ગાંધીધામ નગરપાલિકાનું ર૩૦.૯પ કરોડનું અંદાજ પત્ર પસાર

નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ : સુધરાઈના બજેટમાં ૧૮૮.૯૧ કરોડની આવક સામે ૧૮૬.પ૮ કરોડનો ખર્ચ દર્શાવાયો : ૪૪.૩૬ કરોડની પુરાંત સાથેનું બજેટ રજૂ કરાયું

ગાંધીધામ : આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ગાંધીધામ નગરપાલિકાનું વર્ષ ર૦ર૧-રરનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાનું ર૩૦.૯પ કરોડનું બજેટ સામાન્ય સભામાં પસાર કરવામાં આવ્યું છે.ગાંધીધામના ટાઉન હોલ ખાતે નગરપાલિકાની બજેટ સામાન્ય સભા યોજવામાં આવી હતી. શરૂઆતમાં ઉપસ્થિત કાઉન્સિલરોનું સ્વાગત બાદ કોરોનામાં મોતને ભેટેલા લોકો માટે મૌન પાળવામાં આવ્યું હતું. ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતા ટીલવાણી અને ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાની અધ્યક્ષતામાં બજેટ સામાન્ય સભા યોજાઈ હતી. નગરપાલિકા દ્વારા ર૩૦.૯પ કરોડનું અંદાજ પત્ર પસાર કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૧૮૮.૯૧ કરોડની આવક દર્શાવામાં આવી છે. ટેક્સ, મિલકત્ત ભાડા, ફી, પરચુરણ આવકો, ખાસ અધિનિયમની આવક ર૯.૧પ દર્શાવાઈ છે, જ્યારે સરકારની સહાયો ૧પપ.૬૭ કરોડ તેમજ અનામતો મળી આવક રજૂ કરવામાં આવી છે, જ્યારે ૧૮૬.પ૮ કરોડનો ખર્ચ બજેટમાં દર્શાવાયો છે. જેમાં સામાન્ય વહીવટી વિભાગ, ઈ-ગર્વનર્સ, આવશ્યક સેવાઓ, મરજિયાત સેવાઓ, વિકાસ યોજના, સરકારી ગ્રાન્ટમાંથી કરવાના કામો વગેરે દર્શાવાયા છે. નગરપાલિકા દ્વારા ૪૪.૩૬ કરોડની પુરાંત વાળુ બજેટ સામાન્ય સભામાં રજૂ કરાયું હતું. વિપક્ષના વિરોધ વચ્ચે આ બજેટને બહાલી અપાઈ છે. આ સામાન્ય સભામાં કારોબારી ચેરમેન પુનિત દુધરેજિયા સહિત ભાજપ-કોંગ્રેસના નગર સેવકો હાજર રહ્યા હતા.

સભાનું સંચાલન ઉપપ્રમુખે કરતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો

ગાંધીધામ : ટાઉન હોલમાં યોજાયેલી સામાન્ય સભામાં શરૂઆતથી વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ પાસે ૪૭ તો કોંગ્રેસ પાસે પાંચ સભ્યોનું સંખ્યાબળ છે. શાસક પક્ષ ભલે મજબૂત હોય, પરંતુ વિપક્ષે શરૂઆતથી જ અવાજ ઉપાડ્યો હતો. સામાન્ય સભાના પ્રારંભે ઉપપ્રમુખ દ્વારા ઉપસ્થિતિનોનું સ્વાગત કરાયું હતું. બાદમાં ઉપપ્રમુખ દ્વારા સભા ચલાવતા વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવાયું હતું અને જણાવાયું કે, સભા પ્રમુખ અથવા ચીફ ઓફિસર દ્વારા ચલાવવામાં આવે. તેમજ વિપક્ષી કાઉન્સિલર સમીપ જોષીએ જણાવ્યું કે, જે સ્થળે નાટકો થતા હોય તેવા રંગમંચની જગ્યા પર સામાન્ય સભા થાય નહીં. છેલ્લા ૩પ વર્ષથી નગરપાલિકા પર ભાજપનું શાસન છે, પરંતુ પર સભ્યો બેસી શકે તેવા કોન્ફરન્સ હોલ પણ નગરપાલિકા બનાવી શક્યું નથી તેવા પ્રહારો કરાયા હતા.