ઘુડખર અભયારણ્યમાં વધુ ૪ માસ માટે પ્રવાસીઓને ‘બ્રેક’

  • પહેલા કોરોના અને હવે ઘુડખરના બ્રડીંગનો સમયગાળો હોવાથી

કોરોનાની બીજી લહેર ઓછી થતા સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરાઈ રહ્યા છે, જો કે હવે ચોમાસામાં રક્ષિત પ્રાણી ઘૂડખરોનો બ્રિડીંગનો સમયગાળો હોવાથી આગામી ૧૬ જૂનથી ઘૂડખર અભયારણ્યમાં તમામ માટે પ્રવેશબંધી : સરકારી ચોપડે પ્રવેશબંધી પણ હજુય ચહલપહલ જારી : મીઠાના અગરો અને કારખાનેધારકો મુંઝવણમાં મુકાયા

(બ્યુરો દ્વારા)ભુજ : ૨૨ માર્ચ ૨૦૨૦થી ‘જનતા કરફ્યુ’થી બંધ થયેલું ઘુડખર અભયારણ્ય ૧૬ જૂનથી વધુ ૪ માસ માટે પ્રવાસીઓ માટે સદંતર ‘બંધ’ કરી દેવામાં આવ્યું છે. એક બાજુ કોરોનાની બીજી લહેર ઓછી થતા નિયંત્રણો હળવા કરાઈ રહ્યા છે, ત્યારે હવે ચોમાસામાં રક્ષિત પ્રાણી ઘૂડખરોનો બ્રિડીંગનો સમયગાળો હોવાથી આગામી ૧૬ જૂનથી ઘૂડખર અભયારણ્યમાં તમામ માટે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સરકારી ચોપડે ભલે પ્રવેશબંધી હોય પણ ત્યાં વ્યક્તિઓની ચહલપહલ તો દેખાતી જ હોય છે. જંગલખાતાના આ પરિપત્રથી મીઠાના અગરો અને કારખાનેદારોની મુંજવણ વધી છે.આ અંગેની વિગતો મુજબ રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખરની છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર સંખ્યા ૬૦૮૨ નોંધાઇ હતી. લોકબોલીમાં ઘૂડખર તરીકે ઓળખાતા અને ધરતી પર નામશેષ થવાની અણી પર આવી ગયેલા જંગલી ઘૂડખરનાં રક્ષણ માટે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ૧૯૭૩માં કચ્છનાં રણનાં ૪૯૫૪ ચોરસ કિ.મી.વિસ્તારને ઘૂડખર અભયારણ્ય તરીકે રક્ષિત કરવામાં આવ્યો હતો. પોતાની અસાધારણ ગતિ અને જોમ માટે જાણીતું આ વેગવાન પ્રાણી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટૂંકા અંતર માટે ૭૦ કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ગતિથી દોડી શકે છે.વધુમાં ઉષ્ણતામાનમાં થતા ૧ ડીગ્રી સેલ્સીયસથી માંડીને ૫૦ ડીગ્રી સેલ્સિયસ જેટલા ફેરફારો અને અત્યંત વિષમ વાતાવરણીય પરિસ્થિતિઓમાં પણ આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ઘૂડખર અભયારણ્યને ૨૨ માર્ચ ૨૦૨૦થી ‘જનતા કરફ્યુ’થી બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે હાલ કોરોનાની બીજી લહેર હળવી થતા સરકારે નિયંત્રણોમાં છુટછાટો આપી છે, પરંતુ હવે ચોમાસા દરમ્યાન ઘુડખર માટે બ્રિડીંગનો સમયગાળો હોવાથી ઘુડખર અભયારણ્ય ૧૬ જૂનથી વધુ ૪ માસ માટે પ્રવાસીઓ માટે સદંતર ‘બંધ’ કરી દેવામાં આવ્યું છે.ચોમાસાની સીઝન શરૂ થતા દુર્લભ ઘૂડખર માટે બ્રીડીંગનો સમયગાળો શરૂ થાય છે. આથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારો સહિત તમામ વ્યક્તિઓ અને પ્રવાસીઓ માટે ઘૂડખર અભયારણ્યમાં પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. આથી તા. ૧૬/૦૬/૨૦૨૧થી તા. ૧૫/૧૦/૨૦૨૧ સુધી ચાર મહિના સુધી ઘૂડખર અભયારણ્યમાં કોઇને પણ પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે નહીં છતાં કોઇ વ્યક્તિ કે પ્રવાસી આ રક્ષિત વિસ્તારમાં પ્રવેશ કરશે તો અભયારણ્ય વિભાગ દ્વારા વન્ય સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે.