ગાંધીધામ અને લુધિયાણામાં નકલી કંપનીઓ બનાવી આચરાયું આઈટીસીનું મહાકૌભાંડ

ગુવાહાટી ઝોનલ યુનિટના જીએસટી ઈન્ટેલીજન્સ દ્વારા કરાઈ કાર્યવાહી

આસામ ઝોનલ યુનિટ ત્રાટકી અને ગાંધીધામમાં જીએસટીના બોગસ આઈટીસી રીફંડ સ્કેમમાં કાગળ પરની કંપનીના કારસ્તાનને ખુલ્લુ પાડી દીધુ..તો ગાંધીધામ સીજીએસટી એકમ શું અગરબત્તી કરવા છે? અહીના અધિકારીઓને આવી બોગસ કંપનીઓ મારફતે ખોટી ઈનપુટ ટેકસ ક્રેડિગના કરોડોના કૌભાંડ અને ગફલાની કેમ ગંધ શુદ્ધા નથી આવતી? કે પછી અહીના ટોંચના અધિકારીઓથી લઈ અને ઈન્સપેકટર કક્ષાનાઓ ખુદ આવી બોગસ પેઢીઓમાં ધરાવી રહ્યા છે ભાગીદારી? : જાણકારોનો સવાલ

ગાંધીધામ : નકલી ઈન્વોઈસિંગના ૩૩૮ કરોડના કૌભાંડમાં આસામમાં કરાયેલી કરચોરીનો પર્દાફાશ થયો છે. જેમાં જીએસટી ઈન્ટેલીજન્સે એક ઉદ્યોગપતિ અને એક ટેકસ કન્સલટન્ટની ધરપકડ કરી છે. ઉદ્યોગપતિ આરોપીએ ગાંધીધામ અને લુધિયાણામાં વધુ બે નકલી કંપનીઓ કાગળ પર દર્શાવીને માલની સપ્લાય કરવાનું બોગસ ઈન્વોઈસિંગ કર્યું હોવાનું સામે આવવા પામ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ ગુવાહાટી ઝોનલ યુનિટના જીએસટી ઈન્ટેલીજન્સના ડાયરેકટોરેટ જનરલે જણાવ્યું હતું કે, આ કૌભાંડ પાછળ એક ઉદ્યોગપતિ અને એક ટેકસ કન્સલટન્ટનો હાથ છે. મારૂતિ ટ્રેડર્સ નામની કંપનીના માલિક અમિતકુમાર અને ટેકસ કન્સ્લટન્ટ સૌરવ બાજોરીયાની જીએસટી એકટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ બેલડીએ ઈનપુટ ટેકસ સાથે સંકળાયેલ નકલી ક્રેડીટ પેદા કરી હતી. અમિતકુમારે કોલસાની નકલી ઈન્વોઈસિંગ મેળવીને ઈન્પુટ ટેકસ ક્રેડીંગ મેળવવા કૌભાંડ આચર્યું હતું. આ માટે તેણે ગુજરાત, પંજાબ, દિલ્હીથી તેમના ગુવાહાટી સ્થિત યુનિટે કોલસાની ખરીદી કરી હોવાનું બતાવ્યું હતું. ત્યાર બાદ યુનિટ દ્વારા આ કોલસો સિમેન્ટ ઉત્પાદકોને આપવામાં આવ્યો હોવાની નકલી ઈન્વોઈસિંગ બતાવાઈ હતી. આરોપી અમિતકુમારે લુધિયાણા અને ગાંધીધામમાં પણ મારૂતિ ટ્રેડર્સ નામથી વધુ બે નકલી કંપનીઓ કાગળ પર બનાવીને માલ સપ્લાય કર્યો હોવાનું જણાવ્યું હતું. તો ટેકસ કન્સલટન્ટની ભૂમિકા અંગે ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેણે અમિતકુમાર સાથે જોડાણ કર્યું હતું અને છેતરપિંડીના અમલ માટે તે કારણભૂત બન્યો હતો. સૌરવ અમિતકુમાર હિસાબી દસ્તાવેજો જાળવી રાખતો હતો અને નાણાકીય વ્યવહારો તૈયાર કરીને કાયદાકીય જપટમાંથી બચવવા પેંતરા કર્યા હતા. જો કે, જીએસટી ઈન્ટેલીજન્સે બન્ને આરોપીઓની ધરપકડ કરી ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા ૧૪ દિવસની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.