ગામની આફત નિવારણ અને સજ્જતા સમિતિએ કમરકસી કોરોનાને હંફાવ્યો

ચાલુ વર્ષે મનરેગામાં ૩૨૬૨૧ માનવ દિન સાથે રૂ.૬૬.૧૨ લાખની કામગીરી થઇ

કોરોના જેવી વૈશ્વિક મહામારીથી રાષ્ટ્રને બચાવવા દરેક સ્તર પર પ્રયત્નો થાય એ જરૂરી હતું અને એ દિશામાં ગ્રામ્ય પંચાયતોએ પણ વિશેષ જવાબદારી ઉઠાવી છે ! આવી વિકટ પરિસ્થિતિમાં કોરોના સંબંધી ન માત્ર જાણકારી પહોંચાડવી પણ તેને અટકાવવા માટે લોકોનો સહયોગ અને કોરોના મહામારીની ગંભીરતા લોકોમાં લાવવી એ ખૂબ જરૂરી હતું. ભુજ તાલુકાની કુનરીયા ગ્રામવાસીઓએ સરપંચ સુરેશભાઇ છાંગાના નેજા હેઠળ આ જવાબદારી બખૂબી નિભાવી છે !

                લોકડાઉન ૨-ની જાહેરાત બાદ કુનરીયા પંચાયતે વધુ સતર્કતા દાખવી અને પોતાના ગામલોકો આ ભયાનક વાઇરસથી બચી શકે એ માટે અથાગ પ્રયત્નો કર્યા છે ! પબ્લિક એનાઉન્સમેન્ટના તમામ સાધનો લાઉડ સ્પીકર, ફોન કોલ, મેસેજ પોર્ટલ્સ, સોશ્યલ નેટવર્ક, પોસ્ટર અને રિક્ષા દ્વારા જાહેરાત કરી સતત અને નિયમિત ગામ લોકોને કોરોના સંબંધિત જાણકારી આપવાનું કામ કર્યું.  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આહવાનને કેન્દ્રમાં રાખી જનતા કરફ્યુને લોક સમર્થન મળે એ માટે લોકોને જાણકારી અપાઈ. લોકો વારંવાર સાબુથી હાથ ધોવે અને ગંદા હાથ, નાક અને મોઢા પર ન લગાવે એ માટે લોકોને માર્ગદર્શન અપાયું. જાહેર સ્થળો પર હાથ ધોવાના લિક્વિડ શોપ મૂકી હાથ ફરજીયાત ધોવા જોઇએ એવી પ્રક્રિયા દ્વારા લોકોના વર્તનમાં ફેરફાર લાવવાનો અભિગમ કેળવાયો ગામની તમામ શેરીઓ ટ્રેક્ટર સાથેના મશીન દ્વારા સેનીટાઈઝ કરવામાં આવી.

          ગ્રામ પંચાયત દ્વારા અત્યાર સુધી ૭૦૦૦૦ જેટલા માસ્ક વિતરણ કરાયા છે. નિયમિત ઘરો ઘર મુલાકાત લઇ ૩ વખત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો. જેના આધારે મોટી ઉમર અને  ગંભીર બીમારી વાળા વ્યક્તિઓની ઓળખ કરી. અને ખાસ કાળજી લેવામાં આવતી. રસીકરણની શરૂઆત થઇ ત્યાર થી અત્યાર સુધી કુનરિયા ગામના ૯૫ જેટલા લોકોએ કોરોનાની રસી લીધી છે તે માટે ગ્રામ પંચાયત દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા. ૩૦ જેટલા લોકોએ રેપીડ એન્ટીજન ટેસ્ટ પણ કરી અને સર્ટીફીકેટ મેળવ્યું. ગ્રામ પંચાયત દ્વારા મનરેગાની કામની જગ્યા અને ચુંટણીનાં મતદાન મથક પર થર્મલગન ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 

લોકડાઉન દરમિયાન આફત નિવારણ અને સજ્જતા સમિતિ દ્વારા લોકો સામાજિક અંતર રાખે, પોતાના મોઢા પર માસ્ક, રૂમાલ કે ગમછો બાંધે એ ફરજિયાત કરાવ્યું. ગામમાં શાકભાજી કે અન્ય ચીજ વસ્તુ લઈને આવતા ફેરીયાને મર્યાદિત કર્યા અને તમામ હેન્ડ ગ્લોઝ અને માસ્ક લગાવે એ ફરજિયાત કરાયું. શાકભાજી અને દૂધના ફેરિયાઓ માટે એક સ્થળ નિયત કરી ૩ સ્વયંસેવકો ૭ થી ૯ વચ્ચે દૂધ વિતરણ થાય અને ૯ થી ૧૧ વચ્ચે તમામ જરૂરી નિયમોના પાલન સાથે વેંચાણની છૂટ અપાઈ. ગામના બંને દ્વારે બે યુવાનોની ટીમ બેસાડી ગામમાં પ્રવેશતા

તમામની ઓળખ ખરાઈ કર્યા બાદ અવર જવરની છૂટ અપાઈ. સમય જતાં કેસો વધવા લાગ્યા ત્યારે ફેરીયાઓને સુપર સ્પ્રેડર તરીકે ગણતરી કરવામાં આવી અને તેઓને નિયમિત આરોગ્ય વિભાગ પાસે પોતાની તપાસણી કરાવવા અને તેનો સર્ટીફીકેટ નિયમિત લેવાનો આદેશ થતા કુનરીયા વિસ્તારના ૨૦ જેટલા ફેરીયાઓને આવા સર્ટીફીકેટ આપવામાં આવ્યા. અને તેઓ નિયમિત તપાસણી કરાવે છે કે નહિ એપણ ગ્રામ પંચાયત દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યુ હતું.  

સસ્તા અનાજની દુકાન માંથી રાશન વિતરણ એ અગત્યનો મુદ્દો હતો !  સરકાર દ્વારા વિના મુલ્યે રાશન વિતરણ થવાની વાત જાહેર થતાં લોકોના ટોળા ઉમટી પડવાની સંભાવના જોતાં વોર્ડ પ્રમાણે N.F.S.માં સમાવિષ્ટ પરિવારોને ચોક્કસ સમય આપવામાં આવ્યો. તથા તે સિવાયના પણ દરેક રાશનકાર્ડ ધારકોને નિયમ મુજબ પુરતું રાશન મળી રહે તે માટે ૩૦ મિનિટમાં ૧૫ પરિવારો સામાન લઈ જાય એવી વ્યવસ્થા કરાઈ. આ ૧૫ પરિવારો વચ્ચે સામાજિક અંતર જળવાય એની ખાસ તકેદારી રાખવામાં આવી.

ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવામાં લોકોને રોકડની જરૂર પડે તેમજ આ નાણા લેવા માટે દુર સુધી બેંક કચેરીએ ન જવું પડે એ માટે સંલગ્ન બેંક સાથે સંકલન કરી બેન્ક સદસ્યોના સહયોગથી ૧૮૯ જેટલા પરિવારોને ગામમાં સ્થાનિકે જ નાણા ઉપાડી શકે એવી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ માટે M.D.M.ના ટોકન પણ એ જ રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને બે દિવસમાં આફત નિવારણ અને સજ્જતા કમિટીના સભ્યો દ્વારા ૧૪૪ કન્યા અને ૧૩૪ કુમારોને ટોકન વિતરણ કરવામાં આવ્યું. ગામના દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ ૯૦ પરિવારોને એક મહિના સુધી ચાલે એટલું રાશન અપાવ્યું. એટલું જ નહિં પંચાયતના પ્રયત્નોથી ગામના જ ખેડૂતો પણ સહયોગી બન્યા અને તેમણે જરૂરિયાતવાળા લોકોને મફત શાકભાજી આપવાની જાહેરાત કરી માનવતા દર્શાવી !

લોકડાઉનમાં શ્રમિકો માટે રોજગારીની સમસ્યા હતી. સતત એ.પી.ઓ. સાહેબને સ્થાનિક વહીવટી તંત્રના સંપર્ક અને સંકલનના પરિણામે મનરેગા માટે શરતી છૂટ મળી; તો વનીકરણ પ્લોટમાં એક જગ્યાએ ત્રણથી વધુ શ્રમિકો ન હોય એ રીતે સાત પ્લોટોમાં આવા શ્રમિકો માસ્ક લગાવી અંતર જાળવી કામ કરી શકે એવી વ્યવસ્થા શરુ કરાઈ. અનેપછી થી અનલોક થઇ જતાં વધુ લોકોને આ કામમાં જોડ્યા. હાલ દરરોજ એવરેજ ૫૫ જેટલા લોકો કામ પર આવે છે. અને ચાલુ વર્ષે અત્યાર સુધી ૩૨૬૨૧ માનવદિન સાથે ૬૬.૧૨ લાખ રૂપિયાનું કામ થયું છે. જેમાં ૬૬.૭૫ % બહેનો છે.

લોક ડાઉન થી શિક્ષણ ઉપર ખુબજ વિપરીત અસર પડી અને ગ્રામ પંચાયત માટે ચિંતા નો વિષય હતો. રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ શરુ કરતાં ડીડી ગીરનાર પર રજુ થતા કાર્યક્રમનો સમયપત્રક દરેક બાળક સુધી પહોચે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા. સમય જતા ઉચ્ચ પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે શાળા શરુ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. લગભગ ૧૧ મહિના પછી શાળા શરુ થાય તો સ્વાભાવિક રીતે બાળકોની હાજરી પર અસર થાય. તેથી બાળકોને એવું વાતાવરણ ફરી મળે તે માટે શાળા સમિતિ અને ગ્રામ પંચાયત દ્વારા “બેક તો સ્કુલ “નામનું કાર્યક્રમ કર્યું. બાળકોમાં શિક્ષણની રૂચી રહે તે માટે ફળિયાઓમાં ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી. જ્યાં શાળાના શિક્ષકો જઈ ભણાવે છે.

 લોકડાઉન દરમ્યાન ૩ પરિવારોને હોમ ક્વોરોનટાઈન કરવામાં આવેલા, તેમજ ૩ પરિવારોની “ગ્રામ આરોગ્ય સંજીવની સમિતિ” દ્વારા નિયમિત દેખરેખ કરવામાં આવી. તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રના સતત માર્ગદર્શન હેઠળ કોરોના સંબંધિત જાણકારી અને બચવાના તમામ ઉપાયો ગામમાં લાગુ કરાયા છે.

“બાબતે સરપંચશ્રી જણાવે છે કે, “આગામી દિવસોમાં કોરોના સંબધિત બચાવ માટે જરૂર પડ્યે જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શાળા અને આરોગ્ય કેન્દ્રમાં વ્યવસ્થા કરવાનું આયોજન છે. જો લોકડાઉનમાં હળવી છૂટ આપવામાં આવે તો પણ મહત્વની ભૂમિકા ભજવી કોરોનાથી લોકોને બચાવવા પંચાયત સતત પ્રયત્નશીલ રહેશે. લોકોને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ સરળતાથી સતત ઉપલબ્ધ રહે તે માટે તકેદારી રાખી આયોજન ગોઠવીશું.”