ગાંધીધામ રેલવે સ્ટેશન પાછળ ૨ વર્ષના બાળકનું અપહરણ કરનારા બે શખ્સો ઝડપાયા

બાળક ન થતું હોવાથી અપહરણ કરનારને આંધ્રપ્રદેશથી શોધી કાઢતી પોલીસ : બાળકના પિતાના મોબાઈલ ફોનને ટ્રેક કરી તેમજ સીસીટીવી ફુટેજને આધારે પોલીસે ગુનાનો ઉકેલ્યો ભેદ

ગાંધીધામ : અહીંના રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે ટ્રેકનું કામ કરતા પરિવારના બે વર્ષના બાળકનું અપહરણ કરનારા બે શખ્સોની અમદાવાદ એલસીબી અને પશ્ચિમ રેલ્વે એસઓજીની ટીમે ધરપકડ કરી હતી. અપહરણના આ બનાવમાં પોલીસે એક શખ્સની ગાંધીધામમાંથી અને અન્ય શખ્સની આંધ્રપ્રદેશથી અટક કરીને બાળકને બચાવી તેના વાલીઓને સુપરત કર્યો હતો. આ બનાવની વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના રહેવાસી અકુભાઈ થાવરીયા બીલવાડ (ઉ.વ. ૩૦) ગાંધીધામ રેલ્વે સ્ટેશન ખાતે તેમની પત્ની અને બે વર્ષના બાળક સાથે રહેતા હતા. ગાંધીધામ રેલ્વે સ્ટેશન યાર્ડમાં રેલ્વે ટ્રેકની મજુરી કામ કરતા હતા. તેઓ ગાંધીધામ રેલ્વે સ્ટેશન પાછળ ડામર રોડની બાજુમાં તંબુ બાંધીને રહેતા હતા. ગત ૧૩મી માર્ચ ૨૦૨૧ના રોજ મોડી રાત્રે પરિવાર ઉંઘી રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ અકુભાઈના બે વર્ષના બાળકનું અપહરણ કરી ગયો હતો. ઉપરાંત તેમનો મોબાઈલ પણ ચોરી લીધો હતો. બનાવને પગલે પશ્ચિમ રેલ્વે પોલીસ વિભાગના એસ.પી. પરિક્ષીતા રાઠોડની સૂચનાથી અમદાવાદ એલસીબી અને એસઓજી
પશ્ચિમ રેલ્વેના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં સીસીટીવી ફુટેજમાં બાઈક પર બે શખ્સો બાળકને લઈ જતા હોવાનું દેખાયું હતું. તે સિવાય પોલીસે અકુભાઈના ચોરીના મોબાઈલને આધારે તપાસ કરતા આ ફોન ગાંધીધામના ગણેશનગરમાં રહેતા મહોંમંદ સદામ મહોંમદ સમસુર અન્સારી દ્વારા ઉપયોગ કરતો હોવાનું જણાયું હતું. આથી પોલીસે પોલીસે મહોંમદ અન્સીરીની અટક કરી હતી. અને પુછપરછમાં તેણે સ્વામી સુબ્રમણીયમ બાલયોગી નામના શખ્સ બાળકનું અપહરણ કર્યું હોવાનું જણાવતા પોલીસે આંધ્રપ્રદેશ જઈને આરોપી સુબ્રમણ્યમ બાલયોગી દોનાબોઈના (ઉ.વ. ૪૮)ની ધરપકડ કરી હતી. તેના કબ્જામાંથી અપહરણ કરાયેલું બે વર્ષનું બાળક પણ મળી આવ્યું હતું. આરોપીની પુછતાછમાં તેને બાળક ન થતું હોવાના કારણે અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું.