જંત્રીદર વધારાની લટકતી તલવાર : કચ્છની રીઅલએસ્ટેટ માર્કેટમાં મંદી ઘેરી બનવાની ભીતિ

એકાદ માસમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાય તેવી શક્યતા : રાજ્યમાં ૧૦ વર્ષથી જંત્રી દરમાં ફેરફાર થયો
ન હોઈ વહેલી તકે વધારાનો નિર્ણય લેવાય તેવી ચર્ચા

ભુજ : ભૂકંપ બાદ કચ્છમાં ફુકાયેલ વિકાસના વાયરા થકી ધંધા-રોજગારની સાથો સાથ રીઅલએસ્ટેટક્ષેત્રે પણ તેજીનો ઘોડો દોડતો થયો હતો. એકાદ દાયકા સુધી આ ચમક જળવાયેલી રહી હતી. જોકે, નોટબંધી-જીએસટી બાદ શરૂ થયેલ મંદિના દોર થકી કચ્છનું રીઅલએસ્ટેટ તંત્ર પણ બાકાત ન રહેતા ચમક સતત ઓછી થતી જઈ રહી છે. તેમાં પણ પાછલા એક વર્ષથી કોરોનાનું કહેર હોઈ સોદાઓ ઠપ્પ સમાન થઈ ગયા છે ત્યારે હવે જંત્રીદર વધારાની તલવાર લટકી રહી હોઈ કચ્છની રીઅલએસ્ટેટ માર્કેટમાં મંદી વધુ ઘેરી બનવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે.
આ અંગેની વિગતો મુજબ રાજ્યમાં ૧૦ વર્ષથી જંત્રીદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના લીધે રાાજ્ય સરકાર અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે. જમીન સંપાદન વેળાએ મોટા અવરોધો આવી રહ્યા છે. સંપાદન કરવાની થતી જમીનના જંત્રીદર કરતા બજાર ભાવ ઘણા ઉંચા હોય છે. એટલે જમીન માલિક સરકારને જંત્રી દરે જમીન આપવા તૈયાર થતા નથી. સરકારે દોઢ વર્ષ અગાઉ સર્વે કરાવ્યો હતો. તેમાં થોડા ઘણા ફેરફારો સાથે નવા જંત્રીદર લાગુ પાડવામાં આવે તેવી શક્યતા છે. જંત્રીદરમાં વધારો થવાથી રીઅલએસ્ટેટ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત પડવાનું સ્પષ્ટ છે. બિલ્ડરોના સંગઠન ક્રેડાઈ દ્વારા પણ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવાની તૈયારી કરાઈ છે.
જંત્રીદરમાં વધારાની ચાલી રહેલી વાતો વિશે કચ્છ ક્રેડાઈના પ્રવીણ પીંડોરિયાનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું કે, જંત્રીમાં વધારો થાય તેમાં કોઈ વિરોધ ન હોય, પરંતુ હાલે કોરોના કાળને પગલે રિયલએસ્ટેટ માર્કેટ જે પરીસાનીઓમાંથી પસાર થઈ રહ્યું છે તેને જોતા જંત્રીદરમાં વધારો મુશ્કેલી સર્જી શકે તેમ છે. માર્કેટમાં હાલે જે સોદાઓ થઈ રહ્યા છે તે જંત્રીદર વધવાથી ઠપ્પ થાય તેવી ભીતિ પણ નકારી શકાય તેમ નથી. જમીન મોંઘી થવા ઉપરાંત પ્રિમીયમ ભરીને વધારાની એફએલઆઈ મેળવવા વગેરેમાં પણ જંત્રીદર વધારાનો બોજ લાગી શકે છે. હાલે સિમેન્ટ, સ્ટીલ, સહિતની વસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો છે ત્યારે જો જંત્રી વધશે તો સોદાઓ પર અસર પહોંચી શકે
તેમ છે.