ગાંધીધામ-ભુજ-માધાપરમાં હોલસેલની સરખામણીએ રીટેલ બજારમાં ફળોના વસુલાય છે તગડા ભાવ

  • અંજાર મામલતદારથી અન્ય શીખ મેળવે

અંજારમાં તંત્રએ ભાવો નિયંત્રિત કર્યા : ગાંધીધામ-ભુજ સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં કયારે કરશે ? હોલસેલ બજાર અને રીટેલ બજારના ફ્રુટ- શાકભાજીના ભાવોમાં જમીન – આસમાનનો તફાવત

ભુજ : કોરોના મહામારીમાં ઈમ્યુનિટી વધારવા ફળોની જરૂરીયાત વધતા ભાવો આસમાનને આંબી ગયા છે. લાંબા સમયથી ઉંચા ભાવોની ફરિયાદો વચ્ચે તંત્રએ કોઈ કામગીરી કરી નથી. અંજારમાં મામલતદારે ભાવ બાંધણું નક્કી કર્યું છે ત્યારે હોલસેલ અને રીટેલ બજારમાં કેવા ભાવો લેવાય છે તે અંગે કચ્છઉદયની ટીમે ફ્રુટના ભાવો જાણ્યા હતા. હોલસેલની સરખામણીએ રીટેલ વેપારીઓ બંધ બારણે વધારે ભાવ વસુલે છે, પરંતુ ઓન કેમેરા ભાવો નિયંત્રીત દેખાડે છે.
બધા સંપીને ર૦૦ થી રપ૦ રૂપિયા લે છે, પરંતુ સ્વીકારતા નથી. જેથી ગરીબ માણસો નીશાકા નાખી ફ્રુટ લીધા વગર ચાલ્યા જાય છે. ગરીબ માણસો ફ્રુટની ખરીદી કરી શકતા નથી. અત્યારે ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે, ત્યારે મહામારીની સ્થિતિમાં ઉભી કરાયેલી કૃત્રિમ મોંઘવારીથી લોકો પરેશાન છે.ભુજની એપીએમસીના હોલસેલ માર્કેટના વેપારી મેહુલ ઠક્કરે કહયું કે, તરબુચના ૩ થી ૬, પપૈયાના ૧૦ થી ર૦, સફરજનના ૧૯ કિલોના બોકસના ૩૦૦૦ (કિલો દીઠ રૂા. ૧પ૦ થી ૧૬૦) સહિતના ભાવો હોવાનું જણાવ્યું હતું તો આયુષી એજન્સીના વેપારીએ કહ્યું કે સંતરાના ૧૦૦ થી ૧૧૦, મોસંબીના પ૦ થી ૮૦ જેટલા ભાવો છે. હાલમાં ઉનાળો હોવા છતાં કેરીની ડિમાન્ડ નથી. લોકો મોસંબી અને સંતરાની વધારે માંગ કરે છે. જેથી આંબાની ડિમાન્ડ ઘટી ગઈ છે.એક સમયે ભાવો આસમાને આંબી ગયા હતા. જો કે, બે ત્રણ દિવસથી ભાવમાં સ્થિરતા આવી હોવાનું કહ્યું હતું. આજ ભાવો અંગે માધાપરની રીટેલ માર્કેટમાં તપાસ કરતા સફરજનના ર૦૦ થી રપ૦, દ્રાક્ષના ૧ર૦, પેરૂ ર૦૦, કીવી ૧પ૦, કમલમ ર૦૦, તરબુચના ૧પ થી ર૦, સકરટેટીના ૩૦ થી ૪૦, સંતરાના ૧પ૦ થી ર૦૦ ભાવ હોવાનું જાણવા મળ્યું હતું. રીટેલ વેપારીઓ આ ભાવ જણાવી ગ્રાહક પાસેથી વધુ ભાવ વસુલે છે ત્યારે એવું તારણ આપે છે કે કવોલિટીમાં ફેર છે, જેથી ભાવ વધારે છે. તો ભુજની વાણિયાવાડ માર્કેટમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, સફરજનના ર૦૦ થી ૩૦૦, દ્રાક્ષના ર૦૦ થી ર૪૦, પાઈનેપલના ૮૦ થી ૧ર૦, મોસંબીના ૧૦૦ થી ર૦૦, કેળાના ૩૦ થી ૪૦, કીવી ત્રણ પીસના ૧૬૦ થી ર૦૦, ડ્રેગનફ્રુટ ૩૦૦, સંતરાના ૧પ૦ થી ૩૦૦, સકર ટેટીના ૩૦ થી ૬૦ રૂપિયા કિલોદીઠ ભાવ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. તો મહિલા આશ્રમ પાસે ભરાતી શાકમાર્કેટમાં ભુજના સૌથી વધુ ભાવ વસુલાતા હોવાનું ગ્રાહકોએ કહ્યું હતું.શાકભાજીના ભાવોમાં પણ ર૦ થી ૩૦ ટકાનો વધારો છે. પંચરંગી શહેર ગાંધીધામ – આદિપુરની બજારોમાં પણ આજ સ્થિતિ હોવાનું સ્થાનીકેથી જાણવા મળ્યું છે. આવી મહામારીની સ્થિતિમાં વધુ ભાવો લેવા યોગ્ય નથી. માનવતા દર્શાવી કાછિયાઓ વધુ નફો ન રડે તે જરૂરી છે.

નખત્રાણાના લોકોની એક જ માંગઃફળના ભાવો અંકુશમાં લાવો

નખત્રાણા : હાલ વૈશ્વિક મહામારીએ માથું ઊંચક્યું છે તેમજ ઋતુજન્ય રોગો પણ વધતા ઘરો ઘર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે આવા સમયે જરૂરી એવા ફળફળાદિના ભાવોમાં પણ નખત્રાણામાં કોઈ જ નિયંત્રણ રહ્યું નથી, જેના કારણે નાનો માણસ આ ફ્રુટ ખરીદી શકે નહીં જે માટે જવાબદાર તંત્રએ આવા ભાવો અંકુશમાંં લાવવા બેઠક બોલાવવી જોઈએ, જેથી આવી મહામારીમાં નાના માણસને પણ આવા ફ્રુટ મળી શકે. તાજેતરમાં અંજારમાં કોરાના મહામારીને કારણે ફળોના ભાવમાં આવેલ વધારાને અંકુશમાં લેવા મામલતદારે મિટિંગનું આયોજન કરી ભાવ નિયમન કર્યું હતું. અંજારમાં મોસંબી ૭૦ થી ૯૦નો ભાવ છે. જ્યારે નખત્રાણામાં મોસંબી ૧૪૦ રૂપિયા કિલો અને સફરજન ૨૫૦ થી ૩૦૦ રૂપિયા કિલો છે તેમજ નાળિયેરના તો ૪૦ થી ૫૦ ભાવ છે. આવામાં નાનો માણસ શું ફ્રુટ ખરીદે ? નખત્રાણામાં પણ ફળોના ભાવ નિયમન કરવા મામલતદાર કાર્યવાહી કરે એવી લોકમાંગ ઉઠી છે.