ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત યુવા મોડેલ એસેમ્બલી – માન.અધ્યક્ષશ્રી ર્ડા.નીમાબેન આચાર્યની અનોખી પહેલ

0
83

ગુજરાત વિધાનસભા તથા ‘‘સ્કૂલ પોસ્ટ’’ મેગેઝીનનાસંયુકત ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આજરોજ ગુજરાતવિધાનસભા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, માનનીય સંસદીય બાબતોના મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, માનનીય ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી, માનનીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા, માનનીય મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ તથા વિરોધપક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઇ પરમાર તથા અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. તમામ મહાનુભાવોએ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી હતી.

સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરવામાં આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇને આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવી હતી. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના યુવાનોની પ્રતિભાને બિરદાવતાં પ્રોત્સાહક પ્રવચન આપ્યું હતું. માનનીય અધ્યક્ષશ્રીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કહ્યું છે કે, ‘‘આપણા યુવાનો આત્મ નિર્ભર બની, ભારતનો મજબૂત આધાર બનશે.’’ યુવાનોના વિકાસ થકી જ દેશનો વિકાસ શકય બનશે તેના પરિપ્રેક્ષ્યમાં જ ‘‘યુવા મોડેલ એસેમ્બલી’’ પણ યુવાનો ના સર્વાંગી વિકાસ માટેનો એક નવતર પ્રયોગ છે. યુવા મોડેલ એસેમ્બલી માટે માનનીય અધ્યક્ષશ્રીએ સંયોજક ‘‘ધ સ્કુલ પોસ્ટ’’ ને દરેક તબકકે માર્ગદર્શન આપ્યું હતું અને અંગત રસ લઇ વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા તેમજ વિધાનસભામાં ચર્ચા માટેના વિષયો / પ્રશ્નો વગેરે જાત દેખરેખ નીચે તૈયાર કરાવ્યા હતા અને સમગ્ર રાજયનાવિદ્યાર્થીઓ આ મોડેલ એસેમ્બલીમાં ભાગ લે તે માટેની સૂચનાઓ આપી હતી. માનનીય અધ્યક્ષશ્રીની સૂચના મુજબ જ રાજયના દરેક જિલ્લામાંથી યુવાનોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવી હતી. વિધાનસભાના અધિકારીશ્રીઓએ ભાગ લેનાર તમામ યુવાનોને તાલીમ આપી હતી. વિધાનસભામાં ચાલતી કાર્યવાહીની હૂબહૂ કાર્યવાહી પ્રશ્નોતરી, બજેટ પર ચર્ચા, સરકારી વિધેયક, સંકલ્પ વગેરે બાબતો પર વિદ્યાર્થીઓએ સભાગૃહ ખૂબજ ઉત્સાહપૂર્વક અને મંત્રીશ્રી અને સભ્યશ્રીઓની હેસિયતથી ખૂબજ ફળદાયી ચર્ચા કરી હતી. માનનીય અધ્યક્ષશ્રી દ્વારા આ મોડેલ એસેમ્બલીમાં ભાગ લેનાર તમામ યુવાનોને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાપન સમયે રાજયના યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી હર્ષ સંઘવી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર તેમજ મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. માન.મંત્રીશ્રી હર્ષ સંઘવીએ યુવાઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી તરફથી ભાગ લેનાર તમામ યુવાનોને પ્રોત્સાહનરૂપે રાજયમાં અમલી યોજનાઓથી યુવાનોને અવગત કરાવવા એક ‘કીટ’ નું વિતરણ કરવામાં આવ્યું હતું ભાગ લેનાર તમામ યુવાનો આવી સુંદર વ્યવસ્થાથી સંતોષ વ્યકત કર્યો અને માનનીય અધ્યક્ષશ્રીનો આભાર માનયો હતો અને ‘‘યુવા મોડેલ એસેમ્બલી’’ કાર્યક્રમ  સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમને પ્રેસ અને મિડીયાના પ્રતિનિધિઓએ જીવંત બનાવીને લોકો સમક્ષ પહોંચાડવામાં અભુતપૂર્વ યોગદાન આપ્યું હતું.