ગુજસીટોકનો કુખ્યાત ફરાર આરોપી તેના ૩ સાગરિતો સાથે જબ્બે

પશ્ચિમ કચ્છ અને રાજકોટ રૂરલ પોલીસે આરોપીઓની ઉત્તરાખંડના નૈનીતાલથી કરી ધરપકડ : જી.કે.
હોસ્પિટલમાંથી આરોપીને ભગાડવામાં ૪ પોલીસ અધિકારી – કર્મચારીઓની સંડોવણી ખુલી

ભુજ : અહીંની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ફરાર થઈ ગયો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. જેમા પશ્ચિમ કચ્છ અને રાજકોટ રૂરલ પોલીસે આરોપી નિખિલ દોંગા અને તેના ૩ સાગરિતોને દબોચી લીધા હતા. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી ગયેલો કુખ્યાત આરોપી ઉત્તરાખંડના નૈનીતાલમાં છુપાયો હતો. તેની સાથે અન્ય ત્રણ સાગરિતોને પોલીસે દબોચીને કચ્છ લાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પશ્ચિમ કચ્છ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રીસોર્સના આધારે આરોપીની વિગતો મોળવીને તેને અને તેના સાગરિતોને ઝડપી પાડ્યા હતા. કેસના તપાસનીશ ડી.વાય.એસ.પી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે, આરોપી ઉત્તરાખંડના નૈનીતાલમાં છુપાયો હતો. જેની બાતમી પોલીસને મળતા પશ્ચિમ કચ્છ અને રાજકોટ રૂરલ વિભાગની પોલીસ ટીમોએ નૈનીતાલ ધસી જઈને આરોપીને દબોચી લીધા છે.કુખ્યાત આરોપી નિખીલ દોંગા ઉપરાંત તેની સાગરિતો રેનિસ ઉર્ફે લાલજી ડાહ્યાભાઈ માલવીયા (પટેલ) તેમજ સાગર કિયાડા અને શ્યામલ દોંગા નામના અન્ય ત્રણ શખ્સો મળીને ૪ આરોપીઓને પોલીસની ટીમોએ ઝડપી પાડ્યા છે. જીકે હોસ્પિટલમાંથી નિખીલ દોંગા નાસી જવાના કિસ્સામાં ફરજમાં બેદરકારી દાખવનાર પીએસઆઈ આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસ
ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ દરમ્યાન કરાયેલી પૂછતાછમાં આરોપીને ભગાડવામાં અન્ય એક પીએસઆઈ અને એએસઆઈની પણ સંડોવણી સામે આવી હતી. જેમાં પીએસઆઈ એન.કે. ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાયા છે.

આરોપી નિખિલને કઈ રીતે પોલીસે ઝડપ્યો
ભુજ : ગોંડલનો ગુજસીટોકનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા નાસી ગયા બાદ ગોંડલ ડિવિઝનના અધિકારીઓ, ભુજ એસીબી અને રાજકોટ એલસીબીએ નિખિલ અગાઉ જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો, તેની ચકાસણી શરૂ કરી હતી, જેમાંથી કેટલી મહત્વની વિગતો પોલીસને મળી હતી. તો નિખિલ કયા શહેરમાં કયા લોકો સાથે વધુ સંપર્કમાં હતો તેનું લિસ્ટ બનાવાયું હતું. જેમાં સુરત, રાજકોટ આસપાસના પાંચ વિસ્તાર, દિલ્હી અને ઉત્તરાખંડના નૈનીતાલમાં નિખિલ છુપાયો હોય તેવી જુના કોલ ડિટેલ્સના આધારે મળી હતી. ત્યારબાદ ટેકનિકલ બાબતમાં તકલીફ ન પડે તે માટે એટીએસને પણ સાથે રાખવામાં આવી હતી. દરમિયાન એક ફોન નંંબર પોલીસને મળ્યો હતો, જે નિખિલ સુધી પહોંચવાની સંભાવના હોતા પોલીસે પગેરૂ દબાવીને આરોપીને દબોચી લીધો હતો.

નિખિલને ભગાડવામાં કોણે કેવી રીતે ભાગ ભજવ્યો
ભુજ : ગોંડલના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભુજની પાલારા જેલમાં ધકેલ્યા બાદ જેલમાંથી બહાર નિકળવા માટે અગાઉથી જ કાવતરૂ ઘડીને પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ નિખિલના રાજકોટ, સાપર અને ગોંડલમાં રહેતા સાગરીતોએ સડયંત્ર રચ્યું હતું અને છ શખ્સો બે કારમાં ભુજ આવ્યા હતા, જેમાં ભાવિક ઉર્ફે ખલી ચંદુભાઈ ખુંટ, ભરત રામાણી, પાર્થ ધાનાણી, સાગર કિયાડા, નિકુંજ દોંગા અને શ્યામલ દોંગાનો સમાવેશ થાય છે. આરોપીઓએ પ્રથમ ભુજ જેલના ટોચના અધિકારીને લાલચ આપીને પોતાની તરફેણમાં કરી લીધા હતા. ત્યારબાદ કેદી પાર્ટીમાં કોણ જશે તે પણ નક્કી કરાયું હતું. ૪૦થી ૮૦ હજારની લેવડ દેેવડ થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તો સરકારી હોસ્પિટલના એક તબીબે પણ નિખિલના માંદગીના બોગસ કાગળો તૈયાર કર્યા હતા. આ કારણોસર જ નિખિલને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોવા છતાં પણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અને ત્રણ દિવસ હોસ્પિટલમાં રખાયો હતો. દરમિયાન ર૯મી માર્ચે નિખિલ અગાઉ ઘડાયેલા પ્લાન મુજબ નાસી છુટયો હતો.