ગાંધીધામમાં ગોડાઉન હોવાનું જણાવી ઓક્સિજનના નામે બે વેપારીઓ સાથે ૧.૧૩ કરોડની ઠગાઈ

અંકિત વાળા નામના ચિટરે એક્સ-રે મશીન બનાવતી ફેકટરીના માલિક અને તેના ડીલરને ચોપડયો ચુનો ઃ ગાંધીધામમાં ગોડાઉન જ ન હોતા સાયબર ક્રાઈમ સેલમાં નોંધાવાઈ ફરિયાદ

ગાંધીધામ ઃ કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની કટોકટી વચ્ચે એક શખ્સે ગાંધીધામમાં પોતાનો ગોડાઉન હોવાનું જણાવી ઓક્સિજન કોન્સન્ટ્રેટરના નામે બે મોટા વેપારીઓ સાથે એક ૧.૧૩ કરોડની ઠગાઈ આચરતા સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા ૪૭ વર્ષિય નીરવભાઈ ચાંગોદરમા એક્સ-રે મશીન બનાવવાની ફેકટરી ધરાવે છે. સમગ્ર ભારતમાં તેમના પ્રોડકટના ડીલર રાખીને વ્યવસાય કરે છે. ત્યારે ભુવનેશ્વર ખાતે રહેતા બી. બી. શાહુ નામના તેમના વેપારી પાસે એક એટોમદાસ કંપનીના નામનું બીલ આવેલું હતું, તેના પરના એડ્રેસ અને નંબર પરથી બી. બી. શાહુએ નીરવભાઈને તપાસ કરવાનું જણાવ્યું હતું. નીરવભાઈએ તપાસ કરતા ઓફીસ બંધ હાલતમાં મળી હતી અને નંબર પર ફોન કરતા સામે અંકિત વાળા નામના વ્યક્તિએ વાત કરી પોતે ઘરેથી કામ કરતા હોવાનું જણાવ્યું હતું અને શાહુને ઓર્ડરનો કુરીયર આપવાનું જણાવ્યું હતું. દરમ્યાન નીરવભાઈ સાથે વાતચીત કરીને ચિટરે પાંચ લીટરની કેપેસિટી વાળા એક મશીનની કિંમત રૂા. રપ૦૦૦, અને ૧૦ લીટર કેપેસિટી વાળા એક મશીનની કિંમત પ૦,૦૦૦ હજાર જણાવી હતી. આ ચીટરની વાતમાં આવીને નીરવભાઈએ પણ રસ દાખવતા માલનો ફોટો અને ભાવ સ્ટોક મોકલ્યા હતા. આરોપીએ પોતાનું ગોડાઉન ગાંધીધામમાં આવેલું હોવાનું જણાવ્યું હતું. નીરવભાઈએ ઓર્ડર કરતા તેમના ડીલર કૌશિકભાઈ શાહે પણ આ ચીટરની વાતમાં આવીને ૭પ લાખનો ઓર્ડર આપ્યો હતો. બાદમાં વેપારીઓએ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર પણ કરી હતી. ત્યાર બાદ માલ ન મળતા ગાંધીધામમાં જે જગ્યાએ ગોડાઉન હોવાનો વીડીયો મોકલવામાં આવ્યો હતો ત્યાં તપાસ કરતા કોઈ ગોડાઉન ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ વેપારીઓએ સાયબર ક્રાઈમ સેલમાં ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.