જંગીમાં નીલગાયનો શિકાર કરનાર બે શખ્સોને વનતંત્રએ ઝડપ્યા

બંદુકના ભડાકે નીલગાયનો શિકાર કરી તિક્ષ્ણ હથિયારોથી કપાયું હતું ગળું L વનતંત્રએ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા તળે ગુનો નોંધી બે આરોપીઓને ઝડપી હાથ ધરી કાર્યવાહી

ભચાઉ : તાલુકાના જંગી ગામે સીમ વિસ્તારમાં શિકારીઓ દ્વારા નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હતો. ગત ર૩મી મે ના નીલગાયને બંદુકને ભડાકે દઈ આરોપીઓએ તિક્ષ્ણ હથિયારો વડે પશુઓનું ગળું કાપી નાખ્યું હતું. જે બનાવ સંદર્ભે વનતંત્રની ટીમે બે શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર અને મદદનીશ વન સંરક્ષક સી. એસ. પટેલના માર્ગદર્શન તળે ભચાઉ રેન્જના ફોરેસ્ટ ઓફિસર ભગીરથસિંહ ઝાલા અને જંગી રાઉન્ડ ફોરેસ્ટર એ. વી. ભાટીયા દ્વારા નીલગાયના શિકાર અંગે સઘન તપાસ હાથ ધરાઈ હતી અને ગણતરી દિવસોમાં વનતંત્રની ટીમે નીલગાયનો શિકાર કરનાર બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ઉમરદીન ઉર્ફે અમકુ જુસબ ત્રાયા (ઉ.વ.૪૩) અને રફીક દોસમહમદ ત્રાયા (ઉ.વ.૩૦) (રહે. બન્ને શિકારપુર)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની આકરી પુછતાછ કરતા બન્ને આરોપીઓ ભાંગી પડયા હતા અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નીલગાયનો શિકાર કર્યો હોવાની કબુલાત આપી હતી. વન વિભાગ દ્વારા બન્ને દોષિતો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને પ૦ હજાર જેટલી જંગી રકમનો દંડ વસુલવામાં આવ્યો હતો, તેમજ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ૧૯૯ર ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

નોંધનીય છે કે, વાગડ વિસ્તારમાં અનેક સ્થળોએ વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે. તેવામાં જંગી ગામે નીલગાયના શિકારની પ્રવૃતિને સ્થાનીક જાગૃત નાગરીકોએ ઝડપી પાડી હતી અને પોલીસ તેમજ વનતંત્રને જાણ કરતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓને ઝડપી પડાયા છે, પરંતુ જંગલ વિસ્તારમાં બેધડક કરાતા વન્ય પ્રાણીઓના શિકાર અંગે અગાઉથી જ વનતંત્ર દ્વારા કેમ કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી ? સામાન્ય રીતે સ્થાનીકો જયારે શિકારનો પર્દાફાશ કરે ત્યારે પાછળથી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય છે, પરંતુ શિકારી પ્રવૃતિને અટકાવવા કેમ કોઈ નક્કર પગલા લેવાતા નથી તેવા સવાલો લોકોમાં ઉદભવી રહ્યા છે.