ગાંધીધામમાં કલેકટર રોડ પર મોબાઈલમાં લુડોનો જુગાર રમાડવાના કારસ્તાનનો પર્દાફાશ

ભુજમાં માસ્ક પહેર્યા વગર જુગાર રમતા પાંચ ખેલીઓ પણ ઝબ્બે

ગાંધીધામ : કોરોનાકાળમાં તમામ સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. ત્યારે ગાંધીધામમાં જુગાર પણ ઓનલાઈન રમાડવામાં આવી રહ્યો છે. શહેરના કલેકટર રોડ પર ઓનલાઈન જુગાર રમાડતા યુવકને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. જયારે ભુજમાં માસ્ક પહેર્યા વગર જુગાર પાંચ ખેલીઓ પણ ઝડપાયા હતા.

આ અંગેની વિગતો મુજબ ગાંધીધામમાં કલેકટર રોડ પર મોબાઈલમાં લુડો કિંગ નામની એપ પર ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હતો. લુડોની એપ પર હારજીતનો જુગાર ચાલુ હોવાની બાતમીના આધારે ગઈકાલે રાત્રે પોલીસે રેડ પાડતા સ્થળ પરથી ૧૩પ૦૦ રોકડા અને બે ટેબલેટ કિ.રૂા. ર૦ હજાર મળી કુલ રૂપિયા ૩૩,પ૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ સાથે ભારતનગરમાં આવેલી બજરંગ સોસાયટીમાં રહેતા આરોપી કૃણાલ ભીખાભાઈ ઠક્કરની ધરપકડ કરાઈ હતી. તો બીજીતરફ ભુજમાં ભીડ નાકા બહાર દાદુપીર રોડ પર કુંભાર જમાતખાનાની સામે રહેણાક મકાનની બહાર ફળિયામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા હતા. આરોપીઓ ઉમર ઉર્ફે ગીલી અલીમામદ સમા, શકીનાબેન ઈસ્માઈલ મુસા ત્રાયા, શકીનાબેન કાસમ સાલેમામદ જુણેજા, સલમા અનવર શેખ, મુમતાઝ ઈકબાલ કાસમ મુગલની ધરપકડ કરાઈ હતી. આરોપીઓએ કલેકટરના જાહેરનામાનો ભંગ કરી માસ્ક પહેર્યા વગર અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવ્યા વિના ગંજીપાનાનો જુગાર રમતા હોવાથી જુગાર ધારા ઉપરાં એપેડેમીકલ એકટની કલમો તળે પણ ગુનો દાખલ થયો છે. આરોપીઓ પાસેથી ર૪ર૦ રોકડા કબ્જે કરાયા હતા.