ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા આજથી સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી

0
96

રાજ્યભરમાં ૨૫૦૦ થી વધુ કાર્યક્રમો યોજાશે : ૨૫ હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે

૮૨ વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જીલ્લાઓ, 8 મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ કે, ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે આજથી સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે જે અંતર્ગત આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદ ખાતેથી આ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે અને જીલ્લા કક્ષાએ મંત્રી મંડળના સભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ થયો છે. ૮૨ વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જીલ્લાઓ, 8 મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં ૨૫૦૦ થી વધુ કાર્યક્રમો યોજાશે અને ૨૫ હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે.
મંત્રીશ્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને દોરવણી હેઠળ ગુજરાતે વિકાસના અનેક શિખરો સર કરી વિકાસની નવી કેડી કંડારી છે. જેના ઉપર ગુજરાત રાજ્ય વધુને વધુ પ્રગતિનાં સોપાન સર કરીને વિકાસની અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં વિતેલા ૨૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સહકાર, પશુપાલન, સિંચાઈ, રસ્તા, વન અને પર્યાવરણ, પીવાનું પાણી, ૨૪ કલાક વીજળી, વાહન વ્યવહાર, પ્રવાસન,  મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. વિકાસનાં મીઠાં ફળ ગુજરાતના જન જન સુધી પહોંચ્યાં છે.
મંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલ વિકાસની ઝાંખી કરાવવા તથા જનકલ્યાણના વિવિધ કાર્યક્રમોની જનજન સુધી જાણકારી પૂરી પાડવાના હેતુથી રાજ્યવ્યાપી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની અનેક જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી રાજ્યના તમામ નાગરિકોને એક જ સ્થળેથી મળી રહે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત તા.૫-૭-૨૦૨૨ થી તા.૧૯.૭.૨૦૨૨ સુધીના ૧૫ દિવસ વંદે ગુજરાત વિકાસ યાત્રા રાજ્યભરમાં ૩૩ જિલ્લાઓ, ૮ મહાનગરો અને રાજ્યના તમામ ગામડાંઓ-વોર્ડને આવરી લેવાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ વંદે ગુજરાત વિકાસ યાત્રા મહેસુલ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, પંચાયત, પ્રવાસન, માહિતી, શિક્ષણ, સહકાર, મહિલા અને બાળ વિકાસ, પાણી પુરવઠો, આદિજાતિ, સામાજિક ન્યાય અધિકારીતા અને નાગરિક પુરવઠો સહિતના વિભાગો સહભાગી બન્યા છે. આ વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી અધતન ટેકનોલોજીથી સજ્જ રથના વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર વીતેલા બે દાયકામાં વિવિધ ક્ષેત્રે હાંસલ થયેલ સિદ્ધિઓની અને વિકાસની હરણફાળના દર્શન કરાવતી રસપ્રદ ફિલ્મોનું નિદર્શન થશે. આ ઉપરાંત વંદે ગુજરાત વિકાસ રથના આગમન પૂર્વે શાળા, પંચાયત ઘર, આંગણવાડી, દૂધ મંડળી, પશુ દવાખાના, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેવા જાહેર સ્થળો અને જાહેર માર્ગો પર સ્વચ્છતા અભિયાન, શાળાકક્ષાએ ચિત્ર અને નિબંધ સ્પર્ધા, આંગણવાડીકક્ષાએ વાનગી સ્પર્ધા, ગામમાં પ્રભાતફેરી, યોગ શિબિર અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ કે, વંદે ગુજરાત વિકાસ યાત્રાના ભાગરૂપે મહાનુભાવોના હસ્તે રપ હજારથી વધુ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, જાહેરાત અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આયુષ્માન ભારત પી.એમ.જે.એ.વાય-મા યોજના અંતર્ગત કાર્ડનું અપગ્રેડેશન કરવામાં આવશે તથા પી.એમ.જે.એ.વાય. -મા યોજનાના કાર્ડ વિતરણ માટેનો કેમ્પ અને સાથે જ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ પણ યોજાશે. રાત્રિ રોકાણ દરમિયાન ડાયરો અને સંસ્કૃતિ કાર્યક્રમ યોજી ગ્રામજનોને યોજનાકીય માહિતીની સાથે સાથે મનોરંજન પણ પીરસવામાં આવશે. આ કાર્યક્રમોમાં સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સરપંચશ્રીઓ, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે.

યુવાનોના સ્ટર્ટઅપ, ઇનોવેશન અને આઇડિયા નિહાળવા એક્ઝિબિશનની મુલાકાત લેવા મંત્રીશ્રીનો વિદ્યાર્થીઓ-યુવાઓને અનુરોધ

રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨’ નો ગુજરાત ખાતેથી શુભારંભ કરવા બદલ વડાપ્રધાનશ્રીનો વિશેષ આભાર માન્યો હતો. જે અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યુવાનોના સ્ટર્ટઅપ, ઇનોવેશન અને આઇડિયાથી ભરપુર ટેકનોલૉજીસભર આધુનિક એક્ઝિબિશન ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. વડાપ્રધાનશ્રીએ પણ આ એક્ઝિબિશન સૌ નાગરિકોએ નિહાળવા અપીલ કરી છે ત્યારે આ એક્ઝિબિશન નાગરિકો માટે વધુ પાંચ દિવસ સુધી લંબાવવાનો નિર્ણય સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તા.૪ થી ૬ જુલાઇ સુધી ખુલ્લુ રહેનાર એક્ઝિબિશન હવે તા.૧૧ જુલાઇ સુધી લંબાવવાનો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ ઉમેર્યુ કે, મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ડિજિટલ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના વિવિધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે. જેમાં સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ તૈયાર કરવામા આવ્યા છે. આ પ્રદર્શન મેળામાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ જેવા કે આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સેવાઓ કેવી રીતે સરળતાથી મળી રહે છે તે અંગેની માહિતી આપવામાં આવી રહી છે. તે ઉપરાંત યુવાનોના સ્ટર્ટઅપ, ઇનોવેશન અને આઇડિયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશનની મુલાકાત લેવા મંત્રીશ્રી વાઘાણીએ વિદ્યાર્થીઓ-યુવાઓને અનુરોધ કર્યો છે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે સાથે ટોપ એચીવર સ્ટેટ : પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાધાણી

ડીપીઆઇટીએ સુચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારા માત્ર બે રાજયોમાં ગુજરાત રાજયએ સ્થાન મેળવ્યું

States’ Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ જાહેર થયુ

પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, તાજેતરમાં જાહેર થયેલા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે સાથે ટોપ એચીવર સ્ટેટ બન્યુ છે. નોંધનીય છે કે, ડીપીઆઇટીએ સુચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારા માત્ર બે રાજયોમાં ગુજરાત રાજયએ સ્થાન મેળવ્યું છે. એટલુ જ નહિ, States’ Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ જાહેર થયુ છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવપુર્ણ બાબત છે.
મંત્રી શ્રી વાઘાણીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બિઝનેશ રિફોમ્સ એકશન સ્ટેટ તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. ૯૦ ટકાથી વધુ ફિડબેક સ્કોર સાથે ગુજરાત સમગ્ર દેશભરમાં દ્વિતિય નંબર હાંસલ કર્યો છે. આ ક્ષેત્રમાં આગામી સમયમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સઘન અને સમયબધ્ધ આયોજન થકી અસરકારક કામગીરી કરશે.
તેમણે ઉમેર્યુ કે, આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકર કરવા નિયમોનાં સરળીકરણ થકી રોકાણોને પ્રોત્સાહન આપવા ડીપીઆઇઆઇટીની પાંચમી આવૃત્તિમાં દેશનાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩૦૧ રિફોર્મ્સ સુચવવામાં આવ્યા હતા. ૧૫ જેટલા જુદા જુદા ક્ષેત્રોને આવરી લેતા આ રિફોર્મ્સમાં રોકાણની ક્ષમતા, ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ, શ્રમિક નિયમન સક્ષમતા અને વાણિજિયક વિવાદ લવાદનું નિવારણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. એક્ષપોર્ટ પ્રીપેડનેસ ઈન્ડેક્સ ૨૦૨૦ અને ૨૦૨૧માં ગુજરાતને પ્રથમ ક્રમ મળ્યો છે. એટલુ જ નહિ, ગુજરાત વિદેશી મુડીરોકાણમાં પણ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે. ડોમેસ્ટીક મુડીરોકાણમાં પણ ગુજરાતે ૧.૦૫ લાખ કરોડનું મુડીરોકાણ કરી, દેશમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું છે. આ બધી પહેલનાં પરિણામે રાજયને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કીંગમાં ટોપ એચિવર તરીકે સ્થાન પ્રાપ્ત થયુ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
મંત્રીશ્રી વાઘાણીએ કહ્યુ કે, States’ Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ જાહેર થયુ છે તે બદલ કેબિનેટ બેઠકમાં ટીમ ગુજરાતને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગુજરાત, કર્ણાટક અને મેઘાલય સ્ટાર્ટઅપ માટે મજબૂત ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટેના શ્રેષ્ઠ રાજ્યોમાં સામેલ. ગુજરાતને વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં પણ ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.