ગાજરાવાડી ખાતે મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણઃ બે મહિલાઓ ઇજાગ્રસ્ત

(જી.એન.એસ.)વડોદરા,વડોદરાના ગાજરાવાડી ખાતેના તુલસીવાસની ચાલીમાં મોડી રાત્રે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આમને-સામને આવી ગયેલા બંને જૂથો વચ્ચે થયેલી મારામારીમાં બે મહિલાઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત હુમલાખોરોએ એક મકાન ઉપર પથ્થરો મારી બારીઓના કાચ તોડી નુકશાન પહોંચાડ્યું હતું. મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલી હિંસક મારા મારીના બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.આ બનાવની વિગત એવી છે કે, ગાજરાવાડી વિસ્તારમાં તુલસીવાસની ચાલીમાં રહેતા વિશાલ મહેશભાઇ રબારીના કાકા હરીશભાઇ રબારી અગાઉ થયેલા ઝઘડામાં તેમના મિત્ર ચેતન ઉર્ફ ભયલુની ફરિયાદમાં સાક્ષી રહ્યા હતા. જે અંગેની અદાવત રાખી ગાજરાવાડી વિસ્તારમાં રહેતા સાગર ઉર્ફ મધુ દિનેશ ઠાકોર, મિતેશ ઉર્ફ મિતો ભરત રાજપુત, ભરત રાજપુત અને કરણ રાજપુત એક જૂથ થઇ મોડી રાત્રે કાકા-ભત્રીજા સાથે ઝઘડો કરી માર મારી હરીશભાઇ રબારીના મકાન ઉપર પથ્થરો મારી નુકશાન પહોંચાડ્યું હતું.મોડી રાત્રે ચાર હુમલો ખોરો વિશાલ રબારીના ઘર પાસે આવી ગાળો બોલાવી વિશાલ અને હરીશ રબારીને ઘરની બહાર આવવા માટે પડકાર ફેંક્યો હતો. લાકડીઓ સાથે ધસી આવેલા હુમલાખોરોએ હરીશ રબારીને જણાવ્યું હતું કે, તું સાક્ષીમાં કેમ રહ્યો હતો. તેમ જણાવી માર માર્યો હતો. તે સાથે વિશાલને પણ ફેંટો મારી ઇજા પહોંચાડી હતી. તે સાથે હુમલાખોરોએ વિશાલના કાકી મનિષાબહેન અને દાદી દેવુબહેન ઉપર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મનિષાબહેન રબારીને સામાન્ય ઇજાઓ પહોંચી પણ હતી.
મોડી રાત્રે ગાજરાવાડી વિસ્તારમાં થયેલી જૂથ અથડામણની જાણ વાડી પોલીસને થતાં તુરત જ વાડી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને મામલો થાડે પાડ્યો હતો. તે સાથે વિશાલ રબારીની ફરિયાદના આધારે ચાર હુમલાખોરો સાગર ઉર્ફ મધુ દિનેશ ઠાકોર, મિતેશ ઉર્ફ મિતો રાજપુત, ભરત રાજપુત અને કરણ રાજપુત સામે ગુનો નોંધી તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, હુમલાખોરો રાત્રે ફરાર થઇ ગયા હોવાથી પોલીસને હાથ લાગ્યા ન હતા.