ગાડીમાંથી લેપટોપ સહિત ૫.૫૦ લાખની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદ શહેરમાં ગાડીના કાચ તોડીને કિંમતી વસ્તુઓ તેમજ રોકડ રકમની ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ફોરેસ્ટ ઓફિસરને ગાડીમાં લેપટોપ અને રોકડા સાડા પાંચ લાખ રૂપિયા મૂકીને મિત્ર સાથે શૉપિંગ કરવા જવું ભારે પડ્યું છે.મહીસાગર ખાતે ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી કરતા દિગ્વિજયસિંહ સોલંકી ગઈકાલે જ તેમની પત્ની અને સહકર્મચારી સાવનભાઈ સાથે ગાડી લઇને તેમના ગામ સાંતેજ ગયા હતા. ત્યાંથી બેંક ઓફ ઇન્ડિયા માંથી રૂપિયા ૫ લાખ ૫૦ હજાર ઉપડ્યા હતા. આ પૈસા લઈને તેઓ તેમના મિત્રને મળવા માટે થોળ પક્ષી અભ્યારણ ખાતે ગયા હતા અને બાદમાં તેમના પત્નીને પિયરમાં મૂકવા માટે રાણીપ પોલીસ લાઈન પર ગયા હતા. ત્યાંથી તેમના મિત્ર સાવનભાઇને ખરીદી કરવાની હોવાથી બંને ગાડી લઈને વિસત ગાંધીનગર રોડ પર આવેલ ડી-કેથલોન શૉરૂમમાં ગયા હતા.આ દરમિયાન તેમની ગાડી ડી-કેથલોન શૉરૂમના આગળના ભાગે કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. જેમાં એક લેપટોપ, રૂપિયા ૫ લાખ ૫૦ હજાર રોકડા અને ચેકબુક હતી. ખરીદી કરીને પરત આવીને જોતા તેમની ગાડીનો કાચ તૂટેલા હતો અને ગાડીમાંથી રોકડા, લેપટોપ અને ચેકબૂક ગાયબ હતા. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.