ગાંધીધામમાં છૂટાછેડા થઈ ગયા બાદ પારિવારીક વિવાદમાં મહિલા સાથે ધાકધમકી

૧૧ લોકોના ટોળાએ ઘરમાં ધસી આવીને બોલાચાલી કરી કૂહાડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાયો ગુનો

ગાંધીધામ : ગાંધીધામના શક્તિનગરમાં કેપીટી શોપિંગ સેન્ટર પાસે રહેતી મહિલાના ઘરમાં અપપ્રવેશ કરીને ૧૧ લોકોના ટોળાએ ધાકધમકી કરી હતી. કૂહાડી વળે ગેટનું અંદરનું લોક તોડીને આવેલા આરોપીઓએ મહિલા સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ દીપાબેન રાકેશભાઈ સુગવાની (ઉ.વ. ૩૬)એ આરોપી જતન સુગવાની, અમીત સુગવાની, સુનિલ સુગવાની, કિશોર કરમચંદાની, ખુશી સુગવાની, ખુશીની માતા લક્ષ્મીબેન, ખુશીના મામા-મામી, ખુશીનો ભાઈ, કાકીસાસુ સુરીબેન સુગવાની તેમજ સાસુ મોહિની સુગવાની વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીના ઘરના મેઈન ગેટનું અંદરનો લોક તોડી અપપ્રવેશ કર્યો હતો. કૂહાડી બતાવીને ધાકધમકી કરી હતી. ઘરમાં આવીને મહિલાને મુંઢ મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  અગાઉ મહિલાના છૂટાછેડા થઈ ગયા બાદ ચાલતા પારિવારીક વિવાદને કારણે બનાવ બન્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બનાવને પગલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા કે.જે.ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.