છત્તીસગઢમાં કોરોનાના ૬ હજારથી વધુ કેસ નોંધાતાં, રાયપુરમાં ૯થી ૧૯ એપ્રિલ ટોટલ લોકડાઉન

(જી.એન.એસ) ન્યુ દિલ્હી,છત્તીસગઢમાં કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં એપ્રિલના પ્રથમ છ દિવસમાં ૩૭ હજાર દર્દી નોંધાયા છે. રાજ્યની રાજધાની રાજપુરમાં ૯ એપ્રિલ સાંજે ૬ વાગ્યાથી ૧૯ એપ્રિલ સુધી ટોટલ લોકડાઉન લગાવી દેવાયું છે. સરકારે આ નિર્ણય એક દિવસમાં ૨ હજાર ૮૨૧ કેસ નોંધાયા બાદ લેવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાયપુરમાં ૨૬ લોકોના જીવ સંક્રમણથી ગયા છે. આ હિસાબે ૩૧૨ દિવસમાં રોજના સરેરાશ ૩.૨૦ દર્દીના મોત થયા છે.આ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. દેશમાં એક જ દિવસમાં ૧.૧૫ લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે ૪ એપ્રિલના રોજ મળેલા ૧.૦૩ લાખ દર્દીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. ૫૯,૭૦૦ દર્દી સ્વસ્થ થયા અને ૬૩૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ૨૪ કલાકમાં રેકોર્ડ ૫૪,૭૯૫નો વધારો થયો છે. અગાઉ ૪ એપ્રિલના રોજ, ૫૦,૪૩૮ એક્ટિવ કેસ હતા; ત્યારે તે સૌથી વધુ હતા.નવા કેસમાં દરરોજની જેમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૫,૪૬૯ પોઝિટિવ મળી આવ્યા છે. ૯,૯૨૧ નવા દર્દી સાથે છત્તીસગઢ બીજા સ્થાને છે. બંને રાજ્ય કુલ એક્ટિવ કેસમાં પણ ટોપ-૨માં છે. મહારાષ્ટ્રમાં ૪.૭૨ લાખ, જ્યારે છત્તીસગઢમાં ૫૨,૪૪૫ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.