ગાંધીધામમાં વરસાદી ધોવાણના રસ્તાઓની કરોડોની ખાસ ગ્રાન્ટ ગેરવલ્લેની ચકચાર..!

  • ગત વરસે કાગળ પર બનેલા રસ્તાઓનું થઈ ગયુ કચ્ચરઘાણ

ઠેકેદારોની હાલત તો સુડી વચ્ચે થઈ છે સેાપારી જેવી : ગત વરસે અતિ ભારે વરસાદના પગલે સરકારે ૧ર કરોડની ખાસ ગ્રાન્ટ રોડ-રસ્તા રીપેર કરવા તાત્કાલીક મંજુર કરી, પણ ઠેકેદારોએ વર્કઓર્ડર વખતે જ તત્કાલીન બોડીને આપી દીધો હતો હિસાબ, હવે આજે બીજો વરસાદ આવી પહોંચ્યો છતા તે રસ્તાઓ તો ન જ બન્યા, હવે ફરીથી આ રસ્તાઓ બનાવવા હોય તો નવી બોડીને પણ ઠેકેદારોએ આપવો પડે હિસાબ : ડામરના વધી ગયેલા ભાવ, જુની બોડી તગડો મેડ કરી ગઈ, હવે ફરીથી નવી બોડીને હિસાબ આપવાનું ઠેકેદારને કોઈ પણ રીતે ન પોષાય..!

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા ગત વરસે ખાસ કિસ્સામાં વરસાદી ધોવાણથી તુટી ગયેલા રસ્તાઓ ફરીથી બનાવવા માટે નગરપાલિકાઓને તગડી રકમની ફાળવણી કરી હતી અને ગાંધીધામમા પણ આવા રસ્તાઓ બનાવવા માટે અંદાજિત ૧ર કરોડની સ્પે. ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. આ રકમનો પ્રજાની સુખાકારી અર્થે સાચી રીતે ઉપયોગ કરવાના બદલે તે વખતે જે તે વિસ્તારના નગરસેવકોએ લાગવગ લગાડી અને જે રસ્તાઓ સારા હતા તેને જ ફરીથી બનાવવાની ગેાઠવણો તેરી ભી ચુપ મેરી ભી ચુપની સાંઠગાંઠ કરીને કરાવી દીધા હતા અને ઉબડખાબડ તથા વરસાદથી જે રસ્તાઓના સદંતર ધોવાણ થવા પામી ગયા હતા તે જસના તસ જ રહી જવા પામી ગયા હતા.
હાલના સમયે આ રસ્તાઓ ખુબજ ત્રાસદાયક અને પીડારૂપ બની ચૂકયા છે. વરસાદ પડશે એટલે તો આ રસ્તાઓનુ સદંતર ધોવાણ જ થઈ જશે અને ગાડાવાટ જ પીએમ મોદીના સ્માર્ટસીટીમાં જોવા મળી જશે તો પણ નવી નવાઈ નહી કહેવાય. અહી લોકો સવાલ કરી રહ્યા છે કે, ગત વરસે કરોડોની ગ્રાંટ આવા રસ્તાઓ માટે ફાળવવામાં આવી હતી તો પછી તે રસ્તાઓના કામો ચાલુ કેમ નથી થતા? અને જે બન્યા તે પણ હાલમાં તુટી ગયેલી અવસ્થામાં જ પડયા છે.
ઠેકેદાર સુડી વચ્ચે સોપારીની અવસ્થામાં આવી ગયો હોવાનો વર્તારો હાલમાં જોવાઈ રહ્યો છે. કારણ કે, ખાસ ગ્રાન્ટ તળે જે રસ્તાઓ સમાવિષ્ટ કરાયા તે જે તે સમયેના નગરસેવકો લાગવગ વાપરીને સારા રસ્તા પર જ ગ્રાન્ટ વપરાઈ ગયા અને તેનો હિસાબ પણ ઠેકેદારો દ્વારા આપી દેવામા આવ્યો છે. હવે ઉબડખાડબ રસ્તાઓ શહેરમાં જસના તસ છોડી દેવાયા અને ગ્રાન્ટ વપરાઈ જવા પામી ગઈ, હવે એ બાકી રહેતા રસ્તાઓ ઠેકેદાર બનાવે કેવી રીતે? અગાઉની ગ્રાન્ટનો હિસાબ તો અપાઈ ગયો, આ રસ્તા હવે ફરીથી બનાવવાના આવે તો હિસાબો સહિતની પ્રક્રીયા એકડે એકથી ફરીથી કરવાની નોબત આવી શકે તેમ છે જે શકય નથી. ઠેકેદારોને હવે આ રસ્તા જુની પ્રક્રીયામાં કરવા તો મોંઘા જ નહી પણ ઘરના ગોપીચંદ કરવા સમાન સ્થીતીમાં લાવી દે તેમ હોવાનુ મનાય છે. વર્તમાન બોડીને જાણે કે, ગતાગમ જ ન હોય તેવો તાલ થવા પામી રહ્યો છે, એકાદ રસ્તા ઉદઘાટનો અને ફોટા શેસન પુરતા કર્યા હોય તો ભલે, બાકી રોડ-રસ્તાના કામો તો આ બોડી કંઈ હજુ સુધી કરેલા હોય તેમ દેખાતુ નથી. વરસાદ દસ્તક દઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગાંધીધામ શહેરમાં સરકારે ફાળવેલી ગ્રાન્ટનો ગેરવલ્લે શહેરીજનોને માટે મોટી પીડાઓ ઉભી કરનારો બની રહે તો પણ નવી નવાઈ નહી કહેવાય.