ગાંધીનગર કોર્ટમાં એક ન્યાયાધીશ સહિત ચાર કોરોના પોઝિટિવઃ કોર્ટ પરિસરમાં ફફડાટ

(જી.એન.એસ.)ગાંધીનગર,ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો બાદ ગાંધીનગર કોર્ટમાં પણ કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. ગાંધીનગર કોર્ટના બે વકીલોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે એક ન્યાયાધીશ અને એક સ્ટેનોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્ટ પરિસરમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા કોર્ટના અન્ય ન્યાયાધીશો તેમજ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવાયા છે.ગાંધીનગર શહેર રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કોર્ટમાં પણ કોરોનાએ પગ પેસારો કરતા વકીલો સ્ટાફને ન્યાયાધીશોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. કોરોના કાળ દરમિયાન કોર્ટ બંધ કરી દેવાતા વકીલોની હાલત કફોડી બની જવા પામી હતી. એકાદ વર્ષથી કામકાજ ઠપ્પ થયા બાદ હજી કોર્ટ હમણાં જ ચાલુ થઈ છે. ત્યારે કોર્ટ ખુલતા વકીલોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી ત્યાં ફરી કોરોનાએ હાહાકાર મચાવતા ચિંતા પ્રસરી ગઇ છે.ત્યાં કોર્ટમાં બે વકીલો બાદ એક ન્યાયાધીશને પણ કોરોનાએ ભરડામાં લઈ લેતા કોર્ટ બંધ કરવાની પરિસ્થિતિ ફરી નિર્માણ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગાંધીનગર કોર્ટમાં કોરોના કેસો સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટના ન્યાયાધીશોને તેમજ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું હાલમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.