ગાંધીધામમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ૧પ હજારની રોકડ સહિત ૬પ હજારનું મુદ્દામાલ કર્યો કબજે

ગાંધીધામ : જિલ્લામાં જુગારની બદીઓ વકરી હોય તેમ ફાગણમાં શ્રાવણીયો તાલ જોવા મળી રહ્યો છે. તેવામાં ગાંધીધામમાં આવેલી અંબિકા હોટલની બાજુમાં આવેલ ગ્લોબલ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ નજીક ખુલી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આરોપીઓના કબજામાંથી રૂા.૬પ,૩૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. ગાંધીધામની અંબિકા હોટલની બાજુમાં આવેલ ગ્લોબલ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટની બાજુમાં ખુલી જગ્યામાં તીનપત્તિનો જુગાર રમાતો હતો. જેમાં પોલીસે દરોડો પાડીને આરોપી રમેશ પ્રહ્‌લાદરામ યાદવ (ઉ.વ. ૪ર), શિવકુમાર મોહનલાલ કૌશિક (ઉ.વ. પ૮), મુલચંદ સુરનીરામ જાટ (ઉ.વ. પ૩) અને મીઠાલાલ પ્રભુદયાલ પારિક (બ્રાહ્મણ) (ઉ.વ. ૬૩)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના કબજામાંથી પોલીસે રોકડ રૂા.૧પ,૩૦૦ તેમજ પ૦ હજારના ચાર નંગ મોબાઈલ મળીને કુલ ૬પ,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવને પગલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સોનરાતે આગળની તપાસ હાથ ધરી છે.