાં દિલુભા સરવૈયાના બે પુત્રોના 12મી અને 13મી મેનાં રોજ લગ્ન હતા. લગ્ન પ્રસંગ નિમિતે 12મીએ રાત્રીના દાંડિયારાસનું આયોજન થયું હતું. જેમાં સૌ દાંડિયા રમતાં હતા ત્યારે પીએસઆઈ સામત મહેશ્વરી સાથે જખૌ પોલીસની ટીમ દાંડિયારાસના રંગમાં ભંગ પાડવા પહોંચી ગઈ હતી. અને જાહેરનામા ભંગ બદલ કલમ-188 હેઠળ દિલુભાને નોટીસ આપી 14 મેના રોજ પોલીસ મથકે હાજર થવા જણાવ્યું હતું. ત્યારે દિલુભા તેમના પુત્ર વિજેન્દ્રસિંહ સાથે પોલીસ મથકે હાજર થયા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રોહિત મકવાણાએ તેમનું નિવેદન નોંધ્યું હતું. શરૂ કર્યું હતું. દરમિયાન ઘરના દરેક સભ્યને આ ગુનામાં ફીટ કરવાની વાત કરીને ધમકાવ્યા હતા. અને ખાખીની બીક બતાવી પીએસઆઇના નામે રૂપિયા 25 હજાર અને ગાડીમાં ડીઝલ પેટે 3 હજારની માંગ કરી હતી. રૂપિયા આપો એટલે ફરી વખત તમને કે તમારા પરિવારમાંથી કોઈને અહીં કે કૉર્ટમાં ધક્કા ખાવા નહી પડે. આરોપીના પુત્રએ તે સમયે પીએસઆઈને મળીને વાત કરવા જણાવ્યુ હતું. ત્યારે કોન્સ્ટેબલ રોહિત પીએસઆઈની ઑફિસમાં જઈને પાછો આવ્યો હતો. અને તેમને પીએસઆઈ સામતભાઈ મહેશ્વરીની ચેમ્બરમાં લઈ ગયો હતો. જો કે, પીએસઆઈએ દિલુભા હાજર થઈ ગયા તેવી વાત કરીને સામાન્ય વ્યવહાર રાખ્યો હતો. અને નાણાં અંગે કોઈ માંગણી કરી ન હતી. બાદમાં  કોન્સ્ટેબલ રોહિતે વાટાઘાટ બાદ રૂ.15 હજાર પડાવી લીધા હતા અને ગાડીમાં ડીઝલ પેટે 3 હજારના બદલે 1500 લીધા હતા. પોલીસ સ્ટેશનમાં દિલુભાએ તેમના ખિસ્સામાં રહેલાં નાણાં રોહિતને આપવા પ્રયાસ કરતાં રોહિતે સીસીટીવી કેમેરા ચાલું હોવાનું કહી, પિતા-પુત્રને તેની કારમાં બેસાડી નજીકની ચાની હોટલે લઈ ગયો હતો અને તેની ગાડીમાં રૂપિયા 15 હજાર રૂપિયા સ્વિકાર્યાં હતા. આ સમગ્ર બાબતે હેડકોન્સ્ટેબની આરોપીના પુત્ર સાથે ફોન પર થયેલી વાતચીતની ઑડિયો રેકોર્ડીંગ તેમજ પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના આધાર પુરાવાના આધારે એસપીને ફરિયાદ કરી હતી. વિજેન્દ્રસિંહે 22 મેનાં રોજ એસપી સૌરભસિંઘને ઑડિયો રેકોર્ડીંગ મોકલી રજૂઆત કરી હતી. જે બાબતને ગંભીર ગણીને એસપીએ તપાસ કરાવી હતી. અને અરજદારને રૂબરૂ બોલાવી જખૌ પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ મગાવી ચેક કર્યાં હતા. પ્રાથમિક તપાસમાં મહત્વની બાબતો સ્પષ્ટ થઈ જતાં એસપીએ કોન્સ્ટેબલ રોહિત વિરુધ્ધ ફરિયાદ નોંધવા જખૌ પીએસઆઈને સૂચના આપી હતી. જેના પગલે વિજેન્દ્રસિંહે હેડ કોન્સ્ટેબલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.