ગામડાઓમાં વકર્યો કોરોના, ૩૬ ગામો ૯૦ દિવસ માં ૮ હજારથી વધુ કેસ, ૯૭૬ મોત

(જી.એન.એસ)ગાંધીનગર,કોરોના શહેરોના સીમાડા ઓળંગીને ગુજરાતના ગામડાઓ સુધી પહોંચી ગયો છે. ઘણા શહેરોમાં સ્થિતિ વણસી રહી છે. સરકાર ભલે મારું ગામ, કોરોનામુક્ત ગામ અભિયાન ચલાવતી હોય પણ ગામોમાં કેસ અને મોતની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દિવ્ય ભાસ્કરે અત્યંત સંક્રમિત એવા ૩૬ ગામોની જમીની હકીકતો મેળવી હતી. જે મુજબ ભાવનગર, વડોદરા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં છેલ્લા ૯૦ દિવસમાં ૯૭૬ લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.સરકાર ભલે આંકડા છુપાવવાનો પ્રયાસ કરતી હોય પણ ગામોના પાદરે સળગી રહેલી ચિતાઓ સરકારના આંકડાની પોલ ખોલી રહી છે. સ્થિતિનો અંદાજ એ વાતથી પણ મળે છે કે વડોદરા જિલ્લાના કોટલી, આંખોલ અને પિપરીયા ગામમાં ત્રણ નવા કામચલાઉ સ્મશાન બનાવવા પડ્યા છે. ભાવનગર જિલ્લાના ચાર ગામોમાં ૫૦ દિવસમાં જ ૨૨૫ મોત થયા છે. સૌથી વધુ મોત ૧૩ હજારની વસ્તી ધરાવતા યોગઠ ગામમાં નોંધાયા છે. જ્યાં ગત ૨૦ દિવસમાં આશરે ૯૦ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.આ ગામના ઋષિ નામે જાણીતા નિવૃત્ત શિક્ષક ગિરજાશંકર જોશીએ જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા ૨૦ દિવસમાં ૯૦થી ૧૦૦ લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અહીં રોજ આશે ૫થી ૭ લોકોનું મૃત્યું થઈ રહ્યું છે. આ જ સ્થિતિ રંધોળા ગામની છે. આશરે ૧૦ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં બે મહિનામાં ૭૦ લોકોના મોત નિપજ્યાં છે. આશરે ૧૩ હજારની વસ્તી ધરાવતા ઉમરાળા ગામમાં પણ અત્યાર સુધી ૩૦ લોકોના મોત નોંધાયા છે.ભાવનગર જિલ્લાના ચોગઠમાં ૯૦, ઉમરાળામાં ૩૫, લીમડામાં ૩૦ અને રંધોળામાં ૭૦ લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટના આંબરડી ગામે ૧૫ દિવસમાં જ ૪૯ લોકોના મોત થયા છે. જિલ્લાના દેરડી કુંભાજી અને મોટીમારડમાં અનુક્રમે ૩૦ અને ૪૫ના મોત થયા છે.ગીર સોમનાથના ગામોમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. કોડીનાર તાલુકાના દેવલીમાં એક મહિનામાં ૨૨ લોકો મોતને ભેટ્યા હતા તો ડોલાસામાં એક મહિનામાં ૪૫ મોત થયા હતા. ગામના લોકોનું કહેવું છે કે ટેસ્ટ કીટના અભાવે સંક્રમણનો ફેલાવો પામી શકાતો નથી.