ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય બનવા માટેની HMATનો કાર્યક્રમ જાહેર કરાયો

(જી.એન.એસ.)ગાંધીનગર,રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય બનવા માટેની અભિરૂચી કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે પરીક્ષા માટે ૨૩ જૂનથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા માટેનું સત્તાવાર જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જો કે પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ૧૭ જુલાઈ સુધીમાં તમામ કામગીરી પુર્ણ થયા બાદ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા બે વિભાગમાં હશે અને દરેક પ્રશ્નના જવાબો લખવા ફરજિયાત રહેશે.
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આચાર્યની નિમણૂંક માટે આચાર્ય અભિરૂચિ કસોટી પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા નક્કી કરેલા કેન્દ્રો પર જિલ્લા શિક્ષણાધિકારી મારફતે લેવામાં આવશે.એચએમએટીની પરીક્ષા માટે ઉમેદવારો ૨૩ જૂનથી ૩ જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. જે બાદ ૨૩ જૂનથી ૪ જુલાઈ સુધી નેટ બેંકીંગ મારફતે ફી સ્વીકારવામાં આવશે. ૭ જુલાઈથી ૧૫ જુલાઈ દરમિયાન ઉમેદવારોના ભરાયેલા આવેદનપત્રોમાં રજૂ થયેલી લાયકાત અને અનુભવની વિગતોનું જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વેરીફીકેશન કરી આવેદનપત્ર એપ્રુવ કરવામાં આવશે.૧૬ જુલાઈથી ૧૭ જુલાઈ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એપ્રુવ કરવામાં આવેલા આવેદનપત્રો બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે. બોર્ડ દ્વારા હાલમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. જો કે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા પરીક્ષા અને પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.