ગાંધીધામમાં રેલવે ઓવરબ્રિજ પાસે પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ

સર્વિસ રોડ પર અસામાજીક તત્ત્વો દ્વારા છરી સાથે કરાતી હતી બબાલ : પોલીસે પહોંચીને મામલો થાળે પાડવા પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા આરોપીએ પોલીસ સાથે કર્યું ઘર્ષણ

ગાંધીધામ : શહેરના રેલવે ઓવરબ્રીજની બાજુમાં ભચાઉથી મુંદરા જતા માર્ગ પર સર્વિસ રોડ ઉપર બબાલ સર્જાઈ હતી. આ માર્ગ પર એક આરોપીએ હાથમાં છરી લઈને જાહેરમાં બબાલ કરી હતી, જેને કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા અને ટ્રાફિકજામ સર્જાયો હતો. પરિણામે નજીકના સ્થળે ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, ત્યારે આરોપીએ તેમની સાથે પણ હાથાપાઈ કરી હતી. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ જુવાનસિંહ જાડેજાએ આરોપી સિકંદર અબ્દુલ ઢોણા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી રેલવે ઓવરબ્રીજની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર હાથમાં છરી લઈને બબાલ કરતો હતો, જેના કારણે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને  ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી. બનાવની જાણ ફરજ પરના પોલીસકર્મી અને ટ્રાફિક વોર્ડનને થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, તે દરમ્યાન આરોપી દ્વારા છરીને લઈને જાહેરમાં બબાલ કરાતી હતી.  ફરિયાદી સહિતના સાહેદ ટ્રાફિક વોર્ડન હોય આરોપીને કાયદાની સમજ આપી, આ રીતે હથિયાર ધારણ કરી ધાંધલ ધમાલ કરવી એ ગુનો બને છે તેમ છતાં આરોપીએ પોલીસની વાત અવગણીને પોલીસ કર્મીઓ સામે ઘર્ષણ કર્યું હતું. અને પોલીસ સાથે હાથાપાઈ કરી મુઢ માર માર્યો હતો. જેને પગલે આરોપીને ઝડપી પાડી તેની વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.