ગુજરાતમાં આડેસર પોલીસે સર્વાધિક દારૂનો જથ્થો ઝડપ્યો : આઠ મહિનામાં વિક્રમી ૩ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

રાપર : કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસરમાંથી પોલીસે છેલ્લા આઠ મહિનામાં વિક્રમી પાંચ કરોડનો દારૂ ઝડપી પાડીને કચ્છમાં દારૂની વહેનારી નદીઓને અટકાવી હતી. રાજયભરમાં આડેસર પોલીસે સર્વાધિક શરાબ પકડી પાડીને દારૂબંધીનું ચુસ્ત પાલન કરવાનો પ્રયાસ કર્યો છે.  આ અંગેની વિગતો મુજબ કછના પ્રવેશદ્વાર સમા આડેસર ચેકપોસ્ટ પરથી ઉત્તર ભારતના અનેક રાજ્યોના વાહનો કચ્છમાં આવાગમન કરે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાંથી કંડલા પોર્ટ, મુન્દ્રા અદાણી પોર્ટ તેમજ અન્ય અનેક કંપનીઓમાં માલ પરિવહનની આવજાવ થાય છે એટલે માલ સામાન સાથે દારૂ અને અન્ય બે નંબરીયા માલ સામાનની હેરફેર થાય તે સ્વાભાવિક છે. આડેસર નજીક પોલીસ ચેકપોસ્ટ પણ છે, પરંતુ રાજ્યના પોલીસવડા દ્વારા સરકારના હુકમને પગલે ચેક પોસ્ટ નાબુદ કરવાનો આદેશ કરાયો છે, ત્યારે આડેસર પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવે છે. બોર્ડર રેન્જના આઇજી જે. આર. મોથાલીયા, પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ, ભચાઉ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા, રાપર સીપીઆઇ એમ. એમ. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ આડેસરના પીએસઆઇ વાય. કે. ગોહિલના પ્રયાસોથી દારૂબંધીનું ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. જેમાં આડેસર પોલીસ સ્ટાફના હકુમતસિંહ જાડેજા, વિષ્ણુદાન ગઢવી, શૈલેષ ચૌધરી, દલસંગજી ડાભી, યોગેન્દ્ર રાજપૂત, ભરત ઠાકોર, ગાંડાભાઈ ચૌધરી, નરેન્દ્રસિંહ છાયદાર, નિકુલભાઈ સહિતનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે. આડેસર પીએસઆઈ વાય. કે. ગોહિલે આપેલી વિગતો મુજબ ગત તા. ૨/૧૦/૨૦ થી તા. ૩૦/૫/૨૦૨૧ દરમિયાન એટલે કે આઠ માસના સમયગાળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૩૨ વખત પકડવામાં આવ્યો છે. જેમાં વિવિધ પ્રકારના વિદેશી દારૂ અને મુદામાલની કિંમત રુપિયા ૫,૦૯,૮૯,૬૬૦/- થાય છે. જેમાં વિદેશી દારૂૃ રુપિયા ૨,૯૩,૪૪,૩૧૦/- અને વાહનો તેમજ અન્ય મુદામાલ ની કિંમત રૂપિયા ૨,૧૬,૪૫,૩૫૦ થાય છે. આમ માત્ર આઠ મહિનાના સમય દરમિયાન કચ્છમાં તો ઠીક પરંતુ સમગ્ર ગુજરાતમાં દારૂનો જથ્થો પકડવામાં આડેસર પોલીસ અવ્વલ નંબર પર હોય તો નવાઈ નહીં. રાજયભરમાં એક જ પોલીસ મથકમાં ત્રણ કરોડની કિંમતનો દારૂ અને બે કરોડ થી વધુ મુદામાલ પણ એક જ પોલીસ મથકમાં માત્ર આઠ માસના ગાળામાં પ્રથમ વખત પકડાયાનું આડેસર પોલીસ મથકના યુવાન ઉત્સાહી પીએસઆઇ યુવરાજસિંહ ગોહિલ ઉમેર્યું હતું. સાથે જ કહ્યું હતું કે, પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી ટીમ વર્ક દ્વારા અસરકારક કામગીરી કરી શકાઈ છે. તેમની આ કામગીરીને કારણે પીએસઆઈ ગોહિલ આડેસર તો ઠીક સમગ્ર વાગડ સહિત કચ્છભરમાં લોકચાહના મેળવી છે. કોરોનાની શરુઆત કચ્છમાં થઈ ત્યારે પણ સૌ પ્રથમ રાપર ખાતે ઈન્ચાર્જ પી.આઈ. તરીકે તેઓએ સેવા આપી હતી, જેમાં માસ્ક વિતરણની શરુઆત કરાવી હતી. તેમજ કોરોનાની ગાઈડલાઈનની અમલવારી માટે પણ તેઓએ નોંધપાત્ર કામગીરી કરી હતી.