ગીર સોમનાથઃ ઊના-ગીરગઢડા રોડ પર ટ્રેક્ટર-બાઇક વચ્ચે અકસ્માત, ૨ના મોત

(જી.એન.એસ)ગીર સોમનાથ,ઊના તાલુકાના ખાપટ ગામે રહેતા અરશી વાઘાભાઇ બાંભણિયાના પુત્ર દિપકભાઇની સગાઇ ખાણ ગામ નજીક કાજીપરા વિસ્તારમાં હતી. ખાપટ ગામેથી ભાણજી ડાયાભાઇ સોલંકી (ઉ. ૩૦), અર્જુન કરશન સાંખટ (ઉ. ૧૬) અને જીજ્ઞેશ ભાણાભાઇ બાંભણિયા (ઉ. ૧૮) બાઇકમાં ત્રિપલ સવારીમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેમની બાઇક ગીરગઢડા રોડ પર તપોવનના પાટિયા પાસે સામેથી ભંગાર ભરીને આવતા ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઇ હતી.આ અકસ્માતમાં અર્જુન કરશન સાંખટ અને જીજ્ઞેશ ભાણા ભાલિયાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. જ્યારે ભાણજી ડાયાભાઈ સોલંકીને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતનો ભોગ બનેલા યુવાનો જમીન પર પટકાયા બાદ રસ્તા પર લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા. આ બનાવને પગલે રસ્તેથી પસાર થતા વાહનો થંભી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.