ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી પ્રતાપભાઈ તારાચંદ શાહનું નિધન

(જી.એન.એસ)ભાવનગર,ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને દિવ્યભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમચાારના તંત્રી પ્રતાપભાઈ તારાચંદ શાહનું ૯૭ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ તાજેતરમાં જ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા હતા. તેમણે ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી, ઇન્ડિયન લેંગ્વેજ ન્યુઝપેપર એસોસિયેશન સહિતની અનેક સંસ્થાઓમાં તેઓએ હોદ્દેદાર તરીકે ફરજ બજાવી હતી.વર્ષ ૧૯૬૨માં ગુજરાતના મુખ્યમંત્રી બળવંતભાઈ મહેતા ભાવનગરમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પ્રજવાદી સમાજ પાર્ટી ના ઉમેદવાર તરીકે પ્રતાપભાઈ શાહ તેઓની સામે ચૂંટણી લડી અને વિજેતા બન્યા હતા આ ઘટનાથી સમગ્ર દેશમાં ખલભલાટ મચી ગયો હતો. ત્યારબાદ તેઓ ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને નાણામંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી.ભારતના અખબારી આલમમાં તેઓ સૌથી વયોવૃદ્ધ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ૯૭ વર્ષની ઉંમરે પણ દરરોજ તેઓ સૌરાષ્ટ્ર સમાચારની ઓફિસે આવતા હતા. ભાવનગરના ડેવલોપમેન્ટ માં તેઓનું અનોખું યોગદાન રહેલું છે. પોતે પ્રજાવાદી સમાજવાદી પાર્ટી, બાદમાં કોંગ્રેસના ધારાસભ્ય અને મંત્રી રહ્યા હોવા છતાં ભાવનગરના પ્રાણ પ્રશ્નો અંગે જ્યારે જ્યારે પણ જરૂરિયાત ઊભી થતી હતી ત્યારે તેઓ પોતાની સરકાર સામે પણ અવાજ ઉઠાવતા હતા.પંજાબ નેશનલ બેન્કના કેશિયર તરીકેની કારકિર્દીથી ધારાસભ્ય, નાણામંત્રી અને અખબારના તંત્રી તરીકેની પ્રતાપભાઈ શાહ ની સફર યાદગાર બની રહી છે. ભાવનગર જિલ્લા માં સૌથી વધુ ફેલાવો ધરાવતું અખબાર સૌરાષ્ટ્ર સમાચાર નો તેઓ વર્ષોથી સંચાલન કરી રહ્યા હતા. વર્ષ ૨૦૦૪માં આ સૌરાષ્ટ્ર સમાચાર અખબાર દિવ્યભાસ્કર ગ્રુપમાં વિલીનીકરણ કરાવવામાં આવ્યું હતું. છતાં દિવ્ય ભાસ્કર ગ્રુપના ચેરમેન દ્વારા પ્રતાપભાઈ શાહને સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તરીકે આજીવન ફરજ બજાવવાનું અને કાર્યરત રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું જે તેઓએ અંતિમ ઘડી સુધી સુપેરે નિભાવ્યું હતું.પ્રજા ના પ્રાણ પ્રશ્નો માટે ના લડાયક આગેવાન, નિષ્ઠાવાન અગ્રણી તથા એક અનુભવી અખબાર સંચાલકની વિદાય થી ભાવનગરને સૌથી મોટી ખોટ પડી છે. ૨૦.૧૨.૧૯૨૪થી ૦૬.૦૫.૨૦૨૧ સુધીની પ્રતાપભાઈ તારાચંદ શાહની સફરને ભાવનગર જીલ્લો હંમેશા યાદ રાખશે.