ગાંધીનગરના વકિલની ટુ-વ્હિલરની ડેકી તોડી ૨ લાખની ઊઠાંતરી

(જી.એન.એસ.)ગાંધીનગર,ગાંધીનગરમાં ચાલતા એલઆરડી આંદોલન સમયે આંદોલનકારીઓ સાથે સક્રિય ભૂમિકા ભજવનાર ગાંધીનગરનાં વકીલની ઓફિસ આગળ પાર્ક કરેલી ડયૂટની ડેકી તોડી અજાણ્યા ઈસમો રૂ. ૨ લાખની ઉઠાંતરી કરીને નાસી જતાં સેકટર-૭ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર આગળ વધાર્યો છે.
ગાંધીનગરના સેકટર-૧૪ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા વકીલ રજનીકાંત હરેશભાઈ ચૌહાણ સેકટર-૩ /એ ખાતે આવેલ લાભ કોમ્પલેક્ષમાં દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવી સમાજ સેવા કરી રહ્યા છે. ભૂતકાળમાં રાજય સત્યાગ્રહ છાવણી ખાતે એલ.આર.ડી ઉમેદવારો દ્વારા સરકાર સામે આંદોલન છેડવામાં આવ્યું હતું. તે વખતે રજનીકાંત ચૌહાણ દ્વારા આંદોલનકારીઓનાં સમર્થનમાં સક્રિય ભૂમિકા અદા કરવામાં આવી હતી.ગઈકાલે બપોરના સમયે રજનીકાંતભાઈ તેમના મિત્રને પૈસા આપવાના હોવાથી સેકટર-૧૦ માં આવેલી એસબીઆઈ બેંકમાં ડયૂટ લઈને ગયા હતા. જેમણે બેંકમાંથી રૂ. ૨.૫૦ લાખ ઉપાડીને ડયૂટની ડેકીમાં મૂક્યા હતા. જ્યાંથી તેઓ સેકટર-૩માં આવેલી પોતાની ઓફિસ આવ્યા હતા. જ્યાં કોમ્પલેક્ષ આગળ ડયૂટ પાર્ક કરીને ઓફિસમાં જમવા બેઠા હતા. તે દરમિયાન માત્ર દસ મિનિટના ગાળામાં કોઈ અજાણ્યા ઈસમો ડયૂટની ડેકી તોડીને અંદરથી રૂ. ૨ લાખની ઉઠાંતરી કરી નાસી ગયા હતા.
આ બનાવના પગલે રજનીકાંતભાઈએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પણ રૂપિયાનું પગેરૂ મળી આવ્યું ન હતું. આખરે તેમણે સેકટર-૭ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કોમ્પલેક્ષ તેમજ એસબીઆઈ બેંક ઉપરાંત સર્કલોના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી.