ગોધરામાંથી ડીઆઈએલઆરના સર્વેયર સહિત ખાનગી વ્યક્તિ લાંચ લેતા રંગેહાથ જબ્બે

માંડવીના ગોધરામાં માલિકીની જમીનની માપણી કરવા માટે રૂપિયા 4 હજારની લાંચ માંગતા ભુજ એસીબી દ્વારા ગોઠવાયું છટકું

ભુજ : માંડવી તાલુકાના ગોધરા ગામે માલિકીની જમીનના સર્વે નંબરની માપણી કરવા માટે ડીઆઈએલઆરના આઉટ સોર્શિંગ સર્વેયર અને એક ખાનગી વ્યક્તિએ રૂપિયા 4 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા. જાગૃત નાગરિકે કરેલી ફરિયાદને પગલે ભુજ એસીબી દ્વારા સફળ ટ્રેપ કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ એક જાગૃત નાગરિક દ્વારા લાંચ રૂશ્વત અંગેની ફરિયાદ એસીબીમાં કરાઈ હતી. જેમાં ફરિયાદીએ પોતાની માલિકીની જમીનના સર્વે નંબર માપણી કરાવવા માટે ડીઆઈએલઆરમાં ઓનલાઈન અરજી કરી હતી. તેમજ તેનું પેમેન્ટ પણ કરેલું હતું. બાદમાં આરોપી આઉટ સોર્સિંગ સર્વેયર વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજાની આ સર્વે કામ માટે માપણી કરવા નિયુક્તિ કરાઈ હતી. ત્યારે સર્વેયર વતી ખાનગી વ્યક્તિ તરીકે મજહર હુસેન નસરૂદિન અંસારીએ લાંચના નાણા ફરિયાદીને આપવા માટે જણાવ્યુ હતું. ફરિયાદી નાણા આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરતા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ટ્રેપિંગ ઓફિસર એમ.જે. ચૌધરીની ટીમ દ્વારા સફળ ટ્રેપ કરાઈ હતી. જેમાં બન્ને આરોપીઓ રંગેહાથ લાંચની રકમ સ્વીકારતા ઝડપાયા હતા. આ સમગ્ર ટ્રેપ સુપરવિઝન અધિકારી એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયમાક કે.એચ. ગોહિલના માર્ગદર્શન તળે કરાઈ હતી.