છેવાડાના અને વાંઢ વિસ્તારના કચ્છીઓને વેકિસન માટે પ્રેરિત કરે છે લખપત તાલુકાના વોરિયર્સ- ટી.એચ.ઓ.

કોરોના રસીકરણ અભિયાન એટલે ભારતનું સૌથી મોટું રસીકરણ મહાઅભિયાન. રસી નહોતી આવી ત્યાં સુધી સમગ્ર વિશ્વ અને ભારત મીટ માંડીને બેઠું હતું ! જયારે ભારતમાં જ નિર્માણ પામેલી સ્વદેશી કોવેકિસન રસીનું આગમન થયું ત્યારે તેના વિશે લોકોમાં તર્ક-વિર્તક થવા લાગ્યા. કેટલાક લોકોએ જાગૃત બનીને રસી લઇ લીધી. જયારે કેટલોક વર્ગ એવો પણ છે કે જેમની પાસે રસી વિશે બહું માહિતી નથી અને જેના કારણે તે રસી લેતા ગભરાય છે. આવા સંજોગોમાં આરોગ્ય કર્મચારીઓ લોકોને સમજાવવા અને તેઓ રસી લેવા માટે પ્રેરાય તે તરફના જે પ્રયાસ કરે છે તે સરાહનીય છે.

પશ્ચિમ કચ્છમાં માતાનામઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને આશાવર્કર બહેનો ગામડે-ગામડે અને લોકોના ઘરે-ઘરે જઇને તેમને રસી અંગેની માહિતી પુરી પાડે છે અને રસી લેવાના ફાયદાઓ અંગે માહિતગાર કરે છે. છેવાડાના વિસ્તારના લોકો કે જેઓ રસી વિશે બહું અવગત નથી તેમને રસીકરણ માટે સંપૂર્ણ કાઉન્સેલીંગ કરે છે અને તેમના આ પ્રયાસો થકી લોકો રસી લેવા પ્રેરાય પણ છે.

આ વિશે વધુ માહિતી આપતાં લખપત તાલુકાના આરોગ્ય અધિકારી રોહિત ભીલ જણાવે છે કે, લખપત તાલુકાના દયાપર સીએચસી કેન્દ્ર તેમજ અન્ય ૪ પીએચસી સેન્ટર પર રસીકરણની કામગીરી ચાલુ છે. અહીંના આરોગ્ય કર્મચારીઓ પણ લોકોને રસી માટે સમજાવે છે તથા તેમને રસી લઇને સુરક્ષિત બનવા સૂચન કરે છે.

માતાનામઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર જાનકી વ્યાસ જણાવે છે કે, અમે અમારી ટીમ સાથે છેવાડાના વિસ્તારો સુધી લોકોના ઘરે જઇએ છીએ. વાંઢ જેવા વિસ્તારોમાં જઇને લોકોને રસીકરણ માટે માર્ગદર્શન આપીએ છીએ તથા તેઓ આરોગ્ય કેન્દ્ર ખાતે આવીને રસી લેવા પ્રેરાય તે તરફના તમામ પ્રયાસો કરીએ છીએ. લોકોના મનમાં ખોટા ડર અને અફવાઓ છે તેમને દુર કરવા પુરતા પ્રયાસો કરીએ છીએ અને તેમને આ રસીકરણ મહાઅભિયાનનો હિસ્સો બનાવીએ છીએ.

રસી લીધા બાદ વ્યકિતઓના પ્રતિભાવો પણ ખુબ જ સારા મળે છે જેથી તેમને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ તેમના પરિવાર તેમજ સમાજને પણ રસી લેવા રાજી કરે જેથી વધુને વધુ લોકો રસી લે અને આપણે કોરોનાની મહામારી ઉપર કાબુ મેળવી શકીએ.