ગાંધીધામમાં ત્રણ વર્ષિય માસૂમ બાળાનું અપહરણ કરીને હત્યા

ગત રાત્રિથી ગુમ થયેલી બાળકીનો હત્યા કરાયેલ મૃતદેહ કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારની સામેથી મળી આવતા પોલીસ દ્વારા તપાસ : હતભાગી બાળકી સાથે દુષ્કર્મ આચરાયું હોવાની પણ આશંકા : ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ

ગાંધીધામ : શહેરના પીએસએલ કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારની સામેથી રોડની બાજુએ ખુલા પટમાંથી ત્રણ વર્ષિય માસૂમ બાળકીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હતભાગી બાળકીને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝિંકી હત્યા નિપજાવાઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે. બનાવને પગલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી કુસુમદેવી રોહિત મહંતો નામની મહિલાએ ગત રાત્રે તેની ત્રણ વર્ષિય દીકરી અનુષ્કાનું અપહરણ થયા શબબ ગુનો નોંધાવ્યો હતો. ત્રણ વર્ષિય માસૂમ બાળકીને કોઈ અજાણ્યા ઈસમે ૧૦ રૂપિયાની નોટ વાપરવા આપીને લલચાવી-ફોસલાવી તેનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદમાં નોંધાવાયું હતું. રાત્રે જ ત્રણ વર્ષિય બાળકીનું અપહરણ થયાની ઘટનાને પગલે ગાંધીધામ બી-ડિવિઝન, એ-ડિવિઝન, એલસીબી સહિતની પોલીસ દોડતી થઈ હતી. પરિવારજનો દ્વારા પણ બાળકની શોધખોળ આદરવામાં આવી હતી. દરમિયાન કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારની સામેથી આ માસૂમ બાળાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવને પગલે પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. સમગ્ર મામલે ગાંધીધામ બી-ડિવિઝન પીઆઈ એસ.એસ. દેસાઈ સાથે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, રાત્રે જ બાળકીનું અપહરણ થયા શબબનો ગુનો પોલીસ મથકે નોંધાયો હતો. જેને પગલે પોલીસ દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરાઈ હતી. દરમિયાન આજે સવારે આ માસૂમ બાળાનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકીને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે પ્રહાર કરીને કે પછી મોટા પથ્થર કે દીવાલ સાથે માથું ભટકાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું પ્રાથમિક દૃષ્ટીએ જણાઈ આવે છે. જોકે, બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા બાદ પીએમ રિપોર્ટને આધારે મોતનું સ્પષ્ટ કારણ સ્પષ્ટ કારણ જાણી શકાશે. હાલ તો પોલીસે ઘટનાસ્થળનું પંચનામુ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે. તેમજ ગત રોજ જે અપહરણ અંગેની ફરીયાદ નોંધાઈ હતી તેમાં હત્યા સહિતની કલમોનો ઉમેરો કરાશે તેવું બી-ડિવિઝન પીઆઈ એસ.એસ. દેસાઈએ ઉમેર્યું હતું.બીજી તરફ એવી પણ ચર્ચાઓ જાગી હતી કે, ત્રણ વર્ષિય માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરીને નરાધમોએ બાળકીની હત્યા કરી લાશ ફેકી દીધી હતી. જોકે, આ બાબતે પોલીસે પુછતા એવી કોઈ બાબત હાલના તબક્કે સામી આવી નથી. બાળકીના પીએમ રિપોર્ટ બાદ સાચુ તથ્ય બહાર આવી
શકે તેમ છે.